Smartphone Price Hike: જો તમે નવો iPhone કે પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. આગામી સમયમાં સ્માર્ટફોન ખરીદવા માટે તમારે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે. રિસર્ચ મુજબ વર્ષ 2026ના અંત સુધીમાં પ્રીમિયમ સ્માર્ટફોનની કિંમતોમાં 2025ની સરખામણીએ 30%થી વધુનો વધારો થઈ શકે છે. ખાસ વાત એ છે કે તેની પાછળનું કારણ સ્માર્ટફોનની વધતી ડિમાન્ડ નહીં, પરંતુ મેમરી ચિપની મોંઘવારી છે.
મેમરી ચિપ મોંઘી થતાં સ્માર્ટફોનની કિંમત વધશે
આ પણ વાંચો
સ્માર્ટફોન બનાવવામાં ઉપયોગમાં લેવાતા અલગ-અલગ પાર્ટ્સની કિંમતમાં વધારો થાય ત્યારે તેની સીધી અસર ફોનની ફાઇનલ કિંમત પર પડે છે. હાલ DRAM અને NAND મેમરી ચિપની કિંમતોમાં થઈ રહેલો વધારો સ્માર્ટફોન કંપનીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં સ્માર્ટફોન બનાવવાના કુલ ખર્ચમાં મેમરી ચિપનો હિસ્સો આશરે 13% હતો. જોકે, વર્ષ 2026ના અંત સુધીમાં આ હિસ્સો વધીને 43% સુધી પહોંચી શકે છે. આટલા મોટા વધારાને કારણે કંપનીઓ માટે જૂની કિંમતે સ્માર્ટફોન વેચવાનું મુશ્કેલ બની શકે છે.
આ સ્થિતિ પાછળ AI ટેક્નોલોજીનો વધતો ઉપયોગ પણ એક મોટું કારણ છે. AI ડેટા સેન્ટર્સ માટે મોટા પ્રમાણમાં મેમરીની જરૂર પડે છે. તેના કારણે DRAM અને NAND ચિપની માંગ વધી રહી છે અને સપ્લાય પર દબાણ ઊભું થઈ રહ્યું છે. પરિણામે મેમરી ચિપ મોંઘી થઈ રહી છે અને તેની અસર મોબાઇલ ફોનના ઉત્પાદન ખર્ચ પર પડી રહી છે.
Oppo અને iPhone સહિત અનેક બ્રાન્ડના ફોન થયા મોંઘા
સ્માર્ટફોનની કિંમતોમાં વધારો થવાની અસર અત્યારથી જ જોવા મળી રહી છે. રિપોર્ટમાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે Oppoના ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમતોમાં વાર્ષિક ધોરણે આશરે 82થી 87% સુધીનો વધારો નોંધાયો છે. જ્યારે અલ્ટ્રા-પ્રીમિયમ સેગમેન્ટમાં Appleના iPhoneની કિંમતોમાં પણ 20થી 22% સુધીનો વધારો થયો હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત Samsung અને Xiaomi જેવી કંપનીઓએ પણ દિવાળી બાદ પોતાના કેટલાક સ્માર્ટફોન મોડલની કિંમતોમાં રૂ. 2,000થી રૂ. 4,000 સુધીનો વધારો કર્યો છે. Samsungના ફ્લેગશિપ Galaxy S26ની કિંમતમાં પણ અગાઉની સરખામણીએ આશરે 17%નો વધારો નોંધાયો છે. આવા સંજોગોમાં આવનારા સમયમાં અન્ય સ્માર્ટફોન કંપનીઓ પણ પોતાના મોડલની કિંમતોમાં ફેરફાર કરી શકે છે. ખાસ કરીને મોંઘા અને પ્રીમિયમ સેગમેન્ટના ફોન ખરીદનારા ગ્રાહકોને વધુ બજેટ રાખવાની જરૂર પડી શકે છે.
2 લાખ રૂપિયાની નજીક પહોંચી રહ્યા છે પ્રીમિયમ સ્માર્ટફોન
પહેલાં પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવા માટે એક લાખ રૂપિયાનું બજેટ મોટું માનવામાં આવતું હતું, પરંતુ હવે ટોપ-એન્ડ મોડલની કિંમતો 2 લાખ રૂપિયાની નજીક પહોંચી રહી છે. જો ઉત્પાદન ખર્ચમાં આ જ રીતે વધારો થતો રહેશે તો આવનારા સમયમાં ફ્લેગશિપ ફોન વધુ મોંઘા બની શકે છે.
જોકે, મોંઘા ફોન ખરીદતા પહેલાં ગ્રાહકો પણ હવે માત્ર બ્રાન્ડના નામ પર આધાર રાખતા નથી. તેઓ કેમેરાની ગુણવત્તા, પ્રોસેસરની સ્પીડ, બેટરી બેકઅપ, ફોનની મજબૂતી અને વેચાણ પછી મળતી સર્વિસ જેવી બાબતોને ધ્યાનમાં રાખે છે.
આવી સ્થિતિમાં Google અને iQOO જેવી કંપનીઓને પણ ફાયદો થઈ શકે છે. આ બ્રાન્ડ્સ એવા ગ્રાહકોને આકર્ષી શકે છે જેઓ પ્રીમિયમ ફીચર્સ ઇચ્છે છે, પરંતુ તેના માટે ખૂબ વધારે કિંમત ચૂકવવા માંગતા નથી.
સ્માર્ટફોન ખરીદતા પહેલાં બજેટનું રાખો ધ્યાન
મેમરી ચિપની વધતી કિંમતોની અસર માત્ર મોંઘા ફ્લેગશિપ ફોન સુધી મર્યાદિત રહેવાની નથી. જો ઉત્પાદન ખર્ચ સતત વધશે તો તેની અસર અન્ય સ્માર્ટફોન કેટેગરી પર પણ પડી શકે છે. જોકે, દરેક કંપની અને દરેક મોડલમાં ભાવવધારો કેટલો થશે તે અલગ હોઈ શકે છે.
આથી નવો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ તો અલગ-અલગ બ્રાન્ડના ફીચર્સ અને કિંમતોની સરખામણી કરીને નિર્ણય લેવો યોગ્ય રહેશે.
