1 નવેમ્બરથી બદલાશે ફોન કોલિંગના નિયમો, અજાણ્યા નંબર પર પણ દેખાશે સાચું નામ, ટ્રુકોલરની જરૂર નહીં પડે

ટેલિકોમ વિભાગ દ્વારા 1 નવેમ્બરથી CNAP સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી રહી છે. હવે 4G/5G યૂઝર્સને અજાણ્યા નંબર પરથી કોલ આવતા જ સિમ કાર્ડ લેતી વખતે નોંધાવેલું અસલી નામ સ્ક્રીન પર દેખાશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 15 Oct 2026 06:51 PM (IST)Updated: Thu, 15 Oct 2026 06:51 PM (IST)
new-cnap-rule-real-caller-name-on-mobile-from-nov-2026

1 November CNAP Rule: ટેલિકૉમ સેક્ટરમાં એક મોટો અને મહત્વપૂર્ણ બદલાવ થવા જઈ રહ્યો છે. હવે મોબાઈલ પર કોઈ અજાણ્યા નંબરથી કૉલ આવશે ત્યારે સ્ક્રીન પર માત્ર નંબર નહીં, પરંતુ તે વ્યક્તિનું અસલી નામ પણ દેખાશે. દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા તમામ ટેલિકૉમ ઑપરેટર્સને 1 નવેમ્બર 2026થી આ સેવા અનિવાર્યપણે શરૂ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

સૌથી મોટી રાહતની વાત એ છે કે મોબાઈલ યૂઝર્સે આ સુવિધા માટે કોઈપણ પ્રકારની વધારાની સેટિંગ્સ બદલવી કે અલગથી એક્ટિવવેટ કરવાની જરૂર નહીં પડે, તે બાય-ડિફોલ્ટ કામ કરશે. સરકારના આ નવા નિયમને લઈને યૂઝર્સના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેને સરળ ભાષામાં નીચે મુજબ સમજી શકાય છે:

સરકારનો નવો કૉલિંગ નિયમ શું છે?

સરકારે તમામ 4G અને 5G મોબાઇલ નેટવર્ક પર 'કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન' (CNAP) સિસ્ટમ ફરજિયાત કરી દીધી છે. પરિણામ સ્વરૂપ, હવે કોઈપણ અજાણ્યા નંબરથી ફોન આવશે ત્યારે કૉલ કરનારની સાચી ઓળખ (નામ સાથે) સીધી તમારા ફોનની સ્ક્રીન પર દેખાશે.

કૉલ આવતી વખતે સ્ક્રીન પર નામ કઈ રીતે નક્કી થશે?

જો કૉલ કરનાર વ્યક્તિનો નંબર તમારા ફોનના કૉન્ટેક્ટ લિસ્ટમાં સેવ હશે, તો તમે સેવ કરેલું નામ જ દેખાશે.

જો નંબર સેવ નહીં હોય, તો તે વ્યક્તિએ સિમ કાર્ડ ખરીદતી વખતે જે સત્તાવાર નામ (KYC ડેટા મુજબ) નોંધાવ્યું હશે, તે સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

જો કોઈ ઇન્ટરનેશનલ કૉલ આવે તો શું દેખાશે?

વિદેશી નંબરો પરથી આવતા કૉલના કિસ્સામાં કોઈ વ્યક્તિગત નામ નહીં દેખાય. સ્ક્રીન પર માત્ર 'ઇન્ટરનેશનલ કૉલ' લખેલું આવશે, જેથી યૂઝર્સ વિદેશી કૉલ્સને સરળતાથી ઓળખી શકે.

આ ટેક્નિકલ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

દરેક ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડરે પોતાના ગ્રાહકોના નામ અને મોબાઈલ નંબરને સાંકળતો (લિંક કરતો) એક સુરક્ષિત અને નવો ડેટાબેઝ તૈયાર કરવો પડશે. જ્યારે પણ ફોન રણકશે, ત્યારે આ સિસ્ટમ પળભરમાં ડેટાબેઝમાંથી નામ ફેચ કરીને તમારી સ્ક્રીન પર બતાવી દેશે.

યૂઝર્સની પ્રાઇવસી અને ડેટા સુરક્ષાનું શું?

સરકારની આ પ્રક્રિયામાં ડેટા સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. કૉલ કટ થતાંની સાથે જ સિસ્ટમ તે નામને પોતાની મેમરીમાંથી તાત્કાલિક ડિલીટ કરી દેશે. વળી, જે યૂઝર્સે પ્રાઇવસી જાળવવા માટે સરકારી નિયમો અનુસાર CLIR (Calling Line Identification Restriction) સર્વિસ લીધેલી હશે, તેમનું નામ સ્ક્રીન પર દેખાશે નહીં.

બિઝનેસ, કંપનીઓ અને બલ્ક કનેક્શન માટે શું નિયમ છે?

કોઈપણ કંપની, સંસ્થા કે બિઝનેસ સિમ કાર્ડનો ઉપયોગ કરતા યુઝર્સને પોતાનું રજિસ્ટર્ડ બ્રાન્ડ નેમ કે ટ્રેડમાર્ક દર્શાવવાનો વિકલ્પ મળશે. આ માટે તેમણે જીએસટી (GST) પોર્ટલ અથવા ટ્રેડમાર્ક રજિસ્ટ્રીના સત્તાવાર દસ્તાવેજો અને વેરિફિકેશન સંબંધિત ટેલિકૉમ ઑપરેટરને આપવા પડશે.

2G, 3G અને લેન્ડલાઇન યૂઝર્સ માટે શું વ્યવસ્થા છે?

હાલના તબક્કે આ નવો નિયમ માત્ર 4G અને 5G અથવા તેનાથી અપગ્રેડેડ મોબાઇલ નેટવર્ક ધરાવતા યૂઝર્સ માટે જ અનિવાર્ય કરવામાં આવ્યો છે. 2G, 3G તેમજ લેન્ડલાઇન (PSTN) નેટવર્ક પર આ સેવા લાગુ કરવા અંગે સરકાર આગામી સમયમાં યોગ્ય વિચારણા કરશે.

આ નિર્ણય પાછળની પ્રક્રિયા અને ટ્રાયલ ક્યારે થયા?

ટેલિકૉમ રેગ્યુલેટર TRAI દ્વારા ફેબ્રુઆરી 2024માં આ અંગેની ભલામણો રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા કેટલાક મહિનાઓમાં તેના વ્યાપક ટેકનિકલ ટ્રાયલ પૂર્ણ થયા. ઓક્ટોબર 2025માં TRAI અને દૂરસંચાર વિભાગ (DoT) વચ્ચે આ સુવિધાને 'રિકવેસ્ટ બેઝ્ડ' રાખવાને બદલે સીધી 'બાય-ડિફોલ્ટ' લાગુ કરવા પર અંતિમ સહમતિ સધાઈ હતી.

સામાન્ય મોબાઈલ યૂઝર્સને આનાથી શું ફાયદો થશે?

આ નિયમના અમલીકરણથી ડિજિટલ યુગમાં થતી છેતરપિંડી પર મોટી લગામ કસાશે-

ફ્રોડ કૉલ્સ, સાયબર ક્રાઈમ, સ્પામ કૉલ્સ અને બ્લેકમેઇલિંગની ઘટનાઓમાં મોટો ઘટાડો થશે.

ખોટા નામે સિમ કાર્ડ ચલાવતા અસામાજિક તત્વોની ઓળખ અત્યંત સરળ બનશે.

યૂઝર્સે હવે નામ ઓળખવા માટે Truecaller જેવી થર્ડ-પાર્ટી એપ્લિકેશન્સ પર આધાર રાખવો નહીં પડે.