Black Vs Blue Solar Panels: આજકાલ વધતા વીજળીના બિલ અને મોંઘવારી સામે સોલાર પેનલ એક ઉત્તમ અને ટકાવ વિકલ્પ બનીને ઉભરી આવ્યો છે. મોટાભાગના લોકો પોતાના ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવવાનું પસંદ કરી રહ્યા છે. જોકે, મોટાભાગના ગ્રાહકો માત્ર પેનલની ક્ષમતા જોઈને નિર્ણય લેતા હોય છે. બજારમાં મુખ્યત્વે બે પ્રકારની – વાદળી (પોલીક્રિસ્ટલાઇન) અને કાળી (મોનોક્રિસ્ટલાઇન) સોલાર પેનલ્સ ઉપલબ્ધ હોય છે. આ બંને વચ્ચે માત્ર રંગનો જ નહીં, પરંતુ ટેક્નોલોજી, કાર્યક્ષમતા, કિંમત અને જરૂરી જગ્યા વચ્ચે પણ મોટો તફાવત છે.
વાદળી પેનલ (પોલીક્રિસ્ટલાઇન ટેક્નોલોજી)
વાદળી રંગની સોલાર પેનલ્સ પોલીક્રિસ્ટલાઇન ટેક્નોલોજીથી બનાવવામાં આવે છે, જેમાં સિલિકોનના અનેક ક્રિસ્ટલને ઓગાળીને સેલ તૈયાર કરાય છે.
- ઉત્પાદન અને કિંમત: તેની ઉત્પાદન પ્રક્રિયા સરળ હોવાથી આ પેનલ્સ મોનોક્રિસ્ટલાઇન કરતાં કિંમતમાં સસ્તી હોય છે.
- કાર્યક્ષમતા: આ પેનલ્સની વીજ ઉત્પાદન કાર્યક્ષમતા સામાન્ય રીતે 15 થી 17 ટકા સુધીની હોય છે.
- કોના માટે યોગ્ય: જો તમારું બજેટ મર્યાદિત હોય અને ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ હોય, તો આ એક ઉત્તમ વિકલ્પ છે.
કાળી પેનલ (મોનોક્રિસ્ટલાઇન ટેક્નોલોજી)
કાળા રંગની સોલાર પેનલ્સ મોનોક્રિસ્ટલાઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક જ ઉચ્ચ ગુણવત્તાવાળા શુદ્ધ સિલિકોન ક્રિસ્ટલમાંથી બનાવવામાં આવે છે.
- ઉત્પાદન અને કિંમત: જટિલ ઉત્પાદન પ્રક્રિયા અને પ્રીમિયમ ક્વોલિટીના કારણે આ પેનલ્સ વાદળી પેનલની સરખામણીએ થોડી મોંઘી હોય છે.
- કાર્યક્ષમતા: તેની કાર્યક્ષમતા વધુ એટલે કે 18 થી 22 ટકા સુધીની હોય છે, જેનાથી ઓછી જગ્યામાં પણ વધુ વીજળી ઉત્પન્ન થાય છે.
- કોના માટે યોગ્ય: જો છત પર જગ્યા મર્યાદિત હોય અને ઓછા વિસ્તારમાં વધુ વીજ ઉત્પાદન મેળવવું હોય તો કાળી પેનલ બેસ્ટ માનવામાં આવે છે.
ખરીદી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
સોલાર પેનલ પસંદ કરતી વખતે માત્ર તેના દેખાવ કે શરૂઆતી કિંમત પર નિર્ભર ન રહેવું જોઈએ. નિર્ણય લેતા પહેલાં તમારી વીજ જરૂરિયાત, ઉપલબ્ધ ટેરેસ સ્પેસ, બજેટ, બ્રાન્ડ વોરંટી અને હવામાન જેવી બાબતોની સમીક્ષા કરવી જરૂરી છે. લાંબા ગાળે વીજળીની બચત અને પેનલની ટકાઉક્ષમતા જ સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે.
