Solar Rooftop: વધતા જતા વીજ બિલમાંથી મુક્તિ મેળવવા અને પર્યાવરણને સાનુકૂળ ઉર્જા અપનાવવા માટે આજે મોટાભાગના લોકો ઘરની છત પર સોલર રૂફટોપ પેનલ લગાવી રહ્યા છે. જોકે, યોગ્ય માહિતીના અભાવે ઘણા લોકો ખોટી ક્ષમતાનું સોલર સિસ્ટમ પસંદ કરી લે છે, જેના કારણે તેમને ધાર્યો ફાયદો મળતો નથી. તમારા ઘર માટે કેટલી ક્ષમતાનું સોલર પ્લાન્ટ યોગ્ય રહેશે તેનો આધાર ઘરના રૂમ પર નહીં પણ દર મહિને આવતા વીજ બિલના યુનિટ અને વીજ ઉપકરણોના વપરાશ પર રહેલો છે.
ઘરના વપરાશ મુજબ સોલર સિસ્ટમની પસંદગી:
- 2BHK ઘર માટે (દર મહિને 150 થી 250 યુનિટ વપરાશ): જો તમારા ઘરમાં માસિક વપરાશ 150 થી 250 યુનિટની આસપાસ હોય, તો 2 થી 3 કિલોવોટ (kW) નું સોલર સિસ્ટમ પરફેક્ટ રહેશે. આ સિસ્ટમ પર ઘરની તમામ લાઈટ, પંખા, ટીવી અને ફ્રિજ સહેલાઈથી ચાલી શકે છે. જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ નાખો છો, તો જરૂરિયાત મુજબ 1 AC પણ ચલાવી શકાય છે.
- 3BHK ઘર માટે (દર મહિને 300 થી 500 યુનિટ વપરાશ): વધુ વપરાશ ધરાવતા 3BHK પરિવાર માટે 3 થી 5 કિલોવોટનો સોલર પ્લાન્ટ ઉત્તમ વિકલ્પ છે. તેમાં ઘરની તમામ સામાન્ય વસ્તુઓ ઉપરાંત 1 થી 2 AC પણ કોઈ પણ અડચણ વગર આરામથી ચલાવી શકાય છે.
- 4BHK અથવા મોટા બંગલા માટે (600 કે તેથી વધુ યુનિટ વપરાશ): જો તમારો વીજ વપરાશ ખુબ વધારે હોય, તો તમારે 5 થી 10 કિલોવોટની સિસ્ટમ પસંદ કરવી જોઈએ. આ કેપેસિટીમાં ઘરના તમામ હેવી ઈલેક્ટ્રિક ઉપકરણો, મલ્ટિપલ AC અને વોટર હીટર ચલાવી શકાય છે.
સોલર પેનલ લગાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન:
- માત્ર રૂમ ન જુઓ, ઈન્વર્ટર પણ ઉત્તમ પસંદ કરો: સોલર પેનલ લગાવતી વખતે માત્ર ઘર કેટલું મોટું છે તે જોવું પૂરતું નથી, પરંતુ ઘરમાં વાસ્તવમાં કેટલા ઈલેક્ટ્રિક સાધનો એકસાથે ચાલે છે તેની ગણતરી કરવી જરૂરી છે. સાથે જ સારા પાવર અને ગુણવત્તાવાળું ઈન્વર્ટર લગાવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
- સોસાયટીની મંજૂરી (NOC) ફરજિયાત: જો તમે એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહો છો, તો ધાબા (છત) પર સોલર પેનલ લગાવતા પહેલા તમારી સોસાયટીની કમિટી (RWA) પાસેથી લેખિત પરમિશન (NOC) લેવી અનિવાર્ય છે. સોસાયટીની એન.ઓ.સી. વિના સિસ્ટમ મંજૂર થઈ શકતી નથી.
