હવે ઈન્સ્ટાગ્રામ પર નહીં જોવા મળે અશ્લીલ અને હિંસક પોસ્ટ, સરકારની લાલ આંખ બાદ Meta એ બદલ્યા નિયમો

Instagram New Rules: ભારત સરકારના કડક વલણ બાદ Meta એ ભારતમાં Instagram ના રિકમેન્ડેશન સિસ્ટમ અને કન્ટેન્ટ અલ્ગોરિધમ માટે કડક નિયમો લાગું કર્યા છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 18 Nov 2026 12:19 PM (IST)Updated: Wed, 18 Nov 2026 12:19 PM (IST)
meta-has-changed-its-instagram-content-policy-following-directives-from-the-government-of-india

Meta content policy update: આજ કાલ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક લોકો ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. જોકે, ઈન્સ્ટાગ્રામ પર બધા કન્ટેન્ટ સરખા નથી હોતા. ઘણીવાર એવા અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ શેર કરવામાં આવે છે જેનાથી બાળકોની માનસિક સ્થિતિ પર ખરાબ અસર થાય છે. બાળકોને આવા કન્ટેન્ટથી દૂર રાખવા માટે ભારત સરકારે મેટાને કડક કાર્યવાહી કરવા માટે સુચન કર્યું હતું. જે બાદ મેટાએ ઈન્સ્ટાગ્રામ અંગે નવા નિયમો જાહેર કર્યા છે. જેનાથી હવે ઈન્સ્ટાગ્રામ પર અશ્લિલ અને હિંસક સામગ્રી ઓછી જોવા મળશે.

હિંસાને પ્રોત્સાહિત કરતી રિલ્સ ઓછી જોવા મળશે

તમને જણાવી દઈએ કે, મેટાએ કરેલા આ ફેરફારની અસર એવી પોસ્ટ પર પડશે જેને ઈન્સ્ટાગ્રામ તે એકાઉન્ટથી યૂઝર્સને દેખાડે છે જેમને તે ફોલો નથી કરતા. તેમા રિલ્સ અને મુખ્ય ફીડમાં દેખાતી સજેસ્ટેડ પોસ્ટનો પણ સમાવેશ થાય છે. આ બદલાવ અંગે મેટાએ કહ્યું કે, હવે ઈન્સ્ટાગ્રામ પર લોકોને ઉશ્કેરતી અને હિંસાને પ્રોત્સાહિત કરતી રિલ્સ ઓછી જોવા મળશે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે એક મહિના પહેલા આ અંગે મેટાને દિશા નિર્દેશો આપ્યા હતા જે બાદ હવે મેટાએ આ ફેરફાર કર્યો છે.

AI દ્વારા કન્ટેન્ટની કરવામાં આવશે સમીક્ષા

જોકે, મેટાએ એમ પણ કહ્યું છે કે, જો કોઈ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ કમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતી નહીં હોય તો તે પોસ્ટને દૂર કરવામાં નહીં આવે. જોકે એ પણ જરુરી નથી કે બધી પોસ્ટ યૂઝર્સને ભલામણ કરવામાં આવે. હવેથી કોઈપણ કન્ટેન્ટ ઈન્સ્ટાગ્રામ પર તો રહેશે પરંતુ વધુ લોકો સુધી તેને પહોંચાડવા માટે અપીલ કરવામાં નહીં આવે. મેટા વધુમાં જણાવ્યું કે, ઈન્સ્ટાગ્રામ યૂઝર્સના પ્રતિભાવોને આધારે છેલ્લા એક વર્ષંમાં ઘણા ફેરફારો કર્યા છે. આ ઉપરાંત કોઈ પણ યૂઝર્સ સુધી કોઈ પોસ્ટ પહોંચે તે પહેલા એઆઈ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવે છે.

કંપનીએ ભારતમાં પણ ઘણા ફેરફાર કર્યા

તમને જણાવી દઈએ કે, 10 ઓક્ટોબરના રોજ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે વધતા અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ અંગે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કંપની ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટની રેન્કીંગ અને રિકમેન્ડેશન સિસ્ટમ અંગે રિવ્યૂ કરે. જે બાદ કંપનીએ ભારતમાં ઘણા ફેરફાર કર્યા છે. આથી અશ્વિલ કન્ટેન્ટની ઓળખ થઈ શકે અને તેને રોકી શકાય. મંત્રાલયે એ ચિંતા પણ વ્યક્ત કરી હતી કે મેટાનું સોશિયલ મીડિયા ભ્રામક અને તથ્ય વિનાના કન્ટેન્ટને વધુ મહત્વ આપી શકે છે, જેના પરિણામો ખરાબ આવી શકે છે. હિંસા ભડકવાના પણ ચાન્સ રહે છે. આથી આવી સામગ્રી પર નજર રાખવા મેટાને નિર્દેશ આપવામાં આવ્યો હતો.