FASTag Annual Pass Price: વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવવા માટે શરૂ કરવામાં આવેલો 'FASTag એન્યુઅલ પાસ' વાહનચાલકો માટે અત્યંત લોકપ્રિય સાબિત થઈ રહ્યો છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગત વર્ષે 15 ઓગસ્ટે લોન્ચ થયેલા આ પાસે માત્ર એક જ વર્ષમાં 1 કરોડથી વધુ વેચાણનો આંકડો પાર કરી લીધો છે. આ સ્પેશિયલ પાસ 3,075 રૂપિયાના વન ટાઈમ પેમેન્ટ પર ઉપલબ્ધ છે, જેમાં વાહનચાલકને 1 વર્ષની વેલિડિટી અથવા વધુમાં વધુ 200 ટોલ પ્લાઝા ક્રોસિંગની સુવિધા મળે છે. હાલમાં આ સુવિધા દેશભરના આશરે 1,150 નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે ટોલ પ્લાઝા પર લાગુ છે.
પાત્રતા અને એક્ટિવિએશનની પ્રક્રિયા
આ એન્યુઅલ પાસ FASTag ધરાવતા તમામ નોન-કમર્શિયલ વાહનો માટે લાગુ પડે છે. વાહનચાલકો 'રાજમાર્ગયાત્રા' (Rajmargyatra) એપના માધ્યમથી વનટાઈમ પેમેન્ટ કરીને પોતાના વાહન સાથે જોડાયેલા વર્તમાન FASTag પર જ આ એન્યુઅલ પાસ સરળતાથી એક્ટિવેટ કરી શકે છે. મંત્રાલયના મતે, આ પાસના વધતા ઉપયોગથી નેશનલ હાઇવે પર મુસાફરી વધુ સરળ, અવિરત અને સસ્તી બની છે.
'OneTag' એટલે શું?
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા 'રાજમાર્ગયાત્રા' એપ પર 'OneTag' નામની FASTag પોર્ટેબિલિટી સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દેશમાં 98 ટકાથી વધુ પેનિટ્રેશન રેટ અને આશરે 13 કરોડ યૂઝર્સ સાથે FASTag એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમમાં ક્રાંતિ લાવી છે. આ નવું 'OneTag' ફિચર ડિજિટલ ટોલિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવે છે અને યૂઝર્સને વધારે સુવિધા તેમજ ફ્લેક્સિબિલિટી પ્રદાન કરે છે.
નવું ફિઝિકલ ટેગ લેવાની જરૂરિયાતનો અંત
'OneTag' સેવાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના દ્વારા FASTag યૂઝર્સ પોતાના વાહન પર લાગેલા જૂના કે વર્તમાન FASTagને જાળવી રાખીને પોતાનો ઇશ્યૂઅર બદલી શકે છે. આનાથી નવું ફિઝિકલ ટેગ ખરીદવાની કે બદલવાની જરૂરિયાત સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે અને મુસાફરો માટે નેશનલ હાઇવે પરની સફર વધુ સરળ બને છે.
OneTag સુવિધા મેળવવાની સરળ પ્રક્રિયા
FASTag યૂઝર્સ 'રાજમાર્ગયાત્રા' એપમાં લોગ ઇન કરીને અને પોતાનો વાહન રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને પોતાની પાત્રતાની સરળતાથી ચકાસણી કરી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન યૂઝરને વર્તમાન ઇશ્યૂઅર બેંક તરફથી 6 અંકનો મોબાઈલ વેરીફિકેશન કોડ (MVC) પ્રાપ્ત થાય છે. ઓથોરાઈઝેશન પૂર્ણ થયા બાદ, યૂઝરે પોર્ટેબિલિટીની પ્રક્રિયા આગળ વધારવા માટે નવો ઇશ્યૂઅર પસંદ કરવાનો રહે છે અને ત્યારબાદ ગ્રાહક ચકાસણી તેમજ નવા ઇશ્યૂઅર સાથે વોલેટ ઓનબોર્ડિંગની પ્રક્રિયા પૂરી કરીને આ સેવા સક્રિય કરી શકાય છે.
