EPFO WhatsApp Service: EPFOના સભ્યો માટે કામના સમાચાર! હવે WhatsApp પર માત્ર Hi લખતાં જ મળશે PF ખાતાની તમામ વિગતો, જાણો પ્રોસેસ

EPFOની WhatsApp સર્વિસથી હવે ઘરે બેઠા PF બેલેન્સ, પાસબુક અને છેલ્લાં 5 ટ્રાન્ઝેક્શન ચેક કરી શકશો. જાણો ઓફિશિયલ નંબર અને OTP વેરિફિકેશન સહિતની સંપૂર્ણ પ્રોસેસ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 18 Nov 2026 09:47 AM (IST)Updated: Wed, 18 Nov 2026 09:47 AM (IST)
epfo-whatsapp-service-just-send-hi-to-get-complete-pf-account-details-check-process

EPFO WhatsApp Service: નોકરી કરતા કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ (PF)ની માહિતી મેળવવી હવે વધુ સરળ બની છે. અત્યાર સુધી PF બેલેન્સ અને પાસબુક જોવા માટે EPFOની વેબસાઇટ અથવા UMANG એપનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ હવે WhatsApp દ્વારા પણ આ વિગતો મેળવી શકાય છે. ખાસ વાત એ છે કે આ માટે વારંવાર પોર્ટલ પર લોગિન કરવાની ઝંઝટ રહેતી નથી. માત્ર એક મેસેજ અને OTP વેરિફિકેશનની મદદથી તમે તમારા PF ખાતાની જરૂરી માહિતી મોબાઇલ પર જ મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ નવી સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો.

EPFO WhatsApp Service ક્યારે શરૂ થઈ અને શું છે ખાસિયત?

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા આ સુવિધા 1 નવેમ્બર, 2026ના રોજ શરૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ EPFOના 74મા સ્થાપના દિવસ નિમિત્તે આ સેવા લોન્ચ કરી હતી. આ સુવિધાનો મુખ્ય હેતુ કર્મચારીઓને PF ખાતા સંબંધિત માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.

આ નવી સુવિધા હેઠળ કર્મચારીઓ WhatsApp પર જ ત્રણ મહત્ત્વની સેવાઓનો લાભ લઈ શકશે. તેમાં PF ખાતામાં જમા રકમ તપાસવી, છેલ્લાં પાંચ ટ્રાન્ઝેક્શનની વિગતો જોવી અને PF પાસબુક ડાઉનલોડ કરવી સામેલ છે. આ માટે EPFOની વેબસાઇટ પર જઈને યુઝર ID અને પાસવર્ડ નાખવાની જરૂર રહેતી નથી.

WhatsApp પર PF બેલેન્સ ચેક કરવા માટેનો ઓફિશિયલ નંબર

+91 87964 41800

EPFOની આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ઉપર આપેલા નંબર પર જ મેસેજ કરવો. તમે EPFO દ્વારા જાહેર કરવામાં આવેલા QR કોડને સ્કેન કરીને પણ સીધા WhatsApp ચેટ શરૂ કરી શકો છો.

WhatsApp પર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું?

જો તમે પણ તમારા PF ખાતામાં કેટલી રકમ જમા છે તે જાણવા માંગતા હોવ તો નીચે આપેલા સ્ટેપ્સ અનુસરો.

સ્ટેપ 1: નંબર સેવ કરો

સૌપ્રથમ તમારા મોબાઇલમાં +91 87964 41800 નંબરને EPFOના નામથી સેવ કરી લો. ત્યારબાદ WhatsApp ખોલીને આ નંબર પર ચેટ શરૂ કરો.

સ્ટેપ 2: Hi મેસેજ મોકલો

હવે EPFOના WhatsApp નંબર પર 'Hi' લખીને મેસેજ મોકલો. સામેની તરફથી તમને ઓટોમેટિક વેલકમ મેસેજ મળશે અને ચેટબોટ આગળની પ્રક્રિયા સમજાવશે.

સ્ટેપ 3: તમારી ભાષા પસંદ કરો

વેલકમ મેસેજ મળ્યા પછી સ્ક્રીન પર ભાષા પસંદ કરવાનો વિકલ્પ આવશે. તેમાં તમારી અનુકૂળ ભાષા પસંદ કરો અને આગળ વધો.

સ્ટેપ 4: PF Balance વિકલ્પ પસંદ કરો

ભાષા પસંદ કર્યા બાદ ચેટબોટમાં વિવિધ સર્વિસના વિકલ્પો જોવા મળશે. તેમાંથી PF બેલેન્સ ચેક કરવાનો વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 5: OTP વેરિફિકેશન પૂર્ણ કરો

તમારી ઓળખની ખાતરી કરવા માટે UAN સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે. આ OTP દાખલ કરીને વેરિફિકેશન પૂર્ણ કરો.

સ્ટેપ 6: PF એકાઉન્ટ પસંદ કરો

જો તમારા UAN સાથે એકથી વધુ PF એકાઉન્ટ અથવા મેમ્બર ID જોડાયેલી હોય તો સંબંધિત એકાઉન્ટ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમારા PF ખાતામાં જમા રકમની વિગતો WhatsApp પર દેખાશે.

WhatsApp પર PF પાસબુક કેવી રીતે ડાઉનલોડ કરવી?

PF ખાતામાં દર મહિને કર્મચારી અને કંપની એટલે કે એમ્પ્લોયર તરફથી કેટલું યોગદાન જમા થયું છે તે જાણવા માટે પાસબુક ઉપયોગી છે. હવે આ માહિતી મેળવવા માટે પણ EPFOની વેબસાઇટ પર લોગિન કરવાની જરૂર નથી.

તેના માટે EPFOના ઓફિશિયલ WhatsApp નંબર પર 'Hi' મેસેજ મોકલો. ત્યારબાદ તમારી પસંદગીની ભાષા પસંદ કરીને મેનૂમાંથી Passbook Download કરવાનો વિકલ્પ પસંદ કરો. જરૂરિયાત મુજબ OTP વેરિફિકેશન પૂર્ણ કરો અને સંબંધિત PF એકાઉન્ટ પસંદ કરો. ત્યારબાદ ચેટબોટ દ્વારા આપવામાં આવેલી સૂચના પ્રમાણે પાસબુક મેળવીને ડાઉનલોડ કરી શકશો.

WhatsApp પર છેલ્લાં 5 PF ટ્રાન્ઝેક્શન કેવી રીતે જોવા?

જો તમે જાણવા માંગતા હોવ કે તમારા PF ખાતામાં છેલ્લે ક્યારે અને કેટલા પૈસા જમા થયા છે, તો આ સુવિધા પણ WhatsApp પર ઉપલબ્ધ છે.

  • EPFOના ઓફિશિયલ નંબર પર 'Hi' મેસેજ મોકલો.
  • તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
  • મેનૂમાંથી 'Last 5 Transactions' વિકલ્પ પસંદ કરો.
  • જરૂર પડે તો OTP વેરિફિકેશન પૂર્ણ કરો.
  • એકથી વધુ PF એકાઉન્ટ હોય તો સંબંધિત એકાઉન્ટ પસંદ કરો.

આટલી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારા PF ખાતાના છેલ્લાં પાંચ ટ્રાન્ઝેક્શનની વિગતો સ્ક્રીન પર જોવા મળશે. તેનાથી કર્મચારી પોતાના ખાતામાં તાજેતરમાં થયેલી જમા અને ઉપાડ સંબંધિત એન્ટ્રી તપાસી શકે છે.

WhatsApp પર PF બેલેન્સ ચેક ન થાય તો શું કરવું?

કેટલીકવાર ટેક્નિકલ સમસ્યા અથવા OTP ન મળવાને કારણે આ સુવિધાનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી શકે છે. આવી સ્થિતિમાં સૌથી પહેલાં તમે સાચા ઓફિશિયલ નંબર પર મેસેજ કર્યો છે કે નહીં તે તપાસો. સાથે જ તમારો મોબાઇલ નંબર UAN સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે.

જો OTP ન મળે અથવા વેરિફિકેશન પૂર્ણ ન થાય તો થોડા સમય પછી ફરી પ્રયાસ કરો. WhatsApp સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે તમે EPFOના મેમ્બર પોર્ટલ અથવા UMANG એપ દ્વારા પણ PF બેલેન્સ અને પાસબુકની માહિતી મેળવી શકો છો.