Apple Pay ભારતમાં લોન્ચ, UPIથી અલગ છે પેમેન્ટ કરવાની રીત, જાણો કયા iPhoneમાં ચાલશે અને Walletમાં કાર્ડ કેવી રીતે ઉમેરવું

Apple Pay ભારતમાં લોન્ચ થઈ ગયું છે. હાલ Axis Bankના Visa અને Mastercard ક્રેડિટ કાર્ડ સપોર્ટ કરે છે. જાણો Apple Pay કેવી રીતે કામ કરશે, કયા iPhoneમાં ચાલશે અને Walletમાં કાર્ડ કેવી રીતે ઉમેરવું.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 01 Oct 2026 12:01 PM (IST)Updated: Thu, 01 Oct 2026 12:01 PM (IST)
apple-pay-launches-in-india-features-upi-difference-and-how-to-add-cards

Apple Pay in India: ભારતમાં iPhone યુઝર્સની લાંબી રાહ હવે પૂરી થઈ ગઈ છે. Appleએ 30 સપ્ટેમ્બર 2026ના રોજ ભારતમાં પોતાની પેમેન્ટ સર્વિસ Apple Pay લોન્ચ કરી છે. શરૂઆતમાં આ સેવા Axis Bankના Visa અને Mastercard ક્રેડિટ કાર્ડ સાથે ઉપલબ્ધ છે. યુઝર્સ iPhone, iPad અને Apple Watch દ્વારા સ્ટોર, એપ અને વેબસાઇટ પર પેમેન્ટ કરી શકશે. જોકે, શરૂઆતના તબક્કામાં UPI અને RuPay કાર્ડનો સપોર્ટ આપવામાં આવ્યો નથી.

Apple Pay ભારતમાં આવ્યું, પરંતુ UPIથી અલગ રીતે કરશે કામ

Apple Payને UPIની જેમ સીધી બેંક-ટુ-બેંક પેમેન્ટ સર્વિસ સમજવી યોગ્ય નથી. UPIમાં બેંક એકાઉન્ટમાંથી સીધા પૈસા ટ્રાન્સફર થાય છે, જ્યારે Apple Payમાં સપોર્ટેડ ક્રેડિટ કાર્ડને Apple Walletમાં ડિજિટલ રીતે ઉમેરવામાં આવે છે.

દુકાન પર પેમેન્ટ કરવા માટે NFC-enabled PoS મશીનની જરૂર પડશે. iPhoneમાં સાઇડ બટનને બે વખત દબાવીને Face ID, Touch ID અથવા પાસકોડથી ઓથેન્ટિકેશન કર્યા બાદ ફોનને કોન્ટેક્ટલેસ રીડર પાસે લઈ જવાનો રહેશે. ત્યારબાદ પેમેન્ટ થઈ જશે. સામાન્ય રીતે દરેક ટ્રાન્ઝેક્શન વખતે અલગથી કાર્ડ PIN અથવા OTP નાખવાની જરૂર પડતી નથી.

શરૂઆતમાં માત્ર Axis Bankના પસંદગીના કાર્ડ

Apple Payના ભારતમાં લોન્ચ સમયે સૌથી મોટી મર્યાદા કાર્ડ સપોર્ટની છે. હાલ Axis Bank દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા Visa અને Mastercard ક્રેડિટ કાર્ડ Apple Payમાં ઉમેરી શકાય છે. Appleની સપોર્ટેડ બેંકોની યાદીમાં હાલમાં Axis Bankનો જ સમાવેશ થાય છે અને કંપનીએ જણાવ્યું છે કે સમય સાથે વધુ બેંકો ઉમેરવામાં આવી શકે છે.

હાલમાં RuPay કાર્ડ અને UPI પેમેન્ટનો સપોર્ટ નથી. એટલે રોજિંદા QR કોડ પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા UPIને Apple Pay સીધો રિપ્લેસ કરતું નથી. Apple Payનો ફોકસ હાલ કાર્ડ આધારિત કોન્ટેક્ટલેસ અને ઓનલાઈન પેમેન્ટ પર છે.

કયા Apple ડિવાઇસમાં ચાલશે?

Apple Payનો ઉપયોગ ભારતમાં શરૂઆતમાં iPhone, iPad અને Apple Watch પર કરી શકાય છે. Mac માટે સપોર્ટ બાદમાં આપવામાં આવશે. Appleના જણાવ્યા અનુસાર iPhone માટે iPhone XR અથવા ત્યાર પછીનું મોડલ અને iOS 18 અથવા તેનાથી નવું સોફ્ટવેર જરૂરી છે. Apple Watch માટે Series 6 અથવા ત્યાર પછીનું મોડલ અને watchOS 11 અથવા નવું વર્ઝન જરૂરી છે.

Apple Walletમાં કાર્ડ કેવી રીતે ઉમેરવું?

Apple Payનો ઉપયોગ કરવા માટે પહેલા યોગ્ય Axis Bank ક્રેડિટ કાર્ડને Apple Walletમાં ઉમેરવું પડશે. તેના માટે iPhoneમાં Wallet એપ ખોલીને ઉપર દેખાતા + બટન પર ટેપ કરો. ત્યારબાદ Debit or Credit Card પસંદ કરીને સ્ક્રીન પર આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

કાર્ડની માહિતી મેન્યુઅલી પણ દાખલ કરી શકાય છે. કેટલીક સ્થિતિમાં Axis Bankની Mobile Banking એપમાંથી પણ કાર્ડ સીધું Apple Walletમાં ઉમેરવાનો વિકલ્પ મળે છે. કાર્ડ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે Apple Pay માટે તૈયાર થઈ જાય છે.

દુકાન પર Apple Payથી પેમેન્ટ કેવી રીતે કરશો?

જો દુકાનના PoS મશીનમાં NFC અથવા કોન્ટેક્ટલેસ પેમેન્ટની સુવિધા છે, તો iPhoneથી પેમેન્ટ કરવું સરળ રહેશે. iPhoneમાં સાઇડ બટનને બે વખત દબાવો, જરૂર પડે તો Face ID અથવા પાસકોડથી ઓળખ ચકાસો અને પછી iPhoneના ઉપરના ભાગને કોન્ટેક્ટલેસ રીડર પાસે રાખો. Apple Watchથી પેમેન્ટ કરતી વખતે ઘડિયાળના ડિસ્પ્લેને રીડર પાસે રાખવાનું રહેશે.

ઓનલાઈન શોપિંગમાં પણ કરી શકાશે પેમેન્ટ

Apple Payનો ઉપયોગ માત્ર દુકાન પર Tap-to-Pay માટે જ નહીં, પરંતુ સપોર્ટેડ એપ અને વેબસાઇટ પર ઓનલાઈન પેમેન્ટ માટે પણ કરી શકાશે. આ રીતે વારંવાર કાર્ડ નંબર, એક્સપાયરી, બિલિંગ અને અન્ય વિગતો દાખલ કરવાની જરૂરિયાત ઘટી શકે છે.

Appleના જણાવ્યા અનુસાર લોન્ચ સમયે Apple Payને ભારતમાં લાખો મર્ચન્ટ્સના નેટવર્ક પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેમાં Apple Store ઉપરાંત Blinkit, Croma, Zomato, Tata 1mg, Reliance brands સહિત અનેક મર્ચન્ટ્સનો સમાવેશ થાય છે.

Apple Payમાં કાર્ડ નંબર સુરક્ષિત રહેશે?

Apple અનુસાર Apple Payમાં યુઝરનો અસલ કાર્ડ નંબર ડિવાઇસમાં અથવા Appleના સર્વર પર સ્ટોર કરવામાં આવતો નથી અને પેમેન્ટ વખતે મર્ચન્ટ સાથે પણ શેર થતો નથી.

તેના બદલે ડિવાઇસ માટે એક અલગ Device Account Number બનાવવામાં આવે છે, જેને Secure Elementમાં સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે. Appleનું કહેવું છે કે ટ્રાન્ઝેક્શનની એવી માહિતી જે યુઝર સાથે જોડાઈ શકે તેને કંપની પોતાના સર્વર પર સ્ટોર કરતી નથી.

Apple Pay અને UPIમાં શું તફાવત?

Apple Payમાં સપોર્ટેડ ક્રેડિટ કાર્ડને Apple Walletમાં ઉમેરીને પેમેન્ટ કરવામાં આવે છે, જ્યારે UPIમાં સીધા બેંક એકાઉન્ટમાંથી પેમેન્ટ થાય છે. Apple Payનો મુખ્ય ઉપયોગ હાલમાં NFC આધારિત Tap-to-Pay અને સપોર્ટેડ એપ-વેબસાઇટ પર કાર્ડ પેમેન્ટ માટે છે. હાલ ભારતમાં Apple Payમાં UPI અને RuPay કાર્ડનો સપોર્ટ નથી. તેથી Apple Payને UPIનો વિકલ્પ નહીં પરંતુ iPhoneમાં કાર્ડને ડિજિટલ રીતે ઉપયોગ કરવાની સુવિધા તરીકે સમજવું વધુ યોગ્ય છે.

Apple Pay ભારતમાં કેમ ખાસ છે?

Apple Pay ભારતમાં એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં UPI પહેલેથી જ ખૂબ વ્યાપક બની ચૂક્યું છે. તેથી Appleએ હાલની શરૂઆત કાર્ડ આધારિત પેમેન્ટથી કરી છે. ભારતમાં લોન્ચ સાથે Appleએ Cashfree, JusPay, Mswipe, Paytm, PayU, Pine Labs, Razorpay અને Worldline જેવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે કામ કર્યું છે, જેથી મર્ચન્ટ નેટવર્ક પર Apple Pay સ્વીકારી શકાય.

Apple Pay હાલમાં વિશ્વના 90થી વધુ દેશો અને પ્રદેશોમાં ઉપલબ્ધ છે અને 11,000થી વધુ બેંક તથા પેમેન્ટ નેટવર્ક પાર્ટનર્સ સાથે કામ કરે છે. ભારતમાં તેની શરૂઆત હાલ મર્યાદિત કાર્ડ સપોર્ટ સાથે થઈ છે, પરંતુ Apple આગળ વધુ બેંકો અને કાર્ડ્સને જોડે છે કે નહીં તે આગામી વિસ્તરણ પર નિર્ભર રહેશે.