5G Network Problem: દેશમાં 5G નેટવર્કનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે અને Jio, Airtel તથા Vodafone Idea જેવી કંપનીઓ 5G સેવાઓ આપી રહી છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ઘરની અંદર મોબાઇલ સિંગનલ નબળા રહે છે. તેના કારણે કોલિંગ, મોબાઇલ ઈન્ટરનેટ, OTP અને UPI પેમેન્ટ જેવી સુવિધાઓમાં પણ મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને બિલ્ડિંગની અંદર નેટવર્ક કેમ નબળું પડે છે અને 5G હોવા છતાં આ સમસ્યા કેમ રહે છે, તે સમજવું જરૂરી છે.
5G હોવા છતાં ઘરની અંદર કેમ નબળું પડે છે નેટવર્ક?
5G એટલે દરેક જગ્યાએ એકસરખું મજબૂત સિંગનલ મળશે એવું નથી. મોબાઇલ નેટવર્કની ગુણવત્તા માત્ર 5G ઉપલબ્ધ છે કે નહીં તેના પર નિર્ભર કરતી નથી. ટાવરનું અંતર, ઉપયોગમાં લેવાતું સ્પેક્ટ્રમ, આસપાસની ઇમારતો અને બિલ્ડિંગની અંદરની રચના જેવી બાબતો પણ સિંગનલ પર અસર કરે છે.
TRAIએ ફેબ્રુઆરી 2023માં Rating of Buildings or Areas for Digital Connectivity અંગેની ભલામણોમાં પણ બિલ્ડિંગની અંદર ડિજિટલ કનેક્ટિવિટી સુધારવા માટે અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. TRAIના જણાવ્યા મુજબ બિલ્ડિંગ ડેવલપમેન્ટમાં Digital Connectivity Infrastructure (DCI)ને પણ પાણી, વીજળી અને ફાયર સેફ્ટી જેવી જરૂરી સુવિધાઓની જેમ ધ્યાનમાં લેવું જોઈએ.
આ સમસ્યામાં બિલ્ડિંગની દિવાલો અને અન્ય બાંધકામ સામગ્રી પણ મહત્વની ભૂમિકા ભજવે છે. TRAIએ 2025માં સ્પષ્ટ કર્યું હતું કે 5G અને ભવિષ્યની 6G સેવાઓ માટે ઉપયોગમાં લેવાતી ઊંચી ફ્રીક્વન્સી બિલ્ડિંગની દિવાલો અને અન્ય સામગ્રીમાંથી પસાર થતી વખતે વધુ એટેન્યુએશનનો સામનો કરી શકે છે. એટલે બહાર સારો સિંગનલ હોવા છતાં ઘરની અંદર તેની તાકાત ઘટી શકે છે.
ટાવરથી અંતર અને બિલ્ડિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જવાબદાર
રહેણાંક વિસ્તારોમાં જો મોબાઇલ ટાવર દૂર હોય તો ઘરની અંદર સિંગનલ નબળો પડી શકે છે. આ ઉપરાંત કેટલીક બિલ્ડિંગમાં In-Building Solutions, Distributed Antenna System (DAS), Small Cells અથવા યોગ્ય કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાને કારણે પણ સમસ્યા વધી શકે છે.
TRAIના હાલના Digital Connectivity Rating ફ્રેમવર્કમાં પણ Indoor Coverage Quality, Mobile Network Availability, DAS, Small Cells અને Optical Fiber Backbone જેવી બાબતોને ડિજિટલ કનેક્ટિવિટી માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી છે.
દિલ્હીમાં TRAIએ કર્યો હતો Independent Drive Test
TRAIએ દિલ્હી Licensed Service Area (LSA) માટે જાન્યુઆરી 2026નો Independent Drive Test (IDT) રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ 24 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત થયો હતો અને તેમાં દિલ્હીની મોબાઇલ સેવાઓની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આવા ટેસ્ટમાં કોલ સફળતાપૂર્વક કનેક્ટ થવાનો દર, કોલ ડ્રોપ સહિત નેટવર્કની વિવિધ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેથી કોઈ વિસ્તારમાં 5Gનું કવરેજ દેખાતું હોવા છતાં યુઝરને વાસ્તવિક ઉપયોગ દરમિયાન કોલ અથવા ઈન્ટરનેટની સમસ્યા અનુભવાઈ શકે છે.
Wi-Fi Calling બની શકે છે વિકલ્પ
ઘરની અંદર મોબાઇલ સિંગનલ સતત નબળો રહેતો હોય તો Wi-Fi Calling ઉપયોગી વિકલ્પ બની શકે છે. તેમાં મોબાઇલ નેટવર્કના બદલે Wi-Fi કનેક્શનનો ઉપયોગ કરીને કોલ કરવામાં આવે છે. જોકે આ સુવિધા તમારા ટેલિકોમ ઓપરેટર અને ફોન દ્વારા સપોર્ટ થવી જરૂરી છે.
હાલમાં TRAIનું Digital Connectivity Rating ફ્રેમવર્ક પણ બિલ્ડિંગની અંદર મોબાઇલ નેટવર્ક, Wi-Fi, ફાઇબર બ્રોડબેન્ડ અને અન્ય કનેક્ટિવિટી વિકલ્પોની ઉપલબ્ધતા તથા ગુણવત્તાને ધ્યાનમાં લે છે.
