Surti Rasawala Khaman: સુરતના ફેમસ રસાવાળા ખમણ બનાવવાની પરફેક્ટ રીત, દાળનો વઘાર બનાવશે સ્વાદ એકદમ જબરદસ્ત

સુરતના ફેમસ રસાવાળા ખમણ ઘરે બનાવવાની સરળ અને પરફેક્ટ રીત જાણો. નરમ ખમણ સાથે ચટપટો દાળનો રસો, કચુંબર અને સેવનો સ્વાદ આપશે અસલી સુરતી ટેસ્ટ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 22 Sep 2026 12:03 PM (IST)Updated: Tue, 22 Sep 2026 12:03 PM (IST)
surti-rasawala-khaman-recipe-easy-way-to-make-soft-delicious-khaman

Surti Rasawala Khaman Recipe: સુરતનું નામ આવે એટલે અહીંના ચટાકેદાર સ્ટ્રીટ ફૂડની યાદ આવી જાય. તેમાં સુરતી રસાવાળા ખમણ એક એવી વાનગી છે, જેમાં નરમ ખમણને ભૂકો કરીને તેની ઉપર ગરમ અને મસાલેદાર દાળનો રસો રેડવામાં આવે છે. સાથે કચુંબર, કોથમીર અને સેવ ઉમેરવાથી તેનો સ્વાદ વધુ જોરદાર બને છે. ઘરે પણ સુરતના સ્ટ્રીટ ફૂડ જેવો રસાવાળો ખમણ બનાવી શકાય છે.

સુરતી રસાવાળા ખમણ માટે સામગ્રી

ખમણ માટે

  • વાટી દાળ – 1 મોટી વાટકી
  • ચણાની દાળ – 1 કપ
  • અડદની દાળ – 4 ચમચી
  • બાફેલા ચોખા – ¼ કપ
  • આદુ-લીલા મરચાની પેસ્ટ – 2થી 3 ચમચી
  • હળદર – ½ ચમચી
  • હીંગ – 1 ચપટી
  • મીઠું – સ્વાદ મુજબ
  • તેલ – 1 ચમચી
  • ઈનો – 1 ચમચી

રસા માટે

  • ચણાની દાળ – 4 ચમચી
  • તુવેરની દાળ – 2 ચમચી
  • કાળા મરી – 8થી 10
  • લવિંગ – 3થી 4
  • તજ – 1 નાનો ટુકડો
  • સૂકા લાલ મરચાં – 2થી 3
  • હળદર – ¼ ચમચી
  • ધાણા-જીરું પાઉડર – ½ ચમચી
  • હીંગ – 1 ચપટી
  • રાઈ – ½ ચમચી
  • મીઠો લીમડો – 5થી 6 પાન
  • તેલ – 2થી 3 ચમચી
  • પાણી – જરૂર મુજબ
  • મીઠું – સ્વાદ મુજબ

ઉપરથી નાખવા માટે

  • ઝીણી સમારેલી ડુંગળી
  • સમારેલા ટામેટાં
  • કાકડી
  • કોથમીર
  • સેવ
  • લીંબુનો રસ
  • થોડો ચાટ મસાલો

સુરતી રસાવાળા ખમણ બનાવવાની રીત

સૌપ્રથમ ચણાની દાળ, અડદની દાળ અને ચોખાને સારી રીતે ધોઈને 4થી 5 કલાક માટે પલાળી રાખો. પાણી નિતારીને તેમાં આદુ-મરચાની પેસ્ટ, હળદર, હીંગ અને મીઠું ઉમેરી થોડા પાણી સાથે થોડું દરદરું બેટર તૈયાર કરો. બેટરને થોડો સમય આથો આવવા માટે રાખી શકાય છે.

બેટરમાં તેલ ઉમેરો અને છેલ્લે ઈનો નાખીને હળવા હાથે મિક્સ કરો. ઈનો નાખ્યા પછી બેટરને વધારે ફેટવું નહીં. તરત જ તેલ લગાવેલી થાળીમાં બેટર નાખીને સ્ટીમરમાં મધ્યમ તાપે ખમણ બાફી લો. ખમણ ઠંડા થાય પછી તેના નાના ટુકડા કરીને હાથથી ભૂકો કરી લો.

હવે રસો તૈયાર કરવા માટે ચણાની દાળ અને તુવેરની દાળને પલાળી બાફી લો. એક અલગ વાસણમાં કાળા મરી, લવિંગ, તજ અને સૂકા લાલ મરચાંને થોડા શેકી લો. આ મસાલાને દરદરો વાટી લો.

કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હીંગ અને મીઠો લીમડો ઉમેરો. વઘાર થાય એટલે તૈયાર કરેલો મસાલો અને બાફેલી દાળ ઉમેરો. તેમાં હળદર, ધાણા-જીરું પાઉડર, મીઠું અને જરૂરી પાણી નાખીને બરાબર ઉકાળો. રસો બહુ પાતળો નહીં અને બહુ ઘટ્ટ પણ નહીં રાખવો. દાળ અને મસાલાનો સ્વાદ પાણીમાં સારી રીતે ભળી જાય ત્યાં સુધી તેને ઉકળવા દો.

હવે સર્વિંગ પ્લેટમાં ખમણનો ભૂકો લો અને તેના ઉપર ગરમાગરમ દાળનો રસો રેડો. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, કાકડી અને કોથમીર ઉમેરો. ઉપરથી સેવ અને થોડું ચાટ મસાલું નાખીને લીંબુનો રસ છાંટો. આ રીતે તૈયાર થશે સુરતના સ્ટ્રીટ ફૂડ જેવી ચટાકેદાર સુરતી રસાવાળા ખમણ.

ટિપ: રસો ગરમ હોય ત્યારે ખમણ ઉપર રેડશો તો ખમણ રસને સારી રીતે શોષી લેશે અને તેનો સ્વાદ વધુ રસદાર બનશે. સેવ છેલ્લે જ નાખવી, જેથી તેનો ક્રંચ જળવાઈ રહે.