Singhara Paneer Pakoda: નવરાત્રી ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થાય તો બનાવો સિંઘોડાના લોટના પનીર પકોડા,નોધી લો રેસીપી

નવરાત્રીના ઉપવાસમાં સિંઘોડાના લોટ અને પનીરથી બનાવો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ફરાળી પકોડા. જાણો સરળ રેસિપી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 22 Sep 2026 12:24 PM (IST)Updated: Tue, 22 Sep 2026 12:24 PM (IST)
singhara-flour-paneer-pakoda-recipe-crispy-and-tasty-snack-for-navratri-fasting

Singhara Paneer Pakoda Recipe: નવરાત્રી દરમિયાન ઉપવાસમાં શું બનાવવું એ પ્રશ્ન વારંવાર થાય છે. જો તમને કંઈક ગરમાગરમ, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય તો સિંઘોડાના લોટના પનીર પકોડા બનાવી શકાય. સિંઘોડાનો લોટ ફરાળી વાનગીમાં ઉપયોગ કરી શકાય છે અને તેની સાથે પનીર ઉમેરવાથી પકોડા વધુ ટેસ્ટી અને ભરપૂર બને છે. સાંજની ચા સાથે પણ આ ફરાળી પકોડા સર્વ કરી શકાય છે.

સિંઘોડાના લોટના પનીર પકોડા માટેની સામગ્રી

  • સિંઘોડાનો લોટ – 1 કપ
  • પનીર – 200 ગ્રામ
  • લીલા મરચાં – 1-2 ઝીણા સમારેલા
  • આદુ – 1 નાની ચમચી છીણેલું
  • જીરું – ½ ચમચી
  • સિંધાલૂણ – સ્વાદ મુજબ
  • કોથમીર – 2 ચમચી ઝીણી સમારેલી
  • લાલ મરચું – ½ ચમચી
  • લીંબુનો રસ – 1 ચમચી
  • પાણી – જરૂર મુજબ
  • તળવા માટે તેલ અથવા ફરાળમાં ચાલતું તેલ – જરૂર મુજબ

સિંઘોડાના લોટના પનીર પકોડા બનાવવાની રીત

સૌથી પહેલાં પનીરને નાના અને સરખા ચોરસ ટુકડામાં કાપી લો. હવે એક મોટા વાસણમાં સિંઘોડાનો લોટ લો. તેમાં સિંધાલૂણ, જીરું, ઝીણાં સમારેલા લીલા મરચાં, છીણેલું આદુ, લાલ મરચું અને સમારેલી કોથમીર ઉમેરો. સ્વાદ વધારવા માટે તેમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

હવે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને તેમાં થોડું-થોડું પાણી ઉમેરો અને જાડું બેટર તૈયાર કરો. બેટર બહુ પાતળું ન હોવું જોઈએ, કારણ કે પનીરના ટુકડા પર લોટનું કોટિંગ સારી રીતે ચોંટવું જરૂરી છે. બેટર તૈયાર થઈ જાય પછી તેને 5 મિનિટ માટે બાજુ પર રાખી દો.

આ દરમિયાન કડાઈમાં પકોડા તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ ગરમ થાય ત્યારે પનીરના એક-એક ટુકડાને તૈયાર કરેલા સિંઘોડાના લોટના બેટરમાં સારી રીતે લપેટી લો. પનીરના ટુકડા પર બેટરનું કોટિંગ દરેક બાજુ સરખું આવે તેનું ધ્યાન રાખો.

હવે બેટરમાં કોટ કરેલા પનીરના ટુકડાને કાળજીપૂર્વક ગરમ તેલમાં નાખો. એકસાથે ઘણા પકોડા ન નાખવા, જેથી તેલનું તાપમાન જળવાઈ રહે અને પકોડા સરસ ક્રિસ્પી બને. પકોડાને મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે ફેરવતા રહો અને બહારથી હળવા ગોલ્ડન તથા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

પકોડા સારી રીતે તળાઈ જાય ત્યારે તેને કડાઈમાંથી કાઢીને ટિશ્યૂ પેપર પર મૂકી દો, જેથી વધારાનું તેલ નીકળી જાય. આ જ રીતે બાકીના પનીરના ટુકડાના પકોડા તૈયાર કરી લો.

ગરમાગરમ સિંઘોડાના લોટના પનીર પકોડાને ફરાળી લીલી ચટણી, દહીં અથવા મીઠી-તીખી ફરાળી ચટણી સાથે સર્વ કરો. નવરાત્રીના ઉપવાસ દરમિયાન સાંજના નાસ્તા માટે આ પકોડા એક ટેસ્ટી અને પેટ ભરાય એવો વિકલ્પ બની શકે છે.

ટીપ્સ

પકોડા ક્રિસ્પી બનાવવા માટે બેટર જાડું રાખવું સૌથી જરૂરી છે. તેલ ખૂબ ઠંડું હશે તો પકોડા વધારે તેલ શોષી શકે છે, જ્યારે ખૂબ ગરમ તેલમાં બહારનો ભાગ ઝડપથી બ્રાઉન થઈ જશે. તેથી મધ્યમ તાપે તળવા.