vagharela desi chana: ચણા તો ઘણાં ખાધા હશે, પણ આ દેશી વઘારનો સ્વાદ સાતમ પર જરૂર ચાખજો!

શીતળા સાતમ માટે રાંધણ છઠ્ઠના દિવસે બનાવો સ્વાદિષ્ટ વઘારેલા દેશી ચણા. ઓછા મસાલામાં દેશી સ્ટાઇલમાં ચણા બનાવવાની સરળ ગુજરાતી રેસિપી અહીં જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 31 Aug 2026 11:19 AM (IST)Updated: Mon, 31 Aug 2026 11:19 AM (IST)
shitala-satam-2026-vagharela-desi-chana-recipe-gujarati

vagharela desi chana recipe: શીતળા સાતમ એટલે પરિવાર સાથે બેસીને અગાઉથી તૈયાર કરેલી વાનગીઓ માણવાનો દિવસ. રાંધણ છઠ્ઠના દિવસે સાતમ માટે વિવિધ વાનગીઓ બનાવતી વખતે જો કોઈ એવી વાનગી શોધી રહ્યા હોવ જે બનાવવામાં સરળ હોય અને બીજા દિવસે પણ તેનો સ્વાદ જળવાઈ રહે, તો વઘારેલા દેશી ચણા એક સરસ વિકલ્પ છે. દેશી ચણાને મસાલેદાર વઘાર સાથે તૈયાર કરવામાં આવે છે, જેના કારણે તેમાં દેશી સ્વાદ અને સરસ સુગંધ આવે છે. આ ચણાને સાતમના દિવસે ઠંડા પણ ખાઈ શકાય છે અને નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય છે.

વઘારેલા દેશી ચણા બનાવવા માટેની સામગ્રી

  • દેશી ચણા – 2 કપ
  • તેલ – 2 ચમચી
  • જીરું – 1 ચમચી
  • રાઈ – ½ ચમચી
  • હીંગ – 1 ચપટી
  • લીલા મરચાં – 2 ઝીણા સમારેલા
  • આદુ – 1 ચમચી ઝીણું સમારેલું
  • હળદર – ½ ચમચી
  • લાલ મરચું પાઉડર – 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર – 1 ચમચી
  • ગરમ મસાલો – ½ ચમચી
  • આમચૂર પાઉડર – ½ ચમચી
  • મીઠું – સ્વાદ અનુસાર
  • કોથમીર – સજાવટ માટે

વઘારેલા દેશી ચણા બનાવવાની રીત

સૌપ્રથમ દેશી ચણાને સારી રીતે ધોઈને પૂરતા પાણીમાં 8થી 10 કલાક અથવા આખી રાત પલાળી રાખો. બીજા દિવસે ચણાનું પાણી કાઢી તેને ફરી એકવાર ધોઈ લો. હવે ચણાને પ્રેશર કૂકરમાં જરૂરી પાણી અને થોડું મીઠું ઉમેરીને 4થી 5 સીટી સુધી બાફી લો. ચણા એકદમ ગળી ન જાય તેનું ધ્યાન રાખવું, કારણ કે વઘારતી વખતે ચણાના દાણા આખા રહે તો ખાવામાં વધુ સારા લાગે છે. ચણા બફાઈ જાય પછી વધારાનું પાણી કાઢીને તેને એક બાજુ રાખો.

હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો. બંને તડતડે એટલે હીંગ, સમારેલા લીલા મરચાં અને આદુ ઉમેરો. હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખીને તરત જ બાફેલા દેશી ચણા ઉમેરો. મસાલો ચણામાં સારી રીતે ભળી જાય તે માટે ચણાને હળવા હાથે મિક્સ કરો. ત્યારબાદ મીઠું અને ગરમ મસાલો ઉમેરીને મધ્યમ આંચ પર 4થી 5 મિનિટ સુધી ચણાને સાંતળો.

છેલ્લે ચણામાં આમચૂર પાઉડર ઉમેરો અને ફરી એકવાર સારી રીતે મિક્સ કરો. આમચૂર પાઉડરથી ચણામાં હળવો ખાટો અને ચટપટો સ્વાદ આવશે. ગેસ બંધ કરીને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર નાખો. તૈયાર થયેલા વઘારેલા દેશી ચણાને સંપૂર્ણપણે ઠંડા થવા દો અને પછી સ્વચ્છ, ઢાંકણવાળા વાસણમાં રાખો. રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરેલા આ ચણા શીતળા સાતમના દિવસે અન્ય વાનગીઓ સાથે સર્વ કરી શકાય છે.

ચણાનો સ્વાદ વધારવા માટેની ટીપ્સ

  • ચણાને આખી રાત પલાળવાથી તે સારી રીતે બફાશે.
  • ચણાને વધારે ગાળી ન નાખવા, જેથી વઘારતી વખતે દાણા તૂટી ન જાય.
  • ચણાને વઘારતી વખતે વધારે પાણી ન રાખવું.
  • વધુ ચટપટો સ્વાદ પસંદ હોય તો થોડો ચાટ મસાલો ઉમેરી શકાય.
  • આમચૂર પાઉડર છેલ્લે ઉમેરવાથી તેનો ખાટો સ્વાદ વધુ સારી રીતે જળવાઈ રહે છે.

શીતળા સાતમ માટે દેશી ચણા

રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરીને રાખવામાં આવતા આ વઘારેલા દેશી ચણા શીતળા સાતમના દિવસે ઠંડા ભોજન સાથે પીરસી શકાય છે. પૂરી, ઢેબરા, થેપલા અથવા અન્ય સાતમની વાનગીઓ સાથે આ ચણાનો દેશી અને ચટપટો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.