Chili Garlic Paneer Sandwich: સવારના નાસ્તા માટે બનાવો ચિલી ગાર્લિક પનીર સેન્ડવિચ, નોધી લો સરળ રેસીપી

ચટપટા નાસ્તા માટે ઘરે જ બનાવો ચિલી ગાર્લિક પનીર સેન્ડવિચ. પનીર, લસણ અને મસાલાના સ્વાદથી ભરપૂર આ સેન્ડવિચ બનાવવાની સરળ રીત અહીં જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 14 Sep 2026 12:35 PM (IST)Updated: Mon, 14 Sep 2026 12:35 PM (IST)
recipe-how-to-make-spicy-chili-garlic-paneer-sandwich-at-home

Chili Garlic Paneer Sandwich Recipe: સવારના નાસ્તામાં કે સાંજની ભૂખ માટે કંઈક ટેસ્ટી અને ઝડપથી બનતું હોય તો ચિલી ગાર્લિક પનીર સેન્ડવિચ એકદમ બેસ્ટ વિકલ્પ છે. પનીરની સોફ્ટનેસ, લસણનો ફ્લેવર અને ચીલીનો ચટપટો સ્વાદ આ સેન્ડવિચને સામાન્ય સેન્ડવિચ કરતાં એકદમ અલગ બનાવે છે. તમે તેને બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો અથવા ચા સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

ચિલી ગાર્લિક પનીર સેન્ડવિચ બનાવવાની સામગ્રી

  • બ્રેડ સ્લાઇસ – 8
  • પનીર – 150 ગ્રામ
  • લસણ – 5-6 કળી બારીક સમારેલી
  • કેપ્સિકમ – ½ કપ બારીક સમારેલું
  • ડુંગળી – 1 નાની બારીક સમારેલી
  • ચીલી ફ્લેક્સ – 1 ચમચી
  • ઓરેગાનો – ½ ચમચી
  • કાળી મરી પાઉડર – ½ ચમચી
  • ચીલી સોસ – 1 ચમચી
  • ટોમેટો કેચપ – 1 ચમચી
  • મોઝેરેલા ચીઝ – ½ કપ
  • માખણ – જરૂર મુજબ
  • મીઠું – સ્વાદ અનુસાર

ચિલી ગાર્લિક પનીર સેન્ડવિચ બનાવવાની રીત

સૌપ્રથમ પનીરને હાથથી અથવા છીણીની મદદથી ક્રશ કરી લો. હવે એક બાઉલમાં પનીર, બારીક સમારેલું લસણ, ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો. તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, કાળી મરી, ચીલી સોસ, ટોમેટો કેચપ અને સ્વાદ મુજબ મીઠું નાખીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

હવે બ્રેડની એક સ્લાઇસ પર થોડું માખણ લગાવો અને તેના ઉપર તૈયાર કરેલું પનીરનું સ્ટફિંગ સરખી રીતે ફેલાવો. તેના ઉપર મોઝેરેલા ચીઝ છાંટીને બીજી બ્રેડ સ્લાઇસથી સેન્ડવિચને કવર કરી દો. તવા પર થોડું માખણ ગરમ કરો અને સેન્ડવિચને ધીમા-મધ્યમ તાપે બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. ચીઝ સારી રીતે ઓગળી જાય પછી સેન્ડવિચને ત્રિકોણ આકારમાં કાપી લો.

ગરમાગરમ ચિલી ગાર્લિક પનીર સેન્ડવિચને ટોમેટો કેચપ, ગ્રીન ચટણી અથવા મેયોનીઝ સાથે સર્વ કરો. લસણ અને ચીલીનો ચટપટો ટેસ્ટ તેને ખાસ બનાવે છે.

ટિપ્સ

સેન્ડવિચને વધુ ક્રિસ્પી બનાવવા માટે તેને ધીમા તાપે શેકો. પનીરના સ્ટફિંગમાં તમારી પસંદગી મુજબ મકાઈ, ગાજર અથવા જલાપેનો પણ ઉમેરી શકો છો.