White Rava Dhokla: સવારના નાસ્તા માટે બનાવો ફૂલેલા અને સ્પોન્જી રવા ઢોકળા, નોંધી લો સરળ રેસીપી

સવારના નાસ્તા માટે ઘરે બનાવો એકદમ ફૂલેલા, સોફ્ટ અને સ્પોન્જી રવા ઢોકળા. જાણો રવા ઢોકળા બનાવવાની સરળ અને ટેસ્ટી રેસીપી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 10 Sep 2026 09:11 AM (IST)Updated: Thu, 10 Sep 2026 09:11 AM (IST)
recipe-how-to-make-soft-and-spongy-instant-white-rava-dhokla-at-home

White Rava Dhokla Recipe: સવારના નાસ્તામાં જો કંઈક હળવું, સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય એવું બનાવવું હોય તો રવા ઢોકળા એક બેસ્ટ વિકલ્પ છે. સફેદ રવા ઢોકળા (White Rava Dhokla) ઘરે સરળતાથી બનાવી શકાય છે અને યોગ્ય રીતે બેટર તૈયાર કરવામાં આવે તો ઢોકળા એકદમ ફૂલેલા અને સ્પોન્જી બને છે. તો ચાલો જાણીએ સોફ્ટ રવા ઢોકળા બનાવવાની સરળ રેસીપી.

સફેદ રવા ઢોકળા બનાવવા માટેની સામગ્રી

  • રવો – 1 કપ
  • દહીં – ½ કપ
  • પાણી – જરૂર મુજબ
  • આદુ-મરચાંની પેસ્ટ – 1 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • ખાંડ – 1 ચમચી
  • લીંબુનો રસ – 1 ચમચી
  • ઈનો ફ્રૂટ સોલ્ટ – 1 ચમચી
  • તેલ – 1 ચમચી
  • રાઈ – 1 ચમચી
  • તલ – 1 ચમચી
  • હિંગ – ચપટી
  • લીલા મરચાં – 2
  • કોથમીર – સજાવટ માટે

સફેદ રવા ઢોકળા બનાવવાની રીત

સૌથી પહેલા એક મોટા બાઉલમાં રવો, દહીં, મીઠું, ખાંડ અને થોડું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરો. બેટર વધારે ઘટ્ટ કે પાતળું ન રાખવું. તેને લગભગ 15થી 20 મિનિટ ઢાંકીને રાખો, જેથી રવો સારી રીતે ફૂલીને સેટ થઈ જાય.

હવે બેટરમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને સ્મૂધ કરી લો. તેમાં આદુ-મરચાંની પેસ્ટ અને લીંબુનો રસ ઉમેરો. ઢોકળા બનાવવા માટે સ્ટીમરમાં પાણી ગરમ કરી તૈયાર રાખો અને ઢોકળાની થાળીને થોડું તેલ લગાવીને ગ્રીસ કરી લો. ઢોકળા સ્ટીમ કરવા પહેલાં બેટરમાં ઈનો ઉમેરો અને તેના પર એક ચમચી પાણી નાખીને હળવા હાથે મિક્સ કરો. ઈનો ઉમેર્યા પછી બેટરને વધારે હલાવવું નહીં. તરત જ તેને ગ્રીસ કરેલી થાળીમાં રેડી દો અને ગરમ સ્ટીમરમાં મૂકી દો.

ઢોકળાને મધ્યમ તાપે આશરે 12થી 15 મિનિટ સુધી સ્ટીમ કરો. ઢોકળા બરાબર ચડી ગયા પછી થાળીને બહાર કાઢી થોડી વાર ઠંડી થવા દો. ત્યારબાદ છરીથી ચોરસ અથવા મનપસંદ આકારમાં કાપી લો. વઘાર માટે એક નાની કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ અને હિંગ ઉમેરો. ત્યારબાદ લીલા મરચાં નાખીને થોડા સાંતળો. આ વઘાર તૈયાર ઢોકળા પર સરખી રીતે રેડી દો. ઉપરથી કોથમીર નાખીને ગરમાગરમ સફેદ રવા ઢોકળા લીલી ચટણી સાથે સર્વ કરો.

ટિપ્સ

ઢોકળા વધારે સ્પોન્જી બનાવવા માટે ઈનો હંમેશા સ્ટીમ કરતા થોડા સમય પહેલાં જ ઉમેરવો. ઈનો નાખ્યા બાદ બેટરને તરત સ્ટીમ કરવું જરૂરી છે. રવો દહીંમાં પલળે તે માટે બેટરને થોડો સમય આરામ આપવાથી ઢોકળાની ટેક્સચર વધુ સોફ્ટ બને છે.