Rava Modak Recipe: ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે ગણપતિ બાપ્પાને અલગ-અલગ મીઠાઈ અને મોદકનો ભોગ ધરાવવામાં આવે છે. જો આ વખતે કંઈક સરળ અને સ્વાદિષ્ટ બનાવવાનું વિચારી રહ્યા હોવ તો રવા મોદક એક સરસ વિકલ્પ છે. રવા, દૂધ અને ખાંડ જેવી સરળ સામગ્રીમાંથી આ મોદક તૈયાર થઈ જાય છે. ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે વધારે સમય પણ લાગતો નથી.
રવા મોદક બનાવવાની સામગ્રી
- રવો – 1 કપ
- ખાંડ – ½ કપ
- દૂધ – 1 કપ
- ઘી – 2 ટેબલસ્પૂન
- માવો – ½ કપ
- કાજુ-બદામ – 2 ટેબલસ્પૂન
- એલચી પાવડર – ½ ચમચી
- કેસર – થોડા તાંતણા
- નાળિયેરનું છીણ – 2 ટેબલસ્પૂન
રવા મોદક બનાવવાની રીત
સૌથી પહેલા એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરીને તેમાં રવો ઉમેરો. રવાને ધીમા તાપે સતત હલાવતા રહો અને તેનો રંગ થોડો બદલાય તથા સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકો. રવો બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
હવે તેમાં દૂધ ધીમે-ધીમે ઉમેરો અને સતત હલાવતા રહો, જેથી ગાંઠો ન પડે. દૂધ શોષાઈ જાય અને રવો ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં ખાંડ ઉમેરો. ખાંડ ઓગળ્યા બાદ માવો, નાળિયેરનું છીણ, કાજુ-બદામ અને એલચી પાવડર ઉમેરો.
આ મિશ્રણને ધીમા તાપે હલાવતા રહો. જ્યારે મિશ્રણ કડાઈ છોડવા લાગે અને એકદમ ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. તેમાં કેસર ઉમેરીને મિશ્રણને થોડું ઠંડું થવા દો.
મિશ્રણ હાથથી પકડી શકાય એટલું ગરમ રહે ત્યારે તેના નાના ભાગ લઈ મોદકનો આકાર આપો. તમે હાથથી મોદક બનાવી શકો છો અથવા મોદકના મોલ્ડનો ઉપયોગ પણ કરી શકો છો. તૈયાર રવા મોદકને ઉપરથી કાજુ-બદામથી સજાવીને ગણપતિ બાપ્પાને ભોગ તરીકે ધરાવો.
ટિપ્સ
રવો શેકતી વખતે ગેસ ધીમો રાખવો જરૂરી છે. મોદકનું મિશ્રણ વધારે ઢીલું લાગે તો તેને થોડી વાર વધુ પકાવો. સ્વાદ વધારવા માટે તેમાં તમારી પસંદગીના ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો.
