Moong Dal Pudla Recipe: સવારના નાસ્તામાં કંઈક ટેસ્ટી અને હેલ્ધી ખાવાનું મન થાય તો મગની દાળના પુડલા એક સારો વિકલ્પ છે. મગની દાળમાંથી બનતા આ પુડલા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને તેને બનાવવામાં પણ વધારે સમય લાગતો નથી. ખાસ વાત એ છે કે તેમાં તમારી પસંદગી પ્રમાણે ડુંગળી, ટામેટાં, ગાજર અને કોથમીર જેવા શાકભાજી ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તો ચાલો જાણીએ બહારથી હળવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મગની દાળના પુડલા બનાવવાની રીત.
મગની દાળના પુડલા બનાવવા માટેની સામગ્રી
- મગની ફોતરાવાળી અથવા પીળી મગની દાળ – 1 કપ
- લીલાં મરચાં – 2
- આદુ – 1 નાનો ટુકડો
- ડુંગળી – 1 બારીક સમારેલી
- ટામેટું – 1 બારીક સમારેલું
- ગાજર – અડધું કપ છીણેલું
- કોથમીર – 2 ચમચી
- હળદર – અડધી ચમચી
- લાલ મરચું પાઉડર – અડધી ચમચી
- જીરું – અડધી ચમચી
- હિંગ – ચપટી
- મીઠું – સ્વાદ મુજબ
- તેલ – જરૂર મુજબ
- પાણી – જરૂર મુજબ
મગની દાળના પુડલા બનાવવાની રીત
સૌપ્રથમ મગની દાળને સ્વચ્છ પાણીથી 2થી 3 વાર ધોઈ લો. ત્યારબાદ તેને એક વાસણમાં નાખીને પૂરતા પાણીમાં 3થી 4 કલાક માટે પલાળી રાખો. દાળ સારી રીતે પલળી જાય પછી તેમાંથી વધારાનું પાણી કાઢી લો. હવે મિક્સર જારમાં પલાળેલી દાળ, લીલાં મરચાં અને આદુ ઉમેરીને થોડું પાણી નાખી મધ્યમ જાડી પેસ્ટ તૈયાર કરી લો. ધ્યાન રાખો કે ખીરું વધારે પાતળું ન થવું જોઈએ.
હવે તૈયાર કરેલી દાળની પેસ્ટને એક મોટા વાસણમાં કાઢી લો. તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટાં, છીણેલું ગાજર અને કોથમીર ઉમેરો. ત્યારબાદ હળદર, લાલ મરચું પાઉડર, જીરું, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. ખીરું વધારે ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી શકાય છે. આ રીતે પુડલા માટેનું ખીરું તૈયાર થઈ જશે.
હવે ગેસ પર નોનસ્ટિક તવો ગરમ કરવા મૂકો. તવો ગરમ થાય એટલે તેના પર થોડું તેલ લગાવી લો. ત્યારબાદ એક મોટી ચમચી ખીરું તવા પર નાખીને ગોળાકાર પુડલો પાથરી દો. પુડલો બહુ જાડો કે બહુ પાતળો ન રાખવો. તેની કિનારીઓ પર થોડું તેલ નાખીને મધ્યમ તાપે શેકાવા દો.
પુડલાની નીચેની બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય એટલે તેને ધીમેથી પલટાવી દો. હવે બીજી બાજુ પણ થોડું તેલ નાખીને બરાબર શેકી લો. બંને બાજુ સરસ રંગ આવી જાય અને પુડલો અંદર સુધી પાકી જાય એટલે તેને તવામાંથી ઉતારી લો. આ જ રીતે બાકીના ખીરામાંથી પણ ગરમાગરમ પુડલા તૈયાર કરી લો.
તૈયાર મગની દાળના પુડલાને લીલી ચટણી, ટમેટાની ચટણી અથવા દહીં સાથે ગરમાગરમ પીરસો. સવારના નાસ્તા ઉપરાંત સાંજની ચા સાથે પણ આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મગની દાળના પુડલા બનાવતી વખતે ધ્યાનમાં રાખો આ ટિપ્સ
મગની દાળના પુડલા સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બનાવવા માટે દાળને ઓછામાં ઓછા 3થી 4 કલાક પલાળી રાખવી જરૂરી છે, જેથી તેની પેસ્ટ સરળતાથી તૈયાર થાય. ખીરું વધારે પાતળું ન રાખવું, નહીં તો પુડલા તવા પર સરખી રીતે ફેલાશે નહીં. પુડલાને હંમેશાં મધ્યમ તાપે શેકવા, જેથી તે બહારથી ક્રિસ્પી અને અંદરથી બરાબર પાકે. જો તમને વધુ ક્રિસ્પી પુડલા પસંદ હોય તો ખીરામાં 1થી 2 ચમચી ચોખાનો લોટ ઉમેરી શકો છો. પુડલાનો સ્વાદ વધારવા માટે તેમાં બારીક સમારેલી પાલક, મેથી, કેપ્સિકમ અથવા લીલી ડુંગળી પણ ઉમેરી શકાય છે.
