Rice Flour Khichu Recipe: ગુજરાતી નાસ્તામાં ખીચુ એક એવી વાનગી છે જે બનાવવામાં સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને વરસાદી કે ઠંડા વાતાવરણમાં ગરમાગરમ ખીચુ ખાવાની મજા જ અલગ હોય છે. જો તમને પણ બજાર જેવું સોફ્ટ અને સ્વાદિષ્ટ ખીચુ ઘરે બનાવવું હોય, તો ચોખાના લોટથી બનાવવાની આ સરળ રીત ચોક્કસ અજમાવો.
ખીચુ બનાવવાની સામગ્રી
આ પણ વાંચો
- ચોખાનો લોટ – 1 કપ
- પાણી – 2 કપ
- લીલા મરચાંની પેસ્ટ – 1 ચમચી
- આદુની પેસ્ટ – ½ ચમચી
- જીરું – ½ ચમચી
- અજમો – ¼ ચમચી
- તલ – 1 ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- હિંગ – 1 ચપટી
- તેલ – 1 ચમચી
- સોડા – 1 ચપટી
- સિંગતેલ – પીરસવા માટે
ખીચુ બનાવવાની રીત
સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં 2 કપ પાણી લો. તેમાં મીઠું, જીરું, અજમો, તલ, લીલા મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ અને હિંગ ઉમેરો. હવે આ પાણીને મધ્યમ તાપે ઉકળવા દો જેથી મસાલાનો સ્વાદ પાણીમાં સારી રીતે ભળી જાય.
પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક ચમચી તેલ ઉમેરો. ત્યારબાદ ગેસ ધીમો કરીને ચોખાનો લોટ ધીમે-ધીમે ઉમેરતા જાઓ અને સાથે સતત હલાવતા રહો. લોટ એકસાથે નાખશો તો ગાંઠ પડી શકે છે, તેથી ધીમે ધીમે ઉમેરવો જરૂરી છે.
હવે લોટને ચમચા અથવા લાકડાના વેલણથી સતત હલાવતા રહો. જ્યારે લોટ પાણી શોષી લે અને મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં એક ચપટી સોડા ઉમેરો. સોડા ખીચુને થોડું વધુ સોફ્ટ બનાવવામાં મદદ કરશે. હવે વાસણને ઢાંકી દો અને ધીમા ગેસ પર 3થી 5 મિનિટ સુધી ચડવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને ખીચુને થોડું ઠંડું થવા દો. તૈયાર થયેલા ગરમાગરમ ખીચુને પ્લેટમાં કાઢી ઉપરથી સિંગતેલ રેડીને સર્વ કરો.
ખીચુ સોફ્ટ બનાવવા માટેની ખાસ ટિપ
ખીચુ બનાવતી વખતે પાણી અને લોટનું પ્રમાણ યોગ્ય રાખવું સૌથી મહત્વનું છે. લોટ ઉમેર્યા પછી તેને સતત હલાવવાથી ગાંઠ નહીં પડે અને ખીચુ સ્મૂથ બનશે. ખીચુ ગરમાગરમ જ સર્વ કરશો તો તેનો સ્વાદ વધુ સારો લાગશે.
