Corn Handvo Recipe: સવારના નાસ્તામાં કંઈક ટેસ્ટી અને ઝટપટ બનાવવાનું વિચારી રહ્યા છો? તો આ વખતે ટ્રાય કરો ક્રિસ્પી ચીઝ કોર્ન હાંડવો. મકાઈ અને ચીઝના કોમ્બિનેશનથી બનતો આ હાંડવો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. સૌથી ખાસ વાત એ છે કે તેને તૈયાર કરવામાં વધારે સમય પણ લાગતો નથી. માત્ર 15 મિનિટમાં તૈયાર થતો કોર્ન હાંડવો બાળકો અને મોટાઓ બંનેને ખૂબ જ પસંદ આવશે.
કોર્ન હાંડવો બનાવવા માટેની સામગ્રી
- મકાઈના દાણા – 1 કપ
- સોજી – ½ કપ
- દહીં – ½ કપ
- ચીઝ – ½ કપ છીણેલું
- લીલું મરચું – 1 બારીક સમારેલું
- આદુ – 1 ચમચી છીણેલું
- મીઠું – સ્વાદ મુજબ
- હળદર – ¼ ચમચી
- લાલ મરચું પાઉડર – ½ ચમચી
- ઈનો – ½ ચમચી
- તેલ – જરૂર મુજબ
- રાઈ અને તલ – વઘાર માટે
- લીલા ધાણા – ગાર્નિશ માટે
કોર્ન હાંડવો બનાવવાની રીત
સૌથી પહેલા મકાઈના દાણાને મિક્સરમાં થોડા દરદરા પીસી લો. હવે એક બાઉલમાં સોજી, દહીં, પીસેલી મકાઈ, લીલું મરચું, આદુ, મીઠું, હળદર અને લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિક્સ કરો.
મિશ્રણને થોડીવાર રાખ્યા બાદ તેમાં છીણેલું ચીઝ ઉમેરો. હવે છેલ્લે ઈનો નાખીને હળવા હાથે મિક્સ કરી લો.
એક નોન-સ્ટિક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં રાઈ અને તલનો વઘાર કરો. ત્યારબાદ તૈયાર કરેલું હાંડવાનું મિશ્રણ પેનમાં પાથરી દો અને ઉપર થોડું ચીઝ છાંટો.
હાંડવાને ધીમા તાપે ઢાંકીને બંને બાજુથી સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. તૈયાર છે તમારો ક્રિસ્પી ચીઝ કોર્ન હાંડવો. તેને ગરમાગરમ લીલી ચટણી અથવા ટમેટાની ચટણી સાથે સર્વ કરો.
ઉપયોગી ટીપ્સ
- હાંડવો વધુ ક્રિસ્પી બનાવવા માટે પેનમાં થોડું વધુ તેલ લગાવી શકો છો.
- ચીઝનું પ્રમાણ તમારી પસંદ મુજબ વધારી કે ઘટાડી શકો છો.
- મકાઈને એકદમ સ્મૂથ ન પીસતા થોડા દરદરા રાખવાથી હાંડવાનો ટેક્સચર વધુ સારું આવે છે.
