Sweet Potato Mini Samosa Recipe: નવરાત્રી દરમિયાન રોજ એકસરખી ફરાળી વાનગી ખાઈને કંટાળો આવતો હોય તો આ વખતે કંઈક નવું ટ્રાય કરી શકાય. શક્કરિયાના મિની સમોસા સ્વાદિષ્ટ હોવાની સાથે નવરાત્રીના ફરાળ માટે પણ એક અલગ વિકલ્પ બની શકે છે. શક્કરિયાના મીઠાશભર્યા સ્વાદ સાથે શિંગદાણા અને ફરાળી મસાલાનો ટેસ્ટ આ સમોસાને ખાસ બનાવે છે. સાંજના નાસ્તામાં ચા અથવા દહીં સાથે તેને સર્વ કરી શકાય છે.
શક્કરિયાના મિની સમોસા બનાવવા માટેની સામગ્રી
બહારનું પડ બનાવવા માટે
- 1 કપ સિંઘોડાનો લોટ
- 2 ચમચી રાજગરાનો લોટ
- 1 ચમચી ઘી
- સ્વાદ અનુસાર મીઠું
- જરૂર મુજબ પાણી
- તળવા માટે તેલ અથવા ઘી
ફિલિંગ માટે
- 2 મધ્યમ કદના બાફેલા શક્કરિયા
- 2 ચમચી શેકેલા અને કૂચેલા શિંગદાણા
- 1 લીલું મરચું બારીક સમારેલું
- 1 ચમચી કોથમીર
- ½ ચમચી જીરું
- ½ ચમચી લીંબુનો રસ
- ½ ચમચી ધાણાજીરું
- ¼ ચમચી ગરમ મસાલો
- સ્વાદ અનુસાર સિંધાલૂણ
શક્કરિયાના મિની સમોસા બનાવવાની રીત
સૌથી પહેલા બાફેલા શક્કરિયાની છાલ કાઢીને તેને સારી રીતે મેશ કરી લો. તેમાં શેકેલા કૂચેલા શિંગદાણા, લીલું મરચું, કોથમીર, જીરું, ધાણાજીરું, ગરમ મસાલો, લીંબુનો રસ અને સિંધાલૂણ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. તૈયાર થયેલા મિશ્રણને થોડા સમય માટે બાજુ પર રાખો.
હવે એક વાસણમાં સિંઘોડાનો લોટ, રાજગરાનો લોટ, ઘી અને સિંધાલૂણ લો. તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધો. લોટને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.
હવે લોટમાંથી નાના લૂઆ બનાવી તેને પાતળી પૂરી જેવી વણી લો. પૂરીને વચ્ચેથી કાપીને બે ભાગ કરો. એક ભાગને કોન આકારમાં વાળી તેની અંદર તૈયાર કરેલું શક્કરિયાનું ફિલિંગ ભરો. કિનારીને થોડા પાણીથી ચોંટાડીને મિની સમોસાનો આકાર આપો.
આ રીતે બધા સમોસા તૈયાર કરી લો. કડાઈમાં તેલ ગરમ કરી સમોસાને મધ્યમ તાપે ધીમે-ધીમે તળો. સમોસા બહારથી હળવા સોનેરી અને ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને બહાર કાઢી લો.
ગરમાગરમ શક્કરિયાના મિની સમોસાને ફરાળી લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.
ટિપ્સ
સમોસાનું પડ વધારે પાતળું ન વણવું, નહીં તો તળતી વખતે ફાટી શકે છે. શક્કરિયાનું ફિલિંગ વધારે ભીનું ન રાખવું જેથી સમોસા સરળતાથી બંધ થઈ શકે. સમોસાને હંમેશા મધ્યમ તાપે તળવાથી બહારનું પડ સરસ ક્રિસ્પી બને છે.
