Khari Sing Recipe: બજાર જેવી ખારી સીંગ ઘરે જ બનાવો, કૂકરની આ ટ્રિક આવશે કામ

બજારમાં મળતી કરકરી અને સ્વાદિષ્ટ ખારી સીંગ હવે ઘરે બનાવો. મીઠાવાળા પાણી અને ગરમ મીઠામાં શેકવાની સરળ રીતથી બનાવો Market Style Khari Sing.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 23 Sep 2026 11:27 AM (IST)Updated: Wed, 23 Sep 2026 11:27 AM (IST)
khari-sing-recipe-market-style-salted-peanuts-recipe

Khari Sing Recipe: ચોમાસું હોય કે શિયાળાની ઠંડી, સાંજના સમયે ગરમ ચા સાથે કંઈક કરકરું ખાવાનું મન થાય ત્યારે ખારી સીંગ એકદમ પરફેક્ટ નાસ્તો છે. બજારમાં મળતી મીઠી-મસાલેદાર અને કરકરી સીંગ ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. ખાસ વાત એ છે કે તેને બનાવવાની આ રીતમાં કૂકરનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે સીંગનો સ્વાદ અને ટેક્સચર એકદમ સરસ આવે છે.

ખારી સીંગ બનાવવાની સામગ્રી

  • સિંગ – 2 કપ
  • પાણી – 2 કપ
  • મીઠું – 2 ચમચી
  • શેકવા માટે મીઠું – અડધો કપ

ખારી સીંગ બનાવવાની રીત

સૌપ્રથમ સારી ક્વોલિટીની મોટી અને ભરાવદાર સિંગ લો. સિંગને પાણીથી સાફ કરીને પ્રેશર કૂકરમાં નાખો. તેમાં 2 કપ પાણી અને 2 ચમચી મીઠું ઉમેરો. હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને મધ્યમ તાપે માત્ર એક સીટી સુધી પકાવો. સિંગને વધારે ન પકવવી, કારણ કે પછી શેકતી વખતે તેની કરકરાપણું જળવાશે નહીં.

કૂકર ઠંડુ થયા બાદ સિંગને ગાળી લો અને તેને જાડા કપડા અથવા કિચન ટુવાલ પર ફેલાવી 5થી 7 મિનિટ માટે સૂકાવા દો. સિંગ પર વધારે પાણી નહીં રહે તેનું ધ્યાન રાખવું.

હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં અડધો કપ મીઠું નાખીને મધ્યમ-ધીમા તાપે ગરમ કરો. મીઠું ગરમ થઈ જાય પછી તેમાં સિંગ ઉમેરો અને સતત હલાવતા રહો. સિંગને ધીમા તાપે શેકવાથી તે અંદરથી સારી રીતે ક્રિસ્પી થશે અને તેની છાલ પણ સરળતાથી નીકળવા લાગશે.

લગભગ 10થી 12 મિનિટ સુધી શેક્યા બાદ 2-3 સિંગ કાઢીને સંપૂર્ણ ઠંડી થવા દો. સિંગ કરકરી લાગે અને તેની છાલ સરળતાથી નીકળી જાય તો તે તૈયાર છે. હવે સિંગને ચાળણીમાં કાઢીને વધારાનું મીઠું અલગ કરી લો.

સિંગ સંપૂર્ણ ઠંડી થયા બાદ તેને એરટાઇટ ડબ્બામાં ભરી રાખો. આ રીતે બનાવેલી ખારી સિંગ ચા સાથે નાસ્તા તરીકે અથવા જ્યારે મન થાય ત્યારે ખાઈ શકાય છે.

ટિપ્સ

ખારી સિંગ માટે મોટી અને સારી ગુણવત્તાની સિંગ પસંદ કરવી. સિંગને વધારે બાફશો નહીં અને શેકતી વખતે તેજ આંચ રાખવાને બદલે મધ્યમ-ધીમા તાપે સતત હલાવતા રહેવું. સંપૂર્ણ ઠંડી થયા બાદ જ તેને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરવી.