Kathiyawadi Dal Dhokli: કાઠિયાવાડી સ્ટાઇલની તીખી-મસાલેદાર દાળ-ઢોકળી બનાવવાની સરળ રીત

ગુજરાતી સ્ટાઇલની સ્વાદિષ્ટ દાળ-ઢોકળી ઘરે બનાવવાની સરળ રીત જાણો. દાળ, ઘઉંના લોટ અને મસાલાથી બનતી આ ગરમાગરમ રેસિપી લંચ કે ડિનર માટે એકદમ પરફેક્ટ છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 16 Sep 2026 10:47 AM (IST)Updated: Wed, 16 Sep 2026 10:47 AM (IST)
kathiyawadi-dal-dhokli-recipe-spicy-and-tasty-gujarati-traditional-food

Dal Dhokli Recipe: ગુજરાતી ઘરમાં દાળ-ઢોકળીનું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જાય. ખાટી-મીઠી દાળમાં નરમ ઢોકળી, સાથે હળવો મસાલેદાર વઘાર અને ઉપરથી ઘીનો સ્વાદ આ વાનગી પેટ પણ ભરે અને મન પણ ખુશ કરી દે. વરસાદી કે ઠંડા વાતાવરણમાં ગરમાગરમ દાળ-ઢોકળી ખાવાની મજા જ અલગ હોય છે.

દાળ-ઢોકળી બનાવવાની સામગ્રી

દાળ માટે

  • તુવેરની દાળ – 1 કપ
  • ટામેટું – 1
  • લીલું મરચું – 1
  • આદુ – 1 નાની ચમચી
  • હળદર – ½ નાની ચમચી
  • લાલ મરચું – 1 નાની ચમચી
  • ધાણા-જીરું પાઉડર – 1 નાની ચમચી
  • ગોળ – 1 થી 2 નાની ચમચી
  • લીંબુનો રસ – 1 નાની ચમચી
  • મીઠું – સ્વાદ પ્રમાણે

ઢોકળી માટે

  • ઘઉંનો લોટ – 1 કપ
  • હળદર – ¼ નાની ચમચી
  • લાલ મરચું – ½ નાની ચમચી
  • ધાણા-જીરું પાઉડર – ½ નાની ચમચી
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • તેલ – 1 નાની ચમચી
  • પાણી – જરૂર મુજબ

વઘાર માટે

  • તેલ અથવા ઘી – 1 થી 2 ચમચી
  • જીરું – ½ નાની ચમચી
  • રાઈ – ½ નાની ચમચી
  • હીંગ – ચપટી
  • લવિંગ – 2
  • તજ – નાનો ટુકડો
  • કરી પત્તા – થોડા
  • સૂકા લાલ મરચાં – 1-2

દાળ-ઢોકળી બનાવવાની રીત

સૌથી પહેલા તુવેરની દાળને સારી રીતે ધોઈને પ્રેશર કૂકરમાં હળદર અને થોડું પાણી ઉમેરીને બાફી લો. દાળ બફાઈ જાય પછી તેને સારી રીતે વલોવી લો જેથી દાળ એકદમ સ્મૂથ થઈ જાય.

હવે એક વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા-જીરું પાઉડર અને થોડું તેલ ઉમેરીને પાણીની મદદથી નરમ લોટ બાંધી લો. લોટને થોડો સમય ઢાંકીને રાખો. આ લોટના નાના લૂઆ બનાવીને પાતળી રોટલી વણી લો. તેને ચોરસ કે ડાયમંડ આકારમાં કાપી લો. આ જ ટુકડાઓને ઢોકળી તરીકે દાળમાં ઉમેરવામાં આવશે.

હવે એક મોટા વાસણમાં બાફેલી દાળ લો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ઉકળવા મૂકો. તેમાં સમારેલું ટામેટું, લીલું મરચું, આદુ, ગોળ, મીઠું, લાલ મરચું અને ધાણા-જીરું પાઉડર ઉમેરો. દાળમાં ઉકળાટ આવે ત્યારે ઢોકળીના ટુકડા એક પછી એક તેમાં નાખતા જાઓ.

ઢોકળી ઉમેર્યા પછી દાળને ધીમા-મધ્યમ તાપે પકવા દો અને વચ્ચે હળવેથી હલાવતા રહો. ઢોકળી સારી રીતે ચડી જાય અને નરમ થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો. છેલ્લે અલગ વઘારિયામાં ઘી અથવા તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હીંગ, લવિંગ, તજ, કરી પત્તા અને સૂકા લાલ મરચાંનો વઘાર કરો. આ ગરમ વઘારને દાળ-ઢોકળીમાં ઉમેરી દો. ઉપરથી લીલા ધાણા અને થોડું ઘી નાખીને ગરમાગરમ પીરસો.

દાળ-ઢોકળીનો સ્વાદ વધારવાની ટિપ

દાળ વધારે ઘટ્ટ ન રાખવી, કારણ કે ઢોકળી રાંધતી વખતે દાળનું પાણી શોષી લે છે. પીરસતી વખતે ઉપરથી થોડું ઘી, લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરશો તો સ્વાદ વધુ સરસ લાગશે.