Kathiyawadi Bhajiya: ચા સાથે ખાવા માટે બનાવો કાઠીયાવાડી ભજીયા, આ ટ્રિકથી ગોટા બનશે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી

Kathiyawadi Bhajiya Recipe: કાઠીયાવાડી ભજીયા એટલે કે ગોટા ઘરે નવી રીતે બનાવવાની સરળ રેસીપી. આ રીતે બનાવશો તો ભજીયા એકદમ ફુલેલા, જાળીદાર અને ક્રિસ્પી બનશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 18 Sep 2026 11:15 AM (IST)Updated: Fri, 18 Sep 2026 11:15 AM (IST)
kathiyawadi-bhajiya-recipe-gujarati-style-jali-dar-fullela-gota-bhajiya

Kathiyawadi Bhajiya Recipe: ચોમાસું હોય કે સાંજની ચા, ગરમાગરમ કાઠીયાવાડી ભજીયા એટલે કે ગોટા ખાવાની મજા જ અલગ છે. સામાન્ય રીતે ગોટા બનાવતી વખતે ઘણીવાર તે વધારે તેલ શોષી લે છે અથવા અંદરથી કાચા રહી જાય છે. પરંતુ જો ખીરું તૈયાર કરતી વખતે કેટલીક નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ભજીયા એકદમ ફુલેલા, જાળીદાર અને અંદરથી સોફ્ટ બની શકે છે. તો ચાલો જાણીએ કાઠીયાવાડી ભજીયા બનાવવાની આ નવી રીત.

કાઠીયાવાડી ભજીયા બનાવવાની સામગ્રી

  • ચણાનો લોટ – 2 કપ
  • દહીં – 2 ચમચી
  • આદુ-લીલા મરચાની પેસ્ટ – 1 ચમચી
  • લસણની પેસ્ટ – 1 ચમચી
  • હળદર – ¼ ચમચી
  • લાલ મરચું – 1 ચમચી
  • ધાણા-જીરું પાવડર – 1 ચમચી
  • વરીયાળી – ½ ચમચી
  • તલ – 1 ચમચી
  • હિંગ – 1 ચપટી
  • ખાંડ – ½ ચમચી
  • લીંબુનો રસ – 1 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • બેકિંગ સોડા – 1 ચપટી
  • ગરમ તેલ – 1 ચમચી
  • પાણી – જરૂર મુજબ
  • તેલ – તળવા માટે

કાઠીયાવાડી ભજીયા બનાવવાની રીત

સૌપ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ લો. તેમાં દહીં, આદુ-લીલા મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા-જીરું પાવડર, વરીયાળી, તલ, હિંગ, ખાંડ, લીંબુનો રસ અને મીઠું ઉમેરો. હવે તેમાં થોડું-થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરો.

ગોટાનું ખીરું બહુ પાતળું કે બહુ ઘટ્ટ ન હોવું જોઈએ. ખીરાને હાથથી અથવા ચમચાથી સારી રીતે ફેટવું ખૂબ જરૂરી છે. આ રીતે ફેટવાથી ખીરામાં હવા ભળે છે અને તળ્યા પછી ભજીયા ફુલેલા તથા જાળીદાર બને છે. ખીરાને થોડો સમય ઢાંકીને રાખી શકાય.

હવે તળવાના થોડા સમય પહેલાં તેમાં બેકિંગ સોડા અને એક ચમચી ગરમ તેલ ઉમેરો. તેને હળવા હાથે સારી રીતે મિક્સ કરો. કડાઈમાં તેલ ગરમ કરો. તેલ બહુ ઠંડું હશે તો ભજીયા વધારે તેલ શોષશે, જ્યારે ખૂબ ગરમ તેલમાં બહારથી ઝડપથી રંગ આવી જશે અને અંદરથી કાચા રહી શકે છે.

હવે હાથથી અથવા ચમચીની મદદથી નાના-નાના ગોટા ગરમ તેલમાં નાખો. ગોટાને મધ્યમ તાપે ધીમે-ધીમે તળો અને વચ્ચે હળવેથી ફેરવતા રહો. ભજીયા સરસ ફુલેલા અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને બહાર કાઢી લો. ગરમાગરમ કાઠીયાવાડી ગોટાને લીલી ચટણી, તળેલા મરચાં અને ગરમ ચા સાથે સર્વ કરો.