Gluten-Free Muthiya: ડાયેટમાં પણ ખાઈ શકો મુઠિયા! ઘરે બનાવો હેલ્ધી ગ્લૂટન ફ્રી મુઠિયા

મકાઈ, પનીર અને શાકભાજીથી બનાવો હેલ્ધી Sweet Corn Muthiya. જાણો મકાઈના મુઠિયા બનાવવાની સરળ રીત, સામગ્રી અને પરફેક્ટ સ્ટીમિંગની રીત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 24 Sep 2026 11:27 AM (IST)Updated: Thu, 24 Sep 2026 11:27 AM (IST)
how-to-make-gluten-free-diet-muthiya-at-home-steamed-gujarati-snack-recipe

Gluten-Free Muthiya Recipe: દૂધી અને મેથીના મુઠિયા તો તમે અનેક વખત ખાધા હશે, પરંતુ શું તમે ક્યારેય મકાઈના મુઠિયા ટ્રાય કર્યા છે? સ્વીટકોર્ન, પનીર, ગાજર અને જુવારના લોટથી બનતા આ મુઠિયા સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી નાસ્તા માટે પણ સારો વિકલ્પ બની શકે છે. તેમાં થોડું પનીર ઉમેરવાથી પ્રોટીન અને કેલ્શિયમ મળે છે, જ્યારે મકાઈ અને શાકભાજીથી સ્વાદ અને ટેક્સચર બંને સરસ આવે છે. ચા સાથે કે લીલી ચટણી સાથે આ ગરમાગરમ મુઠિયા સર્વ કરી શકાય છે.

ગ્લૂટન ફ્રી મુઠિયા બનાવવાની સામગ્રી

  • 2 કુમળી સ્વીટકોર્ન/મકાઈ
  • 100 ગ્રામ પનીર
  • 1 મોટું ગાજર
  • 1થી 1½ ટેબલસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
  • 1 ટીસ્પૂન મરી પાવડર
  • 1½થી 2 ટીસ્પૂન મીઠું અથવા સ્વાદ અનુસાર
  • 2 ટીસ્પૂન વરિયાળી
  • 3થી 4 ટેબલસ્પૂન સફેદ તલ
  • 1 ટીસ્પૂન અજમો
  • ¼ કપ ઝીણી સમારેલી કોથમીર
  • ¼ ટીસ્પૂન હળદર
  • 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
  • 2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર
  • 2 ટીસ્પૂન તેલ
  • 2 ટેબલસ્પૂન દહીં
  • ½ લીંબુનો રસ
  • 2 ટીસ્પૂન દળેલી ખાંડ
  • આશરે ¾ કપ જુવારનો લોટ
  • ¼ કપ ચણાનો લોટ
  • 1 ચપટી ખાવાનો સોડા

વઘાર માટે

  • 1થી 2 ટેબલસ્પૂન તેલ
  • 2 ટીસ્પૂન રાઈ
  • 1 ટીસ્પૂન જીરું
  • ¼ ટીસ્પૂન હિંગ
  • 10થી 15 લીમડાના પાન
  • 2થી 3 ટેબલસ્પૂન સફેદ તલ
  • થોડી કોથમીર

ગ્લૂટન ફ્રી મુઠિયા બનાવવાની રીત

સૌપ્રથમ બંને મકાઈ તૈયાર કરી લો. એક મકાઈને મોટા હોલવાળા છીણવાથી છીણી લો. બીજી મકાઈના દાણા છરીની મદદથી કાઢી લો. ઈચ્છો તો મકાઈને મિક્સરમાં પણ અધકચરી વાટી શકો છો. થોડા આખા દાણા રાખવાથી મુઠિયામાં મકાઈનો સરસ ટેક્સચર આવે છે.

હવે એક મોટા વાસણમાં છીણેલી મકાઈ અને મકાઈના દાણા લો. તેમાં છીણેલું ગાજર, 100 ગ્રામ પનીર, આદુ-મરચાંની પેસ્ટ, મરી પાવડર, મીઠું, વરિયાળી, સફેદ તલ, અજમો અને કોથમીર ઉમેરો. ત્યારબાદ હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, 2 ટીસ્પૂન તેલ, દહીં, લીંબુનો રસ અને દળેલી ખાંડ ઉમેરો. સ્વીટકોર્ન વધારે ગળ્યા હોય તો ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખી શકો છો.

હવે તેમાં થોડો-થોડો કરીને જુવારનો લોટ અને ચણાનો લોટ ઉમેરો. અહીં ખાસ ધ્યાન રાખવું કે લોટ વધારે ન નાખવો. માત્ર મુઠિયાને બાઈન્ડિંગ મળે એટલો જ લોટ ઉમેરવાનો છે. છેલ્લે એક ચપટી ખાવાનો સોડા ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લો.

હવે સ્ટીમરની કાણાવાળી પ્લેટને થોડા તેલથી ગ્રીસ કરી લો. હાથમાં થોડું તેલ લગાવીને તૈયાર કરેલા મિશ્રણના લાંબા રોલ જેવા મુઠિયા બનાવો અને પ્લેટમાં ગોઠવો.

સ્ટીમરમાં પાણી ગરમ કરી લો. પાણી ઉકળવા લાગે એટલે મુઠિયાની પ્લેટ સ્ટીમરમાં મૂકી દો. શરૂઆતમાં 5 મિનિટ મધ્યમ તાપે અને ત્યારબાદ આશરે 20 મિનિટ ધીમા તાપે મુઠિયાને સ્ટીમ કરો. કુલ 20થી 25 મિનિટમાં મુઠિયા તૈયાર થઈ જશે. મુઠિયા બરાબર બફાઈ ગયા છે કે નહીં તે ચાકુ અથવા ટૂથપિક નાખીને ચેક કરી શકો છો. ચાકુ સાફ બહાર આવે તો મુઠિયા તૈયાર છે. તેને થોડા ઠંડા થવા દો અને પછી ચાકુની મદદથી અલગ કરીને નાના ટુકડા કરી લો.

હવે વઘાર માટે પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટવા લાગે એટલે જીરું, હિંગ, લીમડાના પાન અને સફેદ તલ ઉમેરો. ગેસ ધીમો કરીને વઘાર તૈયાર કરો અને તરત જ તેમાં કાપેલા મુઠિયાના ટુકડા ઉમેરો.

હવે ગેસ મધ્યમ કરીને મુઠિયાને 2થી 3 મિનિટ હળવા હાથે સાંતળો. છેલ્લે કોથમીર ઉમેરો. થોડા ક્રિસ્પી મુઠિયા પસંદ હોય તો એક-બે મિનિટ વધારે સાંતળી શકો છો. ગરમાગરમ મકાઈના મુઠિયા લીલી ચટણી, ટમેટાની ચટણી અથવા ચા સાથે સર્વ કરો. આ મુઠિયાને વઘાર કર્યા વગર પણ ચટણી સાથે ખાઈ શકાય છે.