Masala Shakkarpara Recipe: ચા સાથે કંઈક ચટપટું અને ક્રિસ્પી ખાવાનું મન થાય ત્યારે મસાલા શક્કરપારા એકદમ પરફેક્ટ નાસ્તો છે. સામાન્ય શક્કરપારાથી અલગ આ મસાલા શક્કરપારા ઘઉંના લોટ અને મસાલાના સ્વાદ સાથે તૈયાર થાય છે. તેને ઘરે બનાવવું પણ ખૂબ સરળ છે અને એકવાર બનાવીને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકાય છે.
મસાલા શક્કરપારા બનાવવાની સામગ્રી
- ઘઉંનો લોટ – 2 કપ
- સોજી – 2 ચમચી
- અજમો – ½ ચમચી
- લાલ મરચું પાવડર – 1 ચમચી
- હળદર – ¼ ચમચી
- ધાણાજીરું પાવડર – 1 ચમચી
- ગરમ મસાલો – ½ ચમચી
- કસૂરી મેથી – 1 ચમચી
- તલ – 1 ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- મોણ માટે તેલ – 3 ચમચી
- પાણી – જરૂર મુજબ
- તળવા માટે તેલ – જરૂર મુજબ
મસાલા શક્કરપારા બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ અને સોજી લો. તેમાં અજમો, લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, કસૂરી મેથી, તલ અને મીઠું ઉમેરો. હવે તેમાં મોણ માટે તેલ નાખીને લોટમાં સારી રીતે મિક્સ કરો. મોણ યોગ્ય છે કે નહીં તે ચકાસવા માટે થોડો લોટ હાથમાં દબાવશો તો તે મુઠ્ઠીમાં બંધાઈ જવો જોઈએ.
હવે થોડું-થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. લોટ વધારે નરમ ન રાખવો, નહીં તો શક્કરપારા ક્રિસ્પી બનશે નહીં. તૈયાર લોટને ઢાંકીને લગભગ 10-15 મિનિટ માટે આરામ આપો.
ત્યારબાદ લોટનો મોટો લૂવો લઈને તેને વણો. તેને બહુ પાતળો ન વણવો, જેથી શક્કરપારા અંદરથી થોડા જાડા અને બહારથી સરસ ક્રિસ્પી બને. હવે છરી અથવા પિઝા કટરથી ચોરસ કે ડાયમંડ આકારના ટુકડા કાપી લો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ બહુ ગરમ ન હોવું જોઈએ. તૈયાર શક્કરપારાના ટુકડાને મધ્યમ-ધીમા તાપે ધીમે ધીમે તળો. ટુકડા બંને બાજુથી સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને બહાર કાઢીને ટિશ્યુ પેપર પર મૂકો. સંપૂર્ણ ઠંડા થયા બાદ મસાલા શક્કરપારાને એરટાઈટ ડબ્બામાં ભરી દો.
ટિપ્સ
મસાલા શક્કરપારા ક્રિસ્પી બનાવવા માટે લોટનું મોણ યોગ્ય રાખવું અને તેને ધીમા-મધ્યમ તાપે તળવું ખૂબ જરૂરી છે. શક્કરપારા સંપૂર્ણ ઠંડા થયા પછી જ ડબ્બામાં સ્ટોર કરો, જેથી તેમાં ભેજ ન આવે.
