Green Moong Dal Shaak Recipe: જો તમે રોજ એક જ પ્રકારનું શાક ખાઈને કંટાળી ગયા છો અને કંઈક ટેસ્ટી તથા હેલ્ધી બનાવવાનું વિચારી રહ્યા છો, તો લીલા મગનું શાક એકદમ બેસ્ટ વિકલ્પ છે. લીલા મગમાંથી બનાવેલું આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથે પેટ માટે પણ હળવું રહે છે. ગરમાગરમ રોટલી, ભાખરી કે રોટલા સાથે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જાણીએ ઘરે સરળ રીતે લીલા મગનું શાક કેવી રીતે બનાવી શકાય.
લીલા મગનું શાક બનાવવા માટેની સામગ્રી
- લીલા મગ – 1 કપ
- ડુંગળી – 1 બારીક સમારેલી
- ટામેટું – 1 બારીક સમારેલું
- આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી
- લીલા મરચાં – 2 બારીક સમારેલા
- જીરું – ½ ચમચી
- રાઈ – ½ ચમચી
- હળદર – ¼ ચમચી
- લાલ મરચું પાઉડર – 1 ચમચી
- ધાણા-જીરું પાઉડર – 1 ચમચી
- ગરમ મસાલો – ½ ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- તેલ – 2 ચમચી
- કોથમીર – બારીક સમારેલી
- પાણી – જરૂર મુજબ
લીલા મગનું શાક બનાવવાની રીત
સૌપ્રથમ લીલા મગને સારી રીતે ધોઈને 4થી 5 કલાક માટે પાણીમાં પલાળી દો. સમય હોય તો મગને રાત્રે પલાળીને પણ રાખી શકાય. પલાળેલા મગનું પાણી કાઢી તેને ફરી એકવાર ધોઈ લો. હવે પ્રેશર કૂકરમાં મગ સાથે થોડું પાણી અને ચપટી હળદર નાખીને 2થી 3 સીટી સુધી બાફી લો. મગ વધારે ગળી ન જાય તેનું ધ્યાન રાખવું.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું ઉમેરો. તડતડવા લાગે એટલે તેમાં બારીક સમારેલા લીલા મરચાં અને આદુ-લસણની પેસ્ટ નાખીને થોડી સેકન્ડ માટે સાંતળો. ત્યારબાદ સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળી હળવી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં સમારેલું ટામેટું ઉમેરો અને ટામેટું નરમ થાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ હળદર, લાલ મરચું પાઉડર અને ધાણા-જીરું પાઉડર નાખીને મસાલાને સારી રીતે મિક્સ કરો. મસાલો કડાઈમાં ચોંટે નહીં તે માટે જરૂર મુજબ થોડું પાણી ઉમેરી શકાય છે.
હવે બાફેલા લીલા મગને આ મસાલામાં ઉમેરો અને બધું સારી રીતે મિક્સ કરી લો. શાકની ગ્રેવી જેવી કન્સિસ્ટન્સી જોઈતી હોય તો તેમાં થોડું ગરમ પાણી ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું નાખીને શાકને ધીમા તાપે 5થી 7 મિનિટ સુધી પકાવો, જેથી મસાલાનો સ્વાદ મગમાં સારી રીતે ભળી જાય.
છેલ્લે તેમાં ગરમ મસાલો અને બારીક સમારેલી કોથમીર ઉમેરો. એકથી બે મિનિટ ઢાંકીને રાખ્યા બાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી લીલા મગનું શાક. તેને ગરમાગરમ રોટલી, ભાખરી, રોટલા અથવા પરાઠા સાથે સર્વ કરી શકાય છે.
ટિપ્સ
લીલા મગને પલાળવાથી તે ઝડપથી બફાઈ જાય છે અને શાક પણ વધુ સ્વાદિષ્ટ બને છે. શાકમાં મસાલાનો સ્વાદ વધુ સારો જોઈએ તો ડુંગળી અને ટામેટાને સારી રીતે સાંતળ્યા બાદ જ મગ ઉમેરવા. તમે ઈચ્છો તો આ શાકમાં થોડો લીંબુનો રસ ઉમેરીને તેનો સ્વાદ વધુ ચટપટો બનાવી શકો છો.
