Sooji Sheera Recipe: ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની પૂજા સાથે તેમને મનપસંદ ભોગ ધરાવવાની પણ પરંપરા છે. જો તમે ઘરે સરળતાથી પ્રસાદ તૈયાર કરવા માંગતા હોવ તો સોજીનો શીરો એકદમ બેસ્ટ વિકલ્પ છે. ખાસ વાત એ છે કે આ શીરો બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર પડતી નથી. માત્ર ચાર મુખ્ય વસ્તુથી તમે દાણેદાર, સુગંધિત અને સ્વાદિષ્ટ શીરો તૈયાર કરી શકો છો.
સામગ્રી
- સોજી – 1 કપ
- ખાંડ – 1 કપ
- ઘી – ½ કપ
- પાણી – 2.5 કપ
બનાવવાની રીત
સૌથી પહેલા એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં સોજી ઉમેરીને ધીમા તાપે સતત હલાવતા રહો. સોજીને ધીમે ધીમે શેકવી ખૂબ જરૂરી છે, જેથી તેનો કાચો સ્વાદ દૂર થાય અને શીરો સરસ સુગંધિત બને. સોજીનો રંગ હળવો સોનેરી થાય અને ઘીની સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને શેકો.
હવે બીજી તરફ પાણી ગરમ કરી લો. શેકાયેલી સોજીમાં ધીમે ધીમે ગરમ પાણી ઉમેરો અને સાથે સતત હલાવતા રહો. પાણી નાખતી વખતે સાવચેતી રાખવી, કારણ કે કડાઈમાં છાંટા પડી શકે છે. સોજી પાણી શોષી લે અને મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી તેને હલાવતા રહો.
હવે તેમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ખાંડ ઉમેર્યા બાદ શીરો ફરી થોડો ઢીલો થશે, પરંતુ થોડીવાર રાંધ્યા પછી તે ફરી ઘટ્ટ થવા લાગશે. ધીમા તાપે શીરો રાંધતા રહો અને જ્યાં સુધી ઘી કડાઈની બાજુ છોડવા લાગે અને શીરો દાણેદાર દેખાવા લાગે ત્યાં સુધી તેને હલાવતા રહો.
જ્યારે શીરો સરસ રીતે તૈયાર થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. તેને થોડીવાર ઢાંકીને રાખો. આ રીતે શીરો વધુ સેટ થશે અને દાણેદાર ટેક્સચર આવશે. હવે તેને ગણપતિ બાપ્પાને પ્રસાદ તરીકે અર્પણ કરી શકો છો.
ટિપ્સ
દાણેદાર શીરો બનાવવા માટે સોજીને ધીમા તાપે સારી રીતે શેકવી સૌથી મહત્વની છે. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી સોજો ઝડપથી અને સારી રીતે ફૂલે છે. શીરો બનાવતી વખતે સતત હલાવતા રહેવાથી તેમાં ગાંઠો પડતી નથી.
