Tam Tam Gathiya Recipe: દિવાળીનો તહેવાર નજીક આવે એટલે ઘરમાં મીઠાઈઓની સાથે નમકીન નાસ્તા બનાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ જાય છે. ચા સાથે ખાવા માટે ક્રિસ્પી અને ચટપટા ગાંઠિયા હોય તો નાસ્તાનો સ્વાદ બમણો થઈ જાય છે. જો તમે આ દિવાળીએ કંઈક અલગ અને સ્વાદિષ્ટ બનાવવાનું વિચારી રહ્યા હો, તો ટમટમ ગાંઠિયા એક સારો વિકલ્પ છે. બેસન અને મસાલામાંથી બનતા આ ગાંઠિયા યોગ્ય રીતે બનાવવામાં આવે તો બહારથી ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ મજેદાર બને છે. તો ચાલો જાણીએ ઘરે જ ટમટમ ગાંઠિયા બનાવવાની સરળ રેસિપી અને તેને બજાર જેવા સ્વાદિષ્ટ બનાવવાની ખાસ ટિપ્સ.
ટમટમ ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી
- બેસન – 2 કપ
- ચોખાનો લોટ – 2 મોટી ચમચી
- અજમો – અડધી નાની ચમચી
- હિંગ – 1 ચપટી
- લાલ મરચું પાઉડર – અડધી નાની ચમચી
- હળદર – 1 ચપટી
- કાળા મરીનો પાઉડર – અડધી નાની ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- તેલ – 2 મોટી ચમચી (મોણ માટે)
- પાણી – જરૂર મુજબ
- તળવા માટે તેલ – જરૂર મુજબ
- ચાટ મસાલો અથવા સંચળ – સ્વાદ અનુસાર (વૈકલ્પિક)
ટમટમ ગાંઠિયા બનાવવાની રીત
સૌથી પહેલાં એક મોટા વાસણમાં બેસન અને ચોખાનો લોટ ચાળી લો. તેમાં અજમો, હિંગ, લાલ મરચું પાઉડર, હળદર, કાળા મરીનો પાઉડર અને મીઠું ઉમેરો. અજમાને હાથથી થોડો મસળી નાખશો તો તેની સુગંધ સરસ રીતે બહાર આવશે અને ગાંઠિયાનો સ્વાદ પણ વધશે.
હવે તેમાં બે મોટી ચમચી ગરમ તેલનું મોણ ઉમેરો. આ મિશ્રણને હાથથી બરાબર મિક્સ કરો, જેથી લોટમાં તેલ સરખી રીતે ભળી જાય. ત્યારબાદ થોડું-થોડું પાણી ઉમેરીને લોટ બાંધો. ગાંઠિયા માટેનો લોટ ન તો બહુ કઠણ હોવો જોઈએ, ન તો બહુ ઢીલો. તે એવો હોવો જોઈએ કે ગાંઠિયા બનાવવાના સંચામાંથી સરળતાથી નીકળી શકે.
લોટ તૈયાર થઈ જાય પછી તેને ઢાંકીને લગભગ 10 મિનિટ માટે રહેવા દો. આ દરમિયાન એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ટમટમ ગાંઠિયા બનાવવા માટે ગાંઠિયાના સંચામાં યોગ્ય ટમ ટમ વાળી જાળી પ્લેટ લગાવો. લોટનો થોડો ભાગ સંચામાં ભરો અને તેલ ગરમ થાય એટલે સંચાને કડાઈની ઉપર રાખીને ગાંઠિયા સીધા તેલમાં પાડો.
ગાંઠિયાને મધ્યમ તાપે તળો. શરૂઆતમાં તેને વારંવાર હલાવવાની જરૂર નથી. જ્યારે ગાંઠિયા થોડા કડક થવા લાગે ત્યારે હળવા હાથે ફેરવો, જેથી તે બધી બાજુથી સરખા તળાય. ગાંઠિયા હળવા સોનેરી અને ક્રિસ્પી થઈ જાય એટલે તેને ઝારાની મદદથી બહાર કાઢી લો.
હવે ગાંઠિયાને ટિશ્યૂ પેપર અથવા જાળીવાળી થાળીમાં કાઢો, જેથી વધારાનું તેલ નીકળી જાય. જો તમને વધુ ચટપટો સ્વાદ પસંદ હોય, તો ગાંઠિયા થોડા ઠંડા થાય પછી તેના પર થોડું ચાટ મસાલો અથવા સંચળ ભભરાવી શકો છો. તૈયાર છે તમારા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ટમટમ ગાંઠિયા, જેને તમે ચા સાથે સર્વ કરી શકો છો અને દિવાળીના નાસ્તામાં પણ પીરસી શકો છો.
ટમટમ ગાંઠિયાને ક્રિસ્પી બનાવવાની ખાસ ટિપ્સ
- લોટમાં તેલનું મોણ ઉમેરવાથી ગાંઠિયાનો ટેક્સચર સારો બને છે.
- લોટ બહુ કઠણ હશે તો ગાંઠિયા સંચામાંથી કાઢવામાં મુશ્કેલી પડશે, જ્યારે બહુ ઢીલો લોટ ગાંઠિયાનો આકાર બગાડી શકે છે.
- તેલ બહુ ગરમ હશે તો ગાંઠિયા બહારથી ઝડપથી રંગ પકડી લેશે અને અંદરથી બરાબર નહીં તળાય. ઓછા ગરમ તેલમાં ગાંઠિયા વધુ તેલ શોષી શકે છે.
- ગાંઠિયા ગરમ હોય ત્યારે ડબ્બામાં ભરવાથી ભેજને કારણે તે નરમ પડી શકે છે
