Bhakarwadi Recipe: દિવાળી આવે એટલે ઘરમાં વિવિધ પ્રકારના ફરસાણ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ચકલી, મઠિયા, સેવ અને ચેવડા સાથે ભાખરવડી પણ દિવાળીના નાસ્તામાં ખાસ પસંદ કરવામાં આવે છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી મસાલેદાર સ્વાદ ધરાવતી ભાખરવડી ચા સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે પણ આ દિવાળી પર ઘરે જ બજાર જેવી ભાખરવડી બનાવવા માંગતા હોવ, તો જાણો તેની સરળ રેસિપી.
ભાખરવડી બનાવવાની સામગ્રી
- 2 કપ મેંદો
- 2 ચમચી બેસન
- 3 ચમચી તેલ
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી જરૂર મુજબ
- 2 ચમચી ધાણાના દાણા
- 1 ચમચી જીરું
- 1 ચમચી તલ
- 1 ચમચી વરિયાળી
- 1 ચમચી ખસખસ
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા-જીરું પાવડર
- 1/2 ચમચી હળદર
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી આમચૂર પાવડર
- તેલ તળવા માટે
ભાખરવડી બનાવવાની રીત
સૌપ્રથમ એક વાસણમાં મેંદો, બેસન, મીઠું અને તેલ નાખીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ થોડું-થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. લોટને ઢાંકીને 15થી 20 મિનિટ માટે બાજુ પર રાખો.
હવે ભાખરવડીનું સ્ટફિંગ તૈયાર કરવા માટે ધાણા, જીરું, વરિયાળી, તલ અને ખસખસને હળવા શેકી લો. ઠંડા થયા પછી તેને દરદરું પીસી લો. તેમાં લાલ મરચું, ધાણા-જીરું પાવડર, હળદર, ખાંડ, આમચૂર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરો.
હવે બાંધેલા લોટની મોટી રોટલી વણી લો. તેના પર તૈયાર કરેલું મસાલાનું મિશ્રણ સરખી રીતે ફેલાવો. રોટલીને ધીમે-ધીમે ચુસ્ત રીતે રોલ કરો અને બંને બાજુના છેડા બંધ કરી દો. ત્યારબાદ રોલને નાના ટુકડામાં કાપીને હળવા હાથે દબાવો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ વધારે ગરમ ન થાય તેનું ધ્યાન રાખીને ભાખરવડીને ધીમા તાપે તળો. ભાખરવડી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે બહાર કાઢીને ઠંડી થવા દો; તૈયાર છે ક્રિસ્પી ભાખરવડી
ભાખરવડી ક્રિસ્પી બનાવવા માટેની ટિપ્સ
- લોટ બાંધતી વખતે પાણી ઓછું નાખો અને લોટ કઠણ રાખો.
- મસાલાને વધારે બારીક પીસવાને બદલે દરદરા રાખો.
- ભાખરવડીને ધીમા તાપે તળો, જેથી અંદર સુધી સારી રીતે શેકાય.
- સંપૂર્ણ ઠંડી થયા પછી જ એરટાઇટ ડબ્બામાં ભરીને રાખો.
