Crispy Gujarati Cholafali: ચણાના લોટ અને અડદના લોટથી બનાવો સાતમ માટે સ્વાદિષ્ટ ગુજરાતી ચોળાફળી

શીતળા સાતમ માટે રાંધણછઠના દિવસે ઘરે ક્રિસ્પી અને ફૂલેલી ચોળાફળી બનાવવાની સરળ રીત જાણો. ચણાના લોટ અને અડદના લોટથી બનતી આ ગુજરાતી ફરસાણ રેસીપી બનાવો અને સ્ટોર કરીને સાતમના દિવસે માણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 01 Sep 2026 07:52 AM (IST)Updated: Tue, 01 Sep 2026 07:52 AM (IST)
crispy-cholafali-recipe-for-shitala-satam-2026

Crispy Cholafali Recipe: ગુજરાતમાં શીતળા સાતમના તહેવાર સાથે રાંધણછઠની પરંપરા જોડાયેલી છે. રાંધણછઠના દિવસે સાતમના દિવસે ખાવા માટે વિવિધ વાનગીઓ અને ફરસાણ બનાવીને રાખવામાં આવે છે. આ પ્રસંગે ઘરે બનાવેલી કરકરી અને સ્વાદિષ્ટ ચોળાફળી પણ એક સરસ વિકલ્પ છે. જો તમે પણ આ વખતે રાંધણછઠે ચોળાફળી બનાવવાનું વિચારી રહ્યા છો, તો ચણાના લોટ અને અડદના લોટથી આ સરળ રેસીપી અજમાવી શકો છો. યોગ્ય રીતે તળવાથી ચોળાફળી એકદમ ક્રિસ્પી અને ફૂલેલી બને છે.

ચોળાફળી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ચણાનો લોટ (બેસન)
  • ¼ કપ અડદનો લોટ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી સંચળ અથવા સ્વાદ મુજબ મીઠું
  • 1 ચપટી હિંગ
  • 1 થી 2 ચમચી તેલ (મોણ માટે)
  • પાણી – જરૂર મુજબ
  • તળવા માટે તેલ
  • ચોળાફળી માટે મસાલો
  • સંચળ – સ્વાદ મુજબ
  • લાલ મરચું પાવડર – સ્વાદ મુજબ

ચોળાફળી બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ અને અડદનો લોટ લો. તેમાં હળદર, હિંગ, સંચળ અથવા મીઠું અને મોણ માટે 1 થી 2 ચમચી તેલ ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

હવે તેમાં જરૂર મુજબ થોડું-થોડું પાણી ઉમેરીને પૂરીના લોટ જેવો કઠણ લોટ બાંધી લો. લોટને થોડો સમય સારી રીતે મસળી લો, જેથી તે એકરસ અને સ્મૂથ બને.

ત્યારબાદ લોટના નાના-નાના ગોળા બનાવી લો. દરેક ગોળાને પાટલી પર પૂરી કે પાતળી રોટલીની જેમ વણી લો. હવે તેને લાંબી અથવા ચોરસ પટ્ટીઓમાં કાપી લો.

ચોળાફળીની પટ્ટીઓને થોડીવાર હવામાં સૂકાવા દો. આ દરમિયાન એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ મૂકો.

તેલ મધ્યમ ગરમ થાય એટલે ચોળાફળીની પટ્ટીઓ તેમાં નાખો. મધ્યમ તાપ પર તેને તળો, જેથી ચોળાફળી અંદરથી પણ સારી રીતે ફૂલે અને બહારથી એકદમ ક્રિસ્પી બને.

ચોળાફળી હળવી ગોલ્ડન અને કરકરી થઈ જાય એટલે તેને બહાર કાઢી લો. વધારાનું તેલ નીતરી જાય પછી તેના પર સંચળ અને લાલ મરચું પાવડર છાંટો.

ચોળાફળી ક્રિસ્પી બનાવવા માટેની ટિપ્સ

  • લોટ બહુ નરમ ન બાંધવો, નહીં તો ચોળાફળી યોગ્ય રીતે ક્રિસ્પી નહીં બને.
  • લોટને સારી રીતે મસળવો, જેથી ચોળાફળી સરસ ફૂલે.
  • પટ્ટીઓ બહુ જાડી ન રાખવી.
  • તેલ ખૂબ ગરમ હશે તો ચોળાફળી ઝડપથી બ્રાઉન થઈ શકે છે, તેથી મધ્યમ તાપ રાખવો.
  • ચોળાફળી સંપૂર્ણ ઠંડી થયા બાદ જ એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરવી.