Chocolate Barfi: ઘરે બનાવો મોઢામાં ઓગળી જાય એવી ચોકલેટ બરફી, રીત છે એકદમ સરળ!

ચોકલેટ બરફી બનાવવાની સરળ રેસિપી જાણો. માત્ર થોડા જ સામગ્રીથી ઘરે સ્વાદિષ્ટ અને પરફેક્ટ Chocolate Barfi તૈયાર કરવાની રીત અહીં જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 26 Sep 2026 12:46 PM (IST)Updated: Sat, 26 Sep 2026 12:46 PM (IST)
chocolate-barfi-recipe-in-gujarati-easy-sweet-recipe

Chocolate Barfi Recipe: ચોકલેટ ખાવાનું કોને ન ગમે? જો ચોકલેટના સ્વાદ સાથે મીઠાઈ ખાવાની ઈચ્છા હોય તો તમે ઘરે જ ટેસ્ટી ચોકલેટ બરફી બનાવી શકો છો. આ બરફી બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી અને તેની સામગ્રી પણ સરળતાથી મળી જાય છે. તહેવાર હોય કે ઘરે મહેમાનો આવ્યા હોય, આ ચોકલેટ બરફી સૌને પસંદ આવશે.

ચોકલેટ બરફી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ મિલ્ક પાઉડર
  • ½ કપ દૂધ
  • ½ કપ ખાંડ
  • 2 ચમચી કોકો પાઉડર
  • 2 ચમચી ઘી
  • ½ ચમચી એલચી પાઉડર
  • 2 ચમચી ઝીણા સમારેલા કાજુ-બદામ
  • ગાર્નિશ માટે થોડા બદામની કતરણ

ચોકલેટ બરફી બનાવવાની રીત

સૌથી પહેલાં એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં દૂધ અને ખાંડ ઉમેરીને ધીમા તાપે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.

હવે તેમાં ધીમે ધીમે મિલ્ક પાઉડર ઉમેરો અને સતત હલાવતા રહો, જેથી તેમાં ગઠ્ઠા ન પડે. મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં કોકો પાઉડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

ત્યારબાદ એલચી પાઉડર અને ઝીણા સમારેલા કાજુ-બદામ ઉમેરીને મિશ્રણને સતત હલાવો. જ્યારે મિશ્રણ કડાઈની કિનારી છોડીને એકસાથે થવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.

હવે એક થાળીમાં ઘી લગાવીને તૈયાર મિશ્રણ પાથરી દો. ઉપરથી બદામની કતરણ નાખીને હળવા હાથે દબાવી દો. તેને થોડા સમય માટે ઠંડુ થવા દો. બરફી સેટ થઈ જાય પછી મનપસંદ આકારમાં કાપી લો.

ટિપ્સ

બરફીનું મિશ્રણ વધારે સમય સુધી ગેસ પર ન રાખવું, નહીં તો બરફી કઠણ થઈ શકે છે. ધીમા તાપે મિશ્રણ તૈયાર કરવાથી બરફી સોફ્ટ અને ટેસ્ટી બનશે.