Asian Games 2026: ભારતીય એથ્લેટિક્સ જગત માટે સોમવારનો દિવસ એક ગોલ્ડન અક્ષરે લખાવા જેવો સાબિત થયો છે. દેશની જાણીતી એથ્લીટ વિત્યા રામરાજે એશિયન ગેમ્સ 2026માં કમાલ કરતા ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડ ઇતિહાસના સૌથી મોટા રેકોર્ડ્સમાંથી એકને ધ્વસ્ત કરી દીધો છે. વિત્યાએ મહિલાઓની 400 મીટર હર્ડલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે, સાથે જ ભારતીય રમતના દિગ્ગજ ખેલાડી પીટી ઉષાનો ચાર દાયકા જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
પીટી ઉષાનો 42 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
28 વર્ષીય વિત્યા રામરાજે આ રેસ માત્ર 54.75 સેકન્ડમાં પૂરી કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ તેણે પોતાનું પર્સનલ બેસ્ટ પ્રદર્શન આપીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ફ્લાઇંગ ક્વીન તરીકે જાણીતા મહાન એથ્લીટ પીટી ઉષાએ 1984ના લોસ એન્જલસ ઓલમ્પિકમાં 55.42 સેકન્ડમાં આ રેસ પૂરી કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, જે અજેય બનીને પૂરા ૪૨ વર્ષ સુધી કાયમ રહ્યો હતો.
અગાઉ વર્ષ 2023ની એશિયન ગેમ્સમાં પણ વિત્યાએ 55.42 સેકન્ડનો સમય કાઢીને પીટી ઉષાના આ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી, પરંતુ આ વખતે તેણે 4 દશકા જૂન રેકોર્ડને તોડીને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
વિત્યા રામરાજનું શાનદાર પ્રદર્શન અને બીજું મેડલ
આ વર્તમાન એશિયન ગેમ્સમાં વિત્યા રામરાજનું આ બીજું મેડલ છે. આ અગાઉ તેણે મિશ્રિત 4x100 મીટર રિલે (Mixed 4x100m Relay) રેસમાં શાનદાર રમત દાખવીને સિલ્વર મેડલ જીત્યો હતો. વિત્યા અગાઉની એશિયન ગેમ્સમાં પણ 400 મીટર હર્ડલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે, જે સાબિત કરે છે કે આ ઇવેન્ટમાં તેનું પ્રભુત્વ સતત જળવાઈ રહ્યું છે.
કોણે જીત્યો ગોલ્ડ અને સિલ્વર?
મહિલાઓની આ રોમાંચક 400 મીટર હર્ડલ સ્પર્ધામાં યુએઈ (UAE)ની મરિયમ કરીમે 54.31 સેકન્ડમાં રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો અને સાથે જ નવો ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો હતો. જ્યારે કઝાકિસ્તાનની એડેલીના જેમ્સ 54.58 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી. આ ઉપરાંત, આ જ રેસમાં ભારતની અન્ય એક ખેલાડી અનુ રાઘવને 55.88 સેકન્ડમાં રેસ પૂરી કરીને પાંચમું સ્થાન મેળવ્યું હતું, જેનાથી ભારતની ઉપસ્થિતિ આ સ્પર્ધામાં વધુ મજબૂત બની હતી.
