Banking Tips: આજના ડિજિટલ યુગમાં બેંક અકાઉન્ટ સાથે સાચો મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ જરૂરી બની ગયો છે. બેંકમાંથી પૈસા ઉપાડવા કે જમા કરવા પર આવતા SMS એલર્ટ, કોઈને ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે જરૂરી OTP (વન-ટાઈમ પાસવર્ડ), UPI વેરિફિકેશન અને અન્ય તમામ બેન્કિંગ અપડેટ્સ સીધા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જ આવે છે.
જો તમારો જૂનો નંબર બંધ થઈ ગયો હોય, ખોવાઈ ગયો હોય અથવા તમે કોઈ નવો નંબર લીધો હોય, તો સુરક્ષા અને સુવિધા માટે તેને તાત્કાલિક બેંક રેકોર્ડમાં અપડેટ કરાવવો અનિવાર્ય છે.
નંબર અપડેટ ન હોય તો કઈ સમસ્યાઓ થઈ શકે?
ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી: જો નંબર લિંક ન હોય તો UPI (Google Pay, PhonePe, Paytm વગેરે) કે Net Banking દ્વારા પેમેન્ટ કરતી વખતે આવતો OTP નહીં મળે, જેનાથી લેણ-દેણ અટકી શકે છે.
ફ્રોડનું જોખમ: જો જૂનો નંબર ચાલુ રહી ગયો હોય અને તે બીજા કોઈના હાથમાં જતા તે જ નંબર પર કોઈ અન્ય યુઝર UPI આઈડી બનાવી લે, તો તમને આર્થિક નુકસાન થઈ શકે છે.
એલર્ટ ન મળવા: ખાતામાં થતી લેવડ-દેવડની માહિતી સમયસર ન મળવાથી ફ્રોડ અથવા અનધિકૃત વ્યવહારો પકડાતા નથી.
ઘર બેઠા મોબાઈલ નંબર બદલવાની રીતો
ઘણા બધા અગ્રણી બેંકો ગ્રાહકોને ઓનલાઈન માધ્યમથી જ નંબર બદલવાની સુવિધા આપે છે. તમે નીચે મુજબના બે મુખ્ય રસ્તાઓ અપનાવી શકો છો-
- નેટ બેંકિંગ (Net Banking) દ્વારા નંબર અપડેટ કરો
- જો તમારી પાસે બેંકની ઈન્ટરનેટ બેંકિંગ સુવિધા ચાલુ છે, તો આ સૌથી સહેલો રસ્તો છે-
- સૌથી પહેલા તમારા બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અને તમારા યુઝરનેમ તથા પાસવર્ડ નાખીને Net Bankingમાં લોગિન કરો.
- લોગિન કર્યા પછી મેનૂમાં Profile, Personal Details અથવા Contact Information નામના વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યાં તમને તમારો હાલનો મોબાઈલ નંબર અને તેની નીચે જ Change Mobile Number અથવા Update Mobile Numberનો વિકલ્પ દેખાશે.
- નવો મોબાઈલ નંબર દાખલ કરો અને આગળ વધો.
- બેંક દ્વારા તમારી ઓળખ ચકાસવા માટે જૂના નંબર પર OTP, ડેબિટ કાર્ડ (ATM) ની ડિટેલ્સ અથવા પાસવર્ડ જેવી માહિતી માગવામાં આવી શકે છે. વેરિફિકેશન પૂરું થતાં જ તમારો નંબર અપડેટ થઈ જશે.
મોબાઈલ બેંકિંગ એપ (Mobile Banking App) દ્વારા
- આજના સમયમાં લગભગ તમામ બેંકોની પોતાની મોબાઈલ એપ્સ (જેમ કે YONO, iMobile, BHIM વગેરે) ઉપલબ્ધ છે.
- તમારા બેંકના મોબાઈલ એપમાં લોગિન કરો.
- હોમ સ્ક્રીન પર અથવા મેનૂમાં જઈને Profile, Settings અથવા Security Settings ઓપ્શન શોધો.
- ત્યાં Update Mobile Numberનું સેક્શન મળશે.
- નવો નંબર એન્ટર કરો અને સ્ક્રીન પર આવતી સૂચનાઓ (Instructions) મુજબ વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરો.
જો ઓનલાઈન ઓપ્શન ન મળે તો શું કરવું?
જો કોઈ બેંકની એપ કે વેબસાઈટ પર ડાયરેક્ટ નંબર બદલવાનો ઓપ્શન ન હોય, તો તમે ATM મશીન દ્વારા પણ આ પ્રક્રિયા કરી શકો છો. નજીકના એટીએમ મશીનમાં કાર્ડ નાખીને 'Registration' અથવા 'Mobile Number Update' ના વિકલ્પમાં જઈને સુરક્ષિત રીતે નવો નંબર રજિસ્ટર કરી શકાય છે.
