Rohit Sharma Virat Kohli 2027 World Cup: ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ બેટ્સમેનો રોહિત શર્મા અને વિરાટ કોહલી આગામી 2027 ના વન-ડે વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને અનિશ્ચિતતા વચ્ચે ભારતના પૂર્વ કોચ સંદીપ પાટિલે એક ચોંકાવનારું અને સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. પાટિલનું માનવું છે કે ભારતીય ટીમ પાસે હાલમાં એટલી મજબૂત 'બેન્ચ સ્ટ્રેન્થ' ઉપલબ્ધ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી વર્લ્ડ કપ ટીમમાં સામેલ હોય કે ન હોય, તેનાથી ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર કોઈ ખાસ અસર પડશે નહીં.
"તેઓ રમે કે ન રમે, કોઈ ફરક નહીં પડે": સંદીપ પાટિલ
'સ્પોર્ટ્સનેક્સ્ટ' (SportsNext) સાથેની ખાસ વાતચીતમાં પૂર્વ મુખ્ય પસંદગીકાર અને કોચ સંદીપ પાટિલે જણાવ્યું હતું કે, "તેઓ આગળ રમવાનું ચાલુ રાખવા માંગે છે કે નહીં તે સંપૂર્ણપણે રોહિત અને વિરાટનો અંગત નિર્ણય છે. શું તેઓ 2027 સુધી પોતાની ફિટનેસ જાળવી શકશે? તે જોવું પડે. આ ઉપરાંત, પસંદગીકારો તેમના વિશે શું યોજના બનાવી રહ્યા છે અને જો તેઓ ટીમ છોડે તો તેમની જગ્યા લેવા કયા યુવા ખેલાડીઓ તૈયાર છે, તે પણ વિચારવું પડશે."
તેમણે ઉમેર્યું હતું કે, "ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં જે પ્રકારની પ્રતિભા અને યુવા ખેલાડીઓનું માળખું છે, તેને જોતાં મને નથી લાગતું કે રોહિત અને વિરાટની હાજરી કે ગેરહાજરીથી ટીમ પર કોઈ મોટો ફરક પડશે."
દિગ્ગજ ખેલાડીઓ તરીકે આપ્યું સન્માન
જોકે, પોતાની વાતને સ્પષ્ટ કરતાં પાટિલે બંને ખેલાડીઓના યોગદાનની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે, "આ બંને રમતવીરોએ ઘણા વર્ષો સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી છે અને ઇતિહાસમાં તેમની ગણના મહાન ખેલાડીઓમાં થશે. રોહિત શર્મા વ્હાઇટ-બોલ ક્રિકેટનો અદ્ભુત ખેલાડી રહ્યો છે, જ્યારે વિરાટ કોહલીની ક્ષમતા અને રેકોર્ડ વર્ણવવા માટે શબ્દો પણ ઓછા પડે છે."
વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં એક્શનમાં જોવા મળશે
નોંધનીય છે કે, 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચોની વન-ડે શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતા જોવા મળશે. ૨૦૨૭ ના વર્લ્ડ કપ પહેલા પોતાની ફિટનેસ અને ફોર્મ સાબિત કરવા માટે આ બંને દિગ્ગજો માટે આ શ્રેણી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
