Nishad Kumar Gold Medal Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સ 2026ના બીજા દિવસે ભારતના સ્ટાર પેરા-એથ્લેટ અને બે વખત પેરાલિમ્પિક્સ મેડલ વિજેતા નિશાદ કુમારે પુરુષોની હાઈ જમ્પ T47 સ્પર્ધામાં નવો ગેમ્સ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. જાપાનના મિઝુહો એથ્લેટિક સ્ટેડિયમ ખાતે રમાયેલી આ ઈવેન્ટમાં હિમાચલ પ્રદેશના આ એથ્લેટે 2.04 મીટરની ઊંચાઈ કૂદીને ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક હાસિલ કર્યો હતો. આ સાથે જ તેણે માત્ર 24 કલાકમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીતીને એક દુર્લભ સિદ્ધિ પોતાના નામે કરી છે.
2.04 મીટરનો નવો એશિયન પેરા ગેમ્સ રેકોર્ડ સ્થાપ્યો
સ્પર્ધા દરમિયાન નિશાદ કુમારે શરૂઆતથી જ ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખ્યું હતું. તેણે પ્રથમ પ્રયાસોમાં જ 1.88 મીટર, 1.94 મીટર અને 1.98 મીટરની ઊંચાઈ સહેલાઈથી પાર કરી લીધી હતી. ત્યારબાદ 2.02 મીટરનો કૂદકો લગાવીને તેણે ગોલ્ડ મેડલ પાકો કરી લીધો હતો.
ગોલ્ડ મેડલ નિશ્ચિત થયા બાદ નિશાદે બારને 2.04 મીટર સુધી વધાર્યો હતો અને પ્રથમ પ્રયાસમાં જ આ ઊંચાઈ સફળતાપૂર્વક પાર કરીને એશિયન પેરા ગેમ્સનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ત્યારબાદ તેણે 2.06 મીટરની ઊંચાઈ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમાં સફળતા મળી ન હતી.
24 કલાકમાં બે ગોલ્ડ મેડલ: લોંગ જમ્પ બાદ હાઈ જમ્પમાં પણ ગોલ્ડ
નિશાદ કુમાર માટે આ 24 કલાક અત્યંત યાદગાર અને ઐતિહાસિક રહ્યા છે. હાઈ જમ્પમાં સવર્ણ ચંદ્રક જીત્યાના એક દિવસ પહેલા જ (સોમવારે) તેણે પુરુષોની લોંગ જમ્પ T47 સ્પર્ધામાં 7.11 મીટરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ કૂદકો લગાવીને પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ, તેણે એશિયન પેરા ગેમ્સમાં લોંગ જમ્પ અને હાઈ જમ્પ બંનેમાં ગોલ્ડ મેડલ જીતીને ડબલ ધમાકા સાથે નવો ઈતિહાસ રચ્યો છે.
ઉઝબેકિસ્તાનને સિલ્વર અને થાઈલેન્ડને બ્રોન્ઝ મેડલ
આ સ્પર્ધામાં ઉઝબેકિસ્તાનના મુહમ્મદઅબ્દુલ્લાહ તુરસુનજોનોવે 1.94 મીટરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ કૂદકો લગાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે થાઈલેન્ડના આંગકર્ન ચનાબૂને 1.75 મીટરની ઊંચાઈ સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
પેરાલિમ્પિક્સથી એશિયન ગેમ્સ સુધી સુવર્ણ સફર
ટોક્યો 2020 અને પેરિસ 2024 પેરાલિમ્પિક ગેમ્સમાં હાઈ જમ્પ T47 કેટેગરીમાં સિલ્વર મેડલ જીતી ચૂકેલા નિશાદ કુમારે આ ડબલ ગોલ્ડ જીતીને વિશ્વના સૌથી સફળ અને શાનદાર પેરા-એથ્લેટ્સમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય એથ્લેટિક્સ ટીમે પણ આ ઈવેન્ટમાં પોતાનું આક્રમક પ્રદર્શન જાળવી રાખ્યું છે.
