U-18 Hockey Asia Cup 2026 પર ભારતનો કબજો, ફાઇનલમાં જાપાનને 4-1 થી કચડીને જીત્યો ગોલ્ડ મેડલ

ભારતીય અંડર-18 પુરૂષોની હોકી ટીમે યજમાન જાપાનને 4-1થી હરાવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 07 Jun 2026 12:42 PM (IST)Updated: Sun, 07 Jun 2026 12:42 PM (IST)
india-wins-under-18-mens-hockey-asia-cup-2026-beat-japan-by-4-goal

India won U-18 Hockey Asia Cup 2026: જાપાનના કાકામીગાહારામાં રમાયેલા અંડર-18 એશિયા કપ 2026 ફાઇનલમાં ભારતીય મેન્સ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. યજમાન જાપાનને 4-1 થી હરાવીને ભારતે ટાઇટલ અને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. આ રોમાંચક ફાઇનલ મેચમાં આશિષ પૂર્તિએ હેટ્રિક ફટકારીને ભારતીય ટીમને એક તરફી જીત અપાવી હતી.

આશિષની હેટ્રિક, ભારતનું આક્રમક પ્રદર્શન

ભારતીય ટીમે ફાઈનલ મેચની શરૂઆતથી જ જાપાન પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું, અને પ્રથમ 90 સેકન્ડમાં જ પેનલ્ટી કોર્નર મેળવી લીધો હતો. મેચની બીજી જ મિનિટે આશિષ તાની પૂર્તિએ ગોલ કરીને ભારતને પ્રારંભિક સરસાઈ અપાવી, જેના કારણે પ્રથમ ક્વાર્ટરના અંતે ભારત 1-0 થી આગળ હતું.

બીજા ક્વાર્ટરમાં જાપાને વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ડિફેન્સ મક્કમ રહ્યું હતું. ત્યારબાદ 28મી મિનિટે આશિષે પેનલ્ટી કોર્નર પર બીજો ગોલ કર્યો અને તેની બરાબર બે મિનિટ પછી 30મી મિનિટે કેપ્ટન કેતન કુશવાહાએ ગોલ ફટકારીને હાફ ટાઇમ સુધીમાં ભારતને 3-0 ની મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું.

હાફ ટાઇમ સુધીમાં જ 3 ગોલ ફટકાર્યા

ત્રીજા ક્વાર્ટરમાં પણ ભારતનું આક્રમણ યથાવત રહ્યું અને 34 મી મિનિટે આશિષ તાની પૂર્તિએ શાનદાર ફિનિશિંગ સાથે પોતાની હેટ્રિક પૂરી કરીને સ્કોર 4-0 કરી દીધો હતો. મેચના અંતિમ ક્વાર્ટરમાં (52મી મિનિટે) જાપાનના નુમાદા ગાકુએ એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. આશિષ તાની પૂર્તિને મેચ વિનિંગ પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: "મેં મારું બધું જ દાવ પર લગાવી દીધું" - વૈભવ સૂર્યવંશીના પિતાએ જણાવ્યો સફળતા પાછળનો સંઘર્ષ

ભારતીય ખેલાડીઓ પર પૈસાનો વરસાદ

ભારતીય ટીમની આ ઐતિહાસિક અને શાનદાર જીત બાદ હોકી ઈન્ડિયાએ ઇનામોની વર્ષા કરી છે. હોકી ઈન્ડિયાએ ગોલ્ડ મેડલ જીતનારી અંડર-18 મેન્સ ટીમની જાહેરાત કરતા જણાવ્યું છે કે, ટીમના દરેક ખેલાડીને 3 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1.5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

આ ઉપરાંત, હોકી ઈન્ડિયાએ બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય અંડર-18 વિમેન્સ હોકી ટીમને પણ પ્રોત્સાહિત કરી છે. જેમાં દરેક મહિલા ખેલાડીને 1 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 50,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.