TIME 100 Next India: વિશ્વ પ્રસિદ્ધ 'TIME' મેગેઝિન દ્વારા ભારતમાં પ્રથમ વખત 'TIME100 નેક્સ્ટ ઈન્ડિયા' (TIME100 Next India) યાદી જાહેર કરવામાં આવી છે. આ વિશેષ યાદીમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને દેશનું ભવિષ્ય ઘડનારા 100 અસાધારણ નેતાઓ અને ઉભરતા વ્યક્તિત્વોને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ભારતીય રમતગમત જગતના 9 દિગ્ગજ અને ઉભરતા સિતારાઓએ પોતાનું સ્થાન નિશ્ચિત કરીને દેશનું નામ રોશન કર્યું છે.
આ યાદીમાં ક્રિકેટના યુવા સનસની વૈભવ સૂર્યવંશી, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌર, ઓલિમ્પિક મેડલિસ્ટ લવલીના બોરગોહેન અને મીરાબાઈ ચાનુ, વર્લ્ડ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી. ગુકેશ, 400 મીટર હર્ડલ્સમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવતી વિથ્યા રામરાજ, એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ તીરંદાજ કુમકુમ મોહોદ, મહિલા હોકી ટીમની ગોલકીપર સવિતા પુનિયા અને પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો સમાવેશ થાય છે.
કયા ખેલાડીને કઈ શ્રેણીમાં મળ્યું સ્થાન?
TIME દ્વારા આ યાદીને અલગ-અલગ શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે, જેમાં ભારતીય રમતવીરોને સ્થાન મળ્યું છે:
- ઈનોવેટર્સ (Innovators): વૈભવ સૂર્યવંશી, મીરાબાઈ ચાનુ અને કુમકુમ મોહોદ
- ફેનોમ્સ (Phenoms - અસાધારણ પ્રતિભાશાળી): લવલીના બોરગોહેન, ડી. ગુકેશ અને વિથ્યા રામરાજ
- લીડર્સ (Leaders): સવિતા પુનિયા
- એડવોકેટ્સ : સાનિયા મિર્ઝા અને હરમનપ્રીત કૌર
તમામ 9 રમતવીરોની સિદ્ધિઓ પર એક નજર
વૈભવ સૂર્યવંશી (15 વર્ષ - ક્રિકેટ)
- માત્ર 15 વર્ષની નાની વયે વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટ જગતમાં અનેક મોટા વિક્રમો પોતાના નામે કર્યા છે.
- સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના રાજ્ય બિહારની કેપ્ટનશીપ સંભાળતાની સાથે જ તે ટોચના સ્તરના પુરુષ T20 ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન બન્યો હતો.
- જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે T20I ડેબ્યૂ કરીને તે ભારતનો સૌથી ઓછી ઉંમરનો પુરુષ આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યો.
- 2025માં માત્ર 14 વર્ષની ઉંમરે રાજસ્થાન રોયલ્સ તરફથી IPL ડેબ્યૂ કરીને તે ટૂર્નામેન્ટના ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી બન્યો હતો.
- IPL 2025માં ગુજરાત ટાઈટન્સ સામે સદી ફટકારીને તે પુરુષ T20 ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરે સદી નોંધાવનાર બેટર બન્યો, જ્યારે IPL 2026માં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી (ટોપ રન-સ્કોરર) રહ્યો હતો.
હરમનપ્રીત કૌર (37 વર્ષ - ક્રિકેટ)
- ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી હરમનપ્રીત કૌર અનેક ઐતિહાસિક સિદ્ધિઓની સાક્ષી રહી છે.
- તે T20I ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે.
- 2023 અને 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરીને ટીમને બે વખત વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)નું ટાઈટલ અપાવ્યું.
- ફેબ્રુઆરીમાં ભારત તરફથી તમામ ફોર્મેટમાં પોતાની ૩૫૬મી મેચ રમીને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારી મહિલા ખેલાડી બની.
- નવેમ્બર 2025માં તેણે પોતાની કારકિર્દીની સૌથી મોટી સફળતા મેળવતા ભારતને પ્રથમ વખત વિમેન્સ વર્લ્ડ કપનું ટાઈટલ અપાવ્યું.
સવિતા પુનિયા (36 વર્ષ - હોકી)
- મહિલા હોકી ટીમની અનુભવી ગોલકીપર સવિતા પુનિયાએ પોતાની રમતથી દેશને ગૌરવ અપાવ્યું છે.
- તે ત્રણ વખત 'વર્લ્ડ ગોલકીપર ઓફ ધ યર' નો પુરસ્કાર જીતી ચૂકી છે.
- ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેલી ભારતીય ટીમનો તે મહત્વનો હિસ્સો હતી, તેમજ જાપાનમાં યોજાયેલી 2026 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમમાં પણ સામેલ રહી.
- સિનિયર મહિલા હોકી ટીમ તરફથી 321 મેચ રમીને તે ભારત માટે સૌથી વધુ મેચ રમનારી મહિલા હોકી ખેલાડી બની છે.
સવિતા પુનિયાનું નિવેદન
આ મારા માટે અત્યંત મોટા સન્માનની વાત છે. હું પોતાને ભાગ્યશાળી અને નમ્ર અનુભવું છું કે મને એવા પ્રેરણાદાયી લોકો વચ્ચે સ્થાન મળ્યું છે, જેઓ અલગ-અલગ રીતે ભારતના ભવિષ્યને ઘડવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે."

મીરાબાઈ ચાનુ (32 વર્ષ - વેઈટલિફ્ટિંગ)
- સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે સતત મેડલ જીતી રહી છે.
- ટોક્યો ઓલિમ્પિકમાં તેણે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
- વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેના નામે એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ છે, જ્યારે કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો છે.
- આ વર્ષની શરૂઆતમાં જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં તેણે પોતાનો પ્રથમ એશિયન ગેમ્સ મેડલ (સિલ્વર મેડલ) હાંસલ કર્યો.
લવલીના બોરગોહેન (29 વર્ષ - બોક્સિંગ)
- અગ્રણી ભારતીય બોક્સર લવલીના બોરગોહેને ઓલિમ્પિકથી લઈને એશિયન ગેમ્સ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
- ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ તે 2023માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
- 2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ, આ વર્ષે આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં તેણે ગોલ્ડ મેડલ જીતીને શાનદાર વાપસી કરી.
ડી. ગુકેશ (20 વર્ષ - ચેસ)
- યુવા ચેસ ખેલાડી ડી. ગુકેશે નાની ઉંમરે વિશ્વ ચેસમાં પોતાની ધાક જમાવી છે.
- તે વર્તમાન વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે અને આ મહિનાના અંતમાં ઉઝબેકિસ્તાનના જાવોખિર સિંદારોવ સામે પોતાના ટાઈટલનો બચાવ કરવા ઉતરશે.
સાનિયા મિર્ઝા (40 વર્ષ - ટેનિસ)
- ભારતીય મહિલા ટેનિસમાં નવો અધ્યાય લખનાર સાનિયા મિર્ઝાની સિદ્ધિઓ અપ્રતિમ છે.
- તેણે કારકિર્દીમાં કુલ છ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે, જેમાં ત્રણ ડબલ્સ અને ત્રણ મિક્સ્ડ ડબલ્સ ખિતાબનો સમાવેશ થાય છે.
વિથ્યા રામરાજ (28 વર્ષ - એથ્લેટિક્સ)
- મહિલાઓની 400 મીટર હર્ડલ્સની ખેલાડી વિથ્યા રામરાજે દાયકાઓ જૂનો વિક્રમ તોડીને સૌને ચોંકાવી દીધા છે.
- સપ્ટેમ્બરમાં જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે તેણે દિગ્ગજ પી.ટી. ઉષાનો 42 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો.
મકુમ મોહોદ (તીરંદાજી)
- તીરંદાજી ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરનાર કુમકુમ મોહોદ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે અને દેશની ઉભરતી પ્રતિભાઓમાં સામેલ છે.
