IPL 2027, Yuvraj Singh joins DC: ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી અને ઓલરાઉન્ડર યુવરાજ સિંહને ઈન્ડિયન પ્રીમિયર લીગ - IPL 2027 માટે દિલ્હી કેપિટલ્સ (DC) દ્વારા આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક સાથે યુવરાજ સિંહની ક્રિકેટ કારકિર્દીમાં એક નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે. કારણ કે, આ તેમની પ્રથમ ઔપચારિક કોચિંગ ભૂમિકા હશે.
ખેલાડી તરીકે દિલ્હી સાથે જૂનો સંબંધ
44 વર્ષીય યુવરાજ સિંહે ભારત માટે 304 ODI, 40 ટેસ્ટ અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેઓ ભારતની બે સૌથી મોટી વિશ્વકપ વિજેતા ટીમ, 2007 ICC T20 વર્લ્ડ કપ અને 2011 ICC ક્રિકેટ વર્લ્ડ કપના મુખ્ય ખેલાડી રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં યુવરાજ સિંહે ભારતના અનેક સ્થાપિત અને યુવા ક્રિકેટરોને માર્ગદર્શન આપ્યું છે. હવે પોતાના અનુભવનો ઉપયોગ દિલ્હી કેપિટલ્સને આગામી IPL સિઝન માટે તૈયાર કરવામાં કરશે.
હવે યુવરાજ સિંહ ફરી એકવાર DC ફ્રેન્ચાઈઝી સાથે જોડાયા છે, જેના માટે તેઓ 12 વર્ષ પહેલા રમ્યા હતા. વર્ષ 2015 IPL હરાજીમાં, દિલ્હી ડેરડેવિલ્સ (જે તે સમયે દિલ્હી ફ્રેન્ચાઈઝીનું નામ હતું) દ્વારા યુવરાજ સિંહને રૂ. 16 કરોડની રેકોર્ડ કિંમતમાં ખરીદ્યા હતા. તે સમયે તેઓ IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી બન્યા અને તે સીઝનમાં ટીમ માટે તમામ 14 મેચમાં રમ્યા હતા.
હવે એક દાયકા કરતાં વધુ સમય પછી, તેઓ દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં વાપસી કરી રહ્યા છે. આ ઉપરાંત યુવરાજ સિંહની IPL કારકિર્દી પણ અત્યંત સફળ રહી હતી. જેમાં તેમણે 132 મેચ રમીને 2,750 રન બનાવ્યા અને ૩૬ વિકેટો ઝડપી હતી.
દાદા સાથે નવી સફર માટે ઉત્સાહિત
આ નિમણૂક અંગે વાત કરતા યુવરાજે જણાવ્યું હતું કે, મારી કારકિર્દીના આ નવા તબક્કાની શરૂઆત કરવા અને ટીમ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું દિલ્હી કેપિટલ્સ સાથે મારી જિંદગીનું નવું પ્રકરણ શરૂ કરવા માટે અત્યંત ઉત્સાહિત છું. આ ફ્રેન્ચાઈઝી સાથે મારો જૂનો સંબંધ છે અને હું માલિકોને સારી રીતે ઓળખું છું, જે મારા માટે આ તકને ખાસ બનાવે છે. આ સિવાય હું ફરી એકવાર સૌરવ ગાંગુલી સાથે, આ વખતે કોચ તરીકે કામ કરવા માટે આતુર છું.
યુવરાજ સિંહે વધુમાં ઉમેર્યું, "કોચિંગ એક એવો વિષય છે જેના પ્રત્યે મને ખરેખર ખૂબ લગાવ છે, અને હું આ પ્રતિભાશાળી સ્ક્વોડ સાથે કામ શરૂ કરવા માટે વધુ રાહ જોઈ શકતો નથી. મને ખાતરી છે કે આ મારા માટે રોમાંચક સફર બની રહેશે અને હું ટીમની સફળતામાં યોગદાન આપવા માટે આતુર છું." અહીં 'દાદા' નો સંદર્ભ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે છે, જેઓ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા છે.
પ્રથમ IPL ટાઈટલની જીત પર નજર
IPL 2027 નજીક આવી રહી છે ત્યારે DC ફ્રેન્ચાઈઝીને આશા છે કે યુવરાજ સિંહનું બહોળું જ્ઞાન, સ્પર્ધાત્મક ભાવના અને સર્વોચ્ચ સ્તરે રમવાનો અનુભવ દિલ્હી કેપિટલ્સને પોતાનું પ્રથમ IPL ટાઈટલ મેળવવાની દિશામાં ઘણો મદદરૂપ સાબિત થશે. તેમનો આ અનુભવ ટીમની આગામી પેઢીના ખેલાડીઓને માર્ગદર્શન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
