Vijay Hazare Trophy: ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ સ્તંભ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે અને હવે તેઓ માત્ર વન-ડે (ODI) ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તાજેતરમાં ચાલી રહેલી વિજય હજારે ટ્રોફી (VHT) 2025-26 માં બંને સ્ટાર્સ શરૂઆતી મેચોમાં જોવા મળ્યા હતા, પરંતુ ત્રીજા રાઉન્ડમાં તેમની ગેરહાજરીએ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
આજે 29 ડિસેમ્બર, સોમવારના રોજ રમાઈ રહેલા ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં દિલ્હી અને મુંબઈની ટીમો અનુક્રમે વિરાટ અને રોહિત વિના મેદાનમાં ઉતરી છે. દિલ્હીનો મુકાબલો અલુરના KSCA સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર સામે છે, જ્યારે મુંબઈની ટીમ જયપુરમાં છત્તીસગઢ સામે ટકરાઈ રહી છે. બંને સ્ટાર ખેલાડીઓ આ મહત્વપૂર્ણ મેચોમાંથી ગાયબ છે.
શાનદાર પ્રદર્શન છતાં કેમ લીધો બ્રેક?
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ દિલ્હી માટે રમેલી બે મેચોમાં દમદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આંધ્રપ્રદેશ સામે 131 રનની સદી અને ગુજરાત સામે 77 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ, રોહિત શર્માએ સિક્કિમ સામે 155 રન ફટકાર્યા હતા, જોકે ઉત્તરાખંડ સામે તે 'ગોલ્ડન ડક' પર આઉટ થયો હતો.
આ બંને ખેલાડીઓની ગેરહાજરી પાછળનું મુખ્ય કારણ તેમની 'મર્યાદિત પ્રતિબદ્ધતા' છે. અહેવાલો અનુસાર, રોહિત અને કોહલીએ ઘરેલુ ટુર્નામેન્ટમાં માત્ર મર્યાદિત સંખ્યામાં જ મેચો રમવા માટે સંમતિ આપી હતી. બંનેએ સ્ટેટ એસોસિએશને માત્ર 2 મેચ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે શરૂઆતી રાઉન્ડમાં રમીને પૂર્ણ કર્યું છે.
આગામી શ્રેણી પર ફોકસ
હવે બંને ખેલાડીઓનું મુખ્ય લક્ષ્ય આગામી આંતરરાષ્ટ્રીય શ્રેણી છે. ભારત 11 જાન્યુઆરીથી ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 3 મેચની વનડે શ્રેણી રમવા જઈ રહ્યું છે. આ શ્રેણીને ધ્યાનમાં રાખીને બંને વરિષ્ઠ ખેલાડીઓ પોતાની ફિટનેસ અને તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
શું કોહલી 6 જાન્યુઆરીએ રમશે?
ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર, ભલે બંને ખેલાડીઓએ તેમનો 2 મેચનો ક્વોટા પૂરો કરી લીધો હોય, પરંતુ વિરાટ કોહલી હજુ એક મેચ રમે તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે કોહલી 6 જાન્યુઆરીના રોજ રેલવે સામે દિલ્હી માટે મેદાનમાં ઉતરી શકે છે. બીજી તરફ, રોહિત શર્મા હવે વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ માટે રમે તેવી શક્યતા નહિવત છે.

