Who Is Jemimah Rodrigues, IND W vs AUS W: મહિલા વન-ડે વિશ્વ કપ 2025ની બીજી સેમિફાઇનલમાં જેમિમા રોડ્રિગ્સે એક એવી ઇનિંગ્સ રમી, જેણે માત્ર મેચનું જ નહીં, પણ દરેક ભારતીયનું દિલ જીતી લીધું. ક્યારેક ટીમમાં સૌની 'બેબી'તરીકે ઓળખાતી જેમિમા હવે મિડલ ઓર્ડરની તે કરોડરજ્જુ બની ગઈ છે, જેના ભરોસે ભારતે વિશ્વ ક્રિકેટની પોતાની સૌથી મોટી જીત મેળવી છે.
આંસુમાં છલકાતી ઐતિહાસિક જીત
2025 મહિલા વન-ડે વિશ્વ કપની સેમિફાઇનલમાં ભારત મુશ્કેલ પરિસ્થિતિમાં હતું. જોકે 25 વર્ષની જેમિમા રોડ્રિગ્સ જ્યારે ક્રીઝ પર આવી, ત્યારે બધું બદલાઈ ગયું. તેમણે ધૈર્ય અને ક્લાસ સાથે 127 રનની શાનદાર અણનમ ઇનિંગ્સ રમી, જેના કારણે ભારત ત્રીજી વખત મહિલા વન-ડે વિશ્વ કપના ફાઇનલમાં પહોંચી ગયું. આ પહેલા ભારતીય ટીમ 2005 અને 2017માં ફાઇનલમાં પહોંચી હતી. હવે 2 નવેમ્બરે ફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે, જ્યાં મહિલા ક્રિકેટને એક નવો વિશ્વ ચેમ્પિયન મળશે.
મેચ સમાપ્ત થયા બાદ જેમિમાના ચહેરા પર આંસુ હતા, જે હાર કે થાકનાં નહીં, પરંતુ વર્ષોની મહેનત, સંઘર્ષ અને વિશ્વાસના પ્રતીક હતા. જ્યારે તેને ડ્રોપ કરવામાં આવી હતી, ત્યારે તે માનસિક રીતે હારી ગઈ હતી. આ વિશ્વ કપ દરમિયાન પણ તે લગભગ દરરોજ રડતી હતી.
'બેબી' માંથી મિડલ ઓર્ડરની સ્ટાર
5 સપ્ટેમ્બર 2000ના રોજ મુંબઈમાં જન્મેલી જેમિમાએ ફેબ્રુઆરી 2018માં માત્ર 17 વર્ષની ઉંમરે ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. શરૂઆતના દિવસોમાં તે ટીમમાં સૌથી નાની હોવાથી બધા તેને પ્રેમથી 'બેબી' કહીને બોલાવતા હતા. સફર સરળ નહોતો. તેને ટીમમાંથી બહાર પણ કરવામાં આવી અને ટીકાઓ પણ સહન કરવી પડી. જોકે જેમિમાએ ક્યારેય હાર ન માની. 2023 મહિલા ટી20 વિશ્વ કપ પછી તેને ટીમમાંથી બહાર કરાઈ હતી, જે તેમના માટે પડકારરૂપ ક્ષણ હતી. જોકે 2024માં તેણે ફરી એકવાર વાપસી કરી અને હવે તે ટીમનો મહત્ત્વનો ભાગ છે.
વિદેશી લીગે ઘણું શીખવાડ્યું
જેમિમાના કરિયરનો એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે ઇંગ્લેન્ડની કિઆ સુપર લીગમાં રમવાનું શરૂ કર્યું. આ વિદેશી ટી20 લીગમાં તેનો પહેલો અનુભવ હતો. તે માત્ર 18 વર્ષની હતી અને પહેલીવાર એકલા વિદેશમાં રહી હતી, જ્યાં તેમણે કપડાં ધોવા, રસોઈ બનાવવી અને મુસાફરીનો ખર્ચ પોતે જ મેનેજ કરવો પડતો હતો. જેમિમા માને છે કે આ અનુભવે તેને વધુ સ્વતંત્ર બનાવી અને એક વ્યક્તિ તરીકે ઘણું બદલી દીધું.
મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતી વખતે તેને ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ કેપ્ટન મેગ લેનિંગ સાથે રમવાનો મોકો મળ્યો. જેમિમા કહે છે કે તેણે મેગ લેનિંગ પાસેથી પ્રેશરમાં શાંત કેવી રીતે રહેવું તે શીખ્યું. લેનિંગની આ સાદગી અને સંયમ હવે જેમિમાના રમતનો હિસ્સો બની ગયો છે.
પરિવાર ખરાબ સમયમાં સાથે ઉભો રહ્યો
જેમિમાની માતા લવિતા અને પિતા ઇવાન રોડ્રિગ્સ હંમેશા તેમની સાથે ઊભા રહ્યા છે. જ્યારે તે ખરાબ ફોર્મમાં હતી, ત્યારે તેમના માતા-પિતાએ ક્યારેય આશા છોડી ન હતી અને હંમેશા કહ્યું હતું કે તારામાં કંઈક ખાસ છે. કોચ પ્રશાંત શેટ્ટીની મદદથી પણ જેમિમા દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં સફળ રહી છે. જેમિમાની રમવાની શૈલી મહાન બેટ્સમેન મિતાલી રાજ સાથે થોડી મળતી આવે છે. જેમિમાના આદર્શ ખેલાડી વિરાટ કોહલી છે, જે તેમની જેમ ટાઇમિંગ પર ધ્યાન આપે છે.
આંતરરાષ્ટ્રીય કારકિર્દી
- જેમિમાએ અત્યાર સુધી ભારત માટે 3 ટેસ્ટ, 58 વન-ડે અને 112 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. 3 મેચમાં 58.75ની સરેરાશથી 235 રન (2 અડધી સદી).
- 58 મેચમાં 35.20ની સરેરાશથી 1725 રન (3 સદી અને 8 અડધી સદી). ઓસ્ટ્રેલિયા સામેની હાલની 127 રનની અણનમ ઇનિંગ્સ
- તેની સર્વશ્રેષ્ઠ વન-ડે ઇનિંગ્સ છે. 112 મેચમાં 30.06ની સરેરાશ અને 116.47ના સ્ટ્રાઇક રેટથી 2375 રન (13 અડધી સદી).
