Who Is Ashwani Kumar, IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે એક નવો સિતારો ચમક્યો છે, જેનું નામ છે અશ્વની કુમાર. 2026 ની IPL ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમાવા જ ઉતરેલા અશ્વીની કુમારે મુંબઈની ટીમમાં બધાના દિલ જીતી લીધા છે. 24 રન આપી 4 વિકેટ ઝડપીને બધાને ચોકાવી દીધા છે. બધાના મનમાં પ્રશ્ન થાય કે આ અશ્વની કુમાર કોણ છે? આવો તેના વિશે જાણીએ.
અશ્વની કુમાર વિશે જાણો
પંજાબના મોહાલી જિલ્લાના ઝંઝેરી ગામના રહેવાસી આ 24 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલરે પોતાની ઘાતક બોલિંગથી વિરોધી ટીમોની ઊંઘ ઉડાવી દીધી છે. ગુજરાત ટાઇટન્સ સામેના મુકાબલામાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતરેલા અશ્વનીએ તરખાટ મચાવતા માત્ર 4 ઓવરમાં 24 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી, જેના કારણે મુંબઈએ 99 રનથી મોટી જીત નોંધાવી હતી.
Young gun, big impact. 🔥
— Star Sports (@StarSportsIndia) April 20, 2026
Gen next star Ashwani Kumar bags a 4-fer as MI dominate Gujarat Titans. 👊🏻#TATAIPL 2026 | #GTvMI | LIVE NOW 👉 https://t.co/EXwHuATWcw pic.twitter.com/SzyDHT6gss
સાયકલ પર 11 કિમીની સફર અને સંઘર્ષ
અશ્વની કુમાર એક અત્યંત સાધારણ પરિવારમાંથી આવે છે અને ક્રિકેટર બનવા માટે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે. પ્રેક્ટિસ માટે તેઓ પોતાના ગામથી 11 કિલોમીટર દૂર સાયકલ ચલાવીને મોહાલી જતા હતા. તેમની આ મહેનત ત્યારે રંગ લાવી જ્યારે તેઓ ‘શેર-એ-પંજાબ T20 ટુર્નામેન્ટ’ માં લાઈમલાઈટમાં આવ્યા. આ પ્રદર્શનના આધારે મુંબઈ ઇન્ડિયન્સના સ્કાઉટ્સની નજર તેમના પર પડી અને વર્ષ 2025 માં મુંબઈએ તેમને માત્ર 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.
ડેબ્યૂ મેચમાં જ રચ્યો હતો ઇતિહાસ
અશ્વની કુમારે આઈપીએલ 2025 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ડેબ્યૂ કર્યું હતું અને પોતાના પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપીને સનસનાટી મચાવી દીધી હતી. તે મેચમાં પણ તેમણે 4 ઓવરમાં 24 રન આપી 4 વિકેટ લીધી હતી, જેમાં અજિંક્ય રહાણે અને આન્દ્રે રસેલ જેવા દિગ્ગજોનો સમાવેશ થતો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે વર્ષ 2025 અને 2026 બંને સીઝનમાં તેમના સર્વશ્રેષ્ઠ આંકડા એકસમાન (4/24) રહ્યા છે, જે તેમની બોલિંગની ચોકસાઈ દર્શાવે છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં તેમના નામે 15 વિકેટ નોંધાઈ છે.
હાર્દિક પંડ્યાની વ્યૂહરચના અને સફળતાનો મંત્ર
પોતાની સફળતાનો શ્રેય કેપ્ટન હાર્દિક પંડ્યાને આપતા અશ્વનીએ જણાવ્યું કે, મેચ દરમિયાન પિચ ‘હાર્ડ લેન્થ’ અને ‘બેક ઓફ લેન્થ’ બોલ માટે મદદરૂપ હતી. હાર્દિક સાથેની ચર્ચા બાદ તેમણે ચતુરાઈથી શોર્ટ બોલનો ઉપયોગ કર્યો, જેનાથી ગુજરાતના બેટ્સમેનો સંપૂર્ણપણે થાપ ખાઈ ગયા હતા. અશ્વનીના મતે હાર્દિકના માર્ગદર્શનથી તેમને આત્મવિશ્વાસ સાથે બોલિંગ કરવામાં ઘણી મદદ મળી છે.
ટીમ ઇન્ડિયા માટે દાવેદારી નોંધાવી
ઘરેલું ક્રિકેટની ગુમનામીમાંથી નીકળીને આઈપીએલની ચકાચૌંધમાં પોતાની જગ્યા બનાવનારા અશ્વની હવે ટીમ ઇન્ડિયા માટે પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તિલક વર્માના તોફાની અણનમ 101 રન અને અશ્વનીની ધારદાર બોલિંગના જોરે મુંબઈ ઇન્ડિયન્સ હવે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગયું છે, જેનાથી તેમની પ્લેઓફની આશાઓ ફરી જીવંત થઈ છે. મુંબઈના ચાહકો હવે આ નવા ‘સ્વિંગ સુલતાન’ પાસે આગામી મેચોમાં પણ આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.
