Slapgate Controversy: હરભજન સિંહ અને શ્રીસંતનો વર્ષો જૂનો થપ્પડ કાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કારણ કે IPLના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ તાજેતરમાં માઈકલ ક્લાર્કના પોડકાસ્ટમાં તેનો વિડિયો શેર કર્યો હતો. આ વિડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. ફૂટેજ બહાર આવ્યા પછી તેની ઘણી ટીકા થઈ હતી. હવે હરભજન સિંહે પણ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે.
હરભજન સિંહે 17 વર્ષ પછી આ ઘટનાનો વિડિયો શેર કરવા બદલ લલિત મોદીની ટીકા કરી છે. ભજ્જીએ ઇન્સ્ટન્ટ બોલિવૂડ સાથે વાત કરતા કહ્યું- આ વિડિયો જે રીતે લીક થયો છે તે ખોટું છે. આવું ન થવું જોઈતું હતું. આ પાછળ તેમનો કોઈ સ્વાર્થી હેતુ હોઈ શકે છે. લોકો 18 વર્ષ પહેલાં જે બન્યું તે ભૂલી ગયા છે અને તેઓ લોકોને તેની યાદ અપાવી રહ્યા છે. જે કંઈ થયું તેનું મને ખરાબ લાગે છે. અમે રમી રહ્યા હતા અને દરેકના મનમાં કંઈક ચાલી રહ્યું હતું. ભૂલો થઈ અને અમને તેના માટે શરમ પણ આવે છે.
ભજ્જીએ આગળ કહ્યું- આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે મેં ભૂલ કરી છે. માણસો ભૂલો કરે છે અને મેં પણ ભૂલો કરી છે. મેં ભગવાન ગણેશને પ્રાર્થના કરી છે કે જો હું ભવિષ્યમાં ભૂલો કરું તો મને માફ કરે. માણસો ભૂલો કરતા રહે છે.
અગાઉ શ્રીસંતની પત્નીએ પણ વિડિયો ફૂટેજ રિલીઝ થવા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. શ્રીસંતની પત્ની ભુવનેશ્વરીએ વિડિયો ફૂટેજ રિલીઝ કરવા બદલ લલિત મોદીને ઠપકો આપ્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કહ્યું હતું કે- લલિત મોદી અને માઈકલ ક્લાર્ક, તમને બંનેને શરમ આવવી જોઈએ. તમે તમારી સસ્તી લોકપ્રિયતા માટે 2008ની ઘટનાને ખેંચી રહ્યા છો. તમે લોકો તો માણસ પણ નથી. શ્રીસંત અને હરભજન બંને ઘણા સમય પહેલા જ આગળ વધી ગયા છે. તેઓ હવે શાળાએ જતા બાળકોના પિતા છે, છતાં તમે તેમને જૂના ઘા યાદ કરાવી રહ્યા છો. આ ખૂબ જ ઘૃણાસ્પદ, નિર્દય અને અમાનવીય છે.
લલિત મોદીએ આખી ઘટના વર્ણવી
લલિત મોદીએ પોતાના પોડકાસ્ટમાં ક્લાર્કને કહ્યું હતું કે તેમની પાસે આ ફૂટેજ 18 વર્ષથી છે. જોકે, તેમણે ક્યારેય તેને જાહેર કર્યું નથી. મોદીએ કહ્યું હતું કે- હું ત્યાં હાજર હતો. રમત પૂરી થઈ ગઈ હતી, કેમેરા બંધ હતા. મારો એક સિક્યોરિટી કેમેરા ચાલુ હતો. શ્રીસંત અને ભજ્જી (હરભજન) વચ્ચેની ઘટના કેદ થઈ ગઈ હતી. બધા ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા. તેઓ હાઇ-ફાઇવ આપી રહ્યા હતા. ભજ્જીએ શ્રીસંતને બોલાવ્યો અને હાથ તેના ચહેરા પર માર્યો. મેં આટલા લાંબા સમય સુધી તેને ક્યારેય જાહેર કર્યો નથી. છેલ્લા 18 વર્ષથી અમારી પાસે તે છે.
The famous slap in my podcast with @MClarke23 on #beyond23 - part 3 of my podcast. I love @harbhajan_singh - but after 17 years it was time to reveal it. Lots and lots more to reveal but that will now only be in the movie that’s in the works supervised by @SnehaRajani on my… pic.twitter.com/EhPaIRAZ0F
— Lalit Kumar Modi (@LalitKModi) August 29, 2025
તમને જણાવી દઈએ કે 25 એપ્રિલ 2008ના રોજ, મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ પછી, હરભજન સિંહે એસ. શ્રીસંતને થપ્પડ મારી હતી. આ પછી, શ્રીસંત પણ રડતો જોવા મળ્યો હતો. આ ઘટના પછી ઘણો હોબાળો થયો હતો.
