CSKએ IPL 2027 માટે ગેરેથ બેટીને બનાવ્યો આસિસ્ટન્ટ કોચ, ઝહીર સાથે મળીને છઠ્ઠા ખિતાબ માટે બનાવશે માસ્ટરપ્લાન

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2027 માટે ઈંગ્લિશ કાઉન્ટીના સફળ કોચ ગેરેથ બેટીને આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. હેડ કોચ ઝહીર ખાન સાથે મળીને તેઓ CSKને છઠ્ઠો ખિતાબ અપાવવા માટે રણનીતિ ઘડશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 26 Oct 2026 10:57 PM (IST)Updated: Mon, 26 Oct 2026 10:57 PM (IST)
csk-appoints-gareth-batty-as-assistant-coach-for-ipl-2027

IPL 2027: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ પોતાની કોચિંગ ટીમમાં મોટો અને મહત્વનો ફેરફાર કર્યો છે. પાછલી ત્રણેય સીઝનમાં નબળા પ્રદર્શનથી મુશ્કેલીમાં મુકાયેલી યલો આર્મીએ હવે ઈંગ્લેન્ડના સફળ કોચ ગેરેથ બેટીને (Gareth Batty) પોતાના નવા આસિસ્ટન્ટ કોચ તરીકે સામેલ કર્યો છે. ગેરેથ બેટી હવે ટીમના નવા હેડ કોચ ઝહીર ખાનની સાથે મળીને CSKને ફરી એકવાર ચેમ્પિયન બનાવવા માટે ખાસ રણનીતિ પર કામ કરશે.

સ્ટીફન ફ્લેમિંગના યુગનો અંત અને ઝહીરની એન્ટ્રી

ચેન્નાઈની ટીમ માટે છેલ્લા ત્રણ વર્ષ કંઈ ખાસ રહ્યા નથી. 2023માં એમ.એસ. ધોનીની કપ્તાની હેઠળ આઈપીએલનો ખિતાબ જીત્યા બાદ ટીમે ઋતુરાજ ગાયકવાડને કપ્તાની સોંપી હતી. જોકે 2024, 2025 અને 2026ની સીઝનમાં ટીમ એક પણ વખત પ્લેઓફ સુધી પહોંચી શકી નહોતી. સતત ત્રણ વર્ષ નિષ્ફળ ગયા બાદ 18 વર્ષથી ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા દિગ્ગજ સ્ટીફન ફ્લેમિંગ સાથે CSKએ પોતાના રસ્તા અલગ કર્યા હતા અને ભારતના પૂર્વ સ્ટાર બોલર ઝહીર ખાનને નવા હેડ કોચ બનાવ્યા હતા.

કોણ છે ગેરેથ બેટી? જાણો શાનદાર રેકોર્ડ

ઝહીર ખાનની મદદ માટે સામેલ કરાયેલા ગેરેથ બેટી ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ટીમ 'સરે' (Surrey) ના છેલ્લા પાંચ વર્ષથી હેડ કોચ રહ્યો છે. 2022માં સરે સાથે જોડાયા બાદ તેણે પહેલા જ વર્ષે ટીમને ચેમ્પિયન બનાવી હતી અને ત્યારબાદ 2023 તથા 2024માં પણ સતત ટાઈટલ જીતાડીને સરેને હેટ્રિક ચેમ્પિયન બનાવી હતી. વર્ષ 2025માં પણ તેમની ટીમ રનર્સ-અપ રહી હતી.

નવી સફર અંગે બેટીનું નિવેદન

આવો વિજયી અનુભવ ધરાવતા બેટીએ ચેન્નાઈ પરિવાર સાથે જોડાયા બાદ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આઈપીએલમાં CSK જેવી મોટી ફ્રેન્ચાઈઝી સાથે જોડાવું એ તેમના અને તેમના પરિવાર માટે ખૂબ જ રોમાંચક છે અને તેઓ આ નવી સફર શરૂ કરવા માટે ખૂબ આતુર છે. હવે પાંચ વખતની ચેમ્પિયન CSK પોતાના આ નવા અને મજબૂત કોચિંગ સ્ટાફ સાથે IPL 2027માં જોરદાર કમબેક કરવા તૈયાર દેખાઈ રહી છે.