Virat Kohli Rohit Sharma Retirement: ટેસ્ટ ક્રિકેટમાંથી વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિને 7 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ મુદ્દે હજુ પણ ચર્ચાઓ શમી નથી. તાજેતરમાં પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ આ બાબતે એક મોટું નિવેદન આપીને વિવાદ છેડ્યો છે. ઉથપ્પાના જણાવ્યા અનુસાર આ બંને દિગ્ગજ ખેલાડીઓની વિદાય સ્વાભાવિક વિદાય જેવી લાગતી નથી. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે શું આ બંનેને નિવૃત્તિ લેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા?
રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવવા માંગતા હતા
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મે મહિનામાં IPL 2025 દરમિયાન થોડા દિવસોના અંતરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિતે સોશિયલ મીડિયા દ્વારા પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી. આ જાહેરાત એવા સમયે આવી હતી જ્યારે એવી અફવાઓ વહેતી થઈ હતી કે BCCIના પસંદગીકારો ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવવા માંગતા હતા. આ સંજોગોને જોતા ઉથપ્પાનું માનવું છે કે આ કોઈ સામાન્ય વિદાય નહોતી અને તેની પાછળનું સત્ય ખેલાડીઓ પોતે જ જણાવી શકે છે.
વિરાટ કોહલી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ખૂબ જ ઉત્સાહિત હતો
કોહલીની નિવૃત્તિ સૌથી વધુ ચોંકાવનારી હતી કારણ કે વિરાટ તે સમયે ઇંગ્લેન્ડ પ્રવાસની તડામાર તૈયારીઓ કરી રહ્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સદી ફટકાર્યા બાદ તેનો આત્મવિશ્વાસ ઘણો ઊંચો હતો અને તે ઇંગ્લેન્ડમાં વધુ 2-3 સદી ફટકારવા માંગતો હતો. દિલ્હીના રણજી કોચ સરનદીપ સિંહે પણ દાવો કર્યો હતો કે કોહલી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ખૂબ જ ઉત્સાહિત હતો, છતાં તેણે અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
રન માટેની ભૂખ હજુ પણ જીવંત હતી
રોબિન ઉથપ્પાએ તેમના યુટ્યુબ વીડિયોમાં જણાવ્યું હતું કે વિરાટ અને રોહિત બંનેની આંખોમાં હજુ પણ રન માટેની ભૂખ સ્પષ્ટ દેખાતી હતી. ઉથપ્પાના મતે જ્યારે રોહિત ઓસ્ટ્રેલિયામાં રન નહોતો બનાવી રહ્યો, ત્યારે તેને 6 મહિનાનો બ્રેક લઈને ફિટનેસ પર કામ કરવાની જરૂર હતી, ન કે નિવૃત્તિની. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ આત્મસમર્પણ હતું કે મજબૂરી તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તે કુદરતી નિવૃત્તિ તો બિલકુલ નહોતી. આ સમગ્ર મામલાનું સત્ય ત્યારે જ બહાર આવશે જ્યારે આ બંને ખેલાડીઓ જાતે શેર કરવાનું નક્કી કરશે.
