Washington Sundar: વોશિંગ્ટન સુંદરે ફેન્સને સેલ્ફી આપવાની ના પાડી, સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો

વોશિંગ્ટન સુંદર એક હોટલની લોબીમાંથી બહાર નીકળ્યા, ત્યારે કેટલાક ચાહકો તેમની પાસે સેલ્ફી માટે વિનંતી કરવા લાગ્યા હતા. જોકે તેમણે સેલ્ફી આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 03 Jan 2026 10:29 AM (IST)Updated: Sat 03 Jan 2026 10:29 AM (IST)
washington-sundar-refuses-selfie-seeking-fans-667178

Washington Sundar Viral Video: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીએ ચાહકોને સેલ્ફી આપવાનો ઈનકાર કરી દેતા મોટો વિવાદ ઊભો થયો છે. ભારતમાં ક્રિકેટરોને ભગવાનની જેમ પૂજવામાં આવે છે અને તેમની એક ઝલક મેળવવા માટે ચાહકો હંમેશા આતુર હોય છે, પરંતુ જ્યારે આ ભારતીય ઓલરાઉન્ડરે સેલ્ફી લેવાની ના પાડી, ત્યારે ચાહકોમાં નારાજગી જોવા મળી હતી. આ ઘટનાને કારણે હાલ સોશિયલ મીડિયા પર ફેન્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે.

હોટલની લોબીમાં બની ઘટના
વોશિંગ્ટન સુંદર જ્યારે એક હોટલની લોબીમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે કેટલાક ચાહકો તેમની પાસે આવ્યા અને સેલ્ફી માટે વિનંતી કરવા લાગ્યા હતા. જોકે સુંદર આ પરિસ્થિતિમાં અસહજ જણાતા હતા અને તેમણે સેલ્ફી આપવાની આનાકાની કરી હતી. ચાહકોની સતત દરખાસ્ત છતાં તેમણે સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ઘમંડ કે પ્રાઈવસી?
લોકોના અલગ-અલગ મત સોશિયલ મીડિયા પર આ મુદ્દે લોકોના અલગ-અલગ અભિપ્રાય જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે સુંદર એક જેન્ટલમેન છે, પરંતુ તેમનો એટીટ્યુડ વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા કરતા પણ વધુ છે. બીજી તરફ અન્ય એક યુઝરે ખેલાડીનો પક્ષ લેતા જણાવ્યું કે આ ખેલાડીઓ પણ થાકી જતા હોય છે અને જ્યારે પણ તેઓ બહાર નીકળે છે ત્યારે લોકો તેમની પ્રાઈવસીમાં દખલ કરે છે. ફેન્સે ખેલાડીઓનું સન્માન કરવું જોઈએ અને દરેક જગ્યાએ કેમેરા લઈને ન પહોંચવું જોઈએ.

ટીમ ઈન્ડિયાનો ઉભરતો સિતારો
વોશિંગ્ટન સુંદર હાલ ભારતીય ક્રિકેટના મહત્વના ખેલાડી છે અને તેમને ટી20 વર્લ્ડ કપ-2026 માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ ટેસ્ટ ટીમમાં પણ અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરને તેમની પ્રતિભા પર ઘણો ભરોસો છે, જેના કારણે તેમને ટીમમાં સતત તકો મળી રહી છે.