Vignesh Puthur Dressing Room: મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ IPL 2025માં હારની સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સને પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે મુંબઈ ઈન્ડિયન્સને ચેપોકમાં ભલે જ હાર મળી પરંતુ યુવા સ્પિનર વિગ્નેશ પુથુરે પોતાની બોલિંગથી સૌનું દિલ જીતી લીધું છે. તેને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં ડેબ્યૂ કરતા 4 ઓવરના સ્પેલમાં 32 રન આપીને મહત્વની 3 વિકેટ ઝડપી હતી. વિગ્નેશે CSKના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ 53 રન, શિવમ દુબે 9 રન અને દીપક હુડ્ડા 3 રને આઉટ કર્યા હતા. વિગ્નેશ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતર્યો હતો.
એક સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 156 રનનો ટાર્ગેટ આસાન લાગતો હતો પરંતુ કેરળના 24 વર્ષીય બોલર વિગ્નેશની ઘાતક બોલિંગને પગલે આ આસાન ટાર્ગેટ મુશ્કેલભર્યો બન્યો હતો. ચેન્નાઈ માત્ર 5 બોલ બાકી રહેતા જીત મેળવી શકી હતી. વિગ્નેશે શાનદાર પ્રદર્શન કરતા MIના ડ્રેસિંગ રુમમાં બેસ્ટ બોલરના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. વિગ્નેશે આ એવોર્ડ મેળવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના માલકિન નીતા અંબાણીને પગે લાગ્યો હતો અને ચાન્સ આપવા માટે ફ્રેન્ચાઈઝીનો આભાર માન્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે સોમવારે સોશિયલ મીડિયા પર બેસ્ટ બોલર એવોર્ડનો વિડિયો શેર કર્યો છે.
MI દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં વિગ્નેશે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સે મને મેચ રમવાની તક આપી. હું ફ્રેન્ચાઈઝીનો આભાર માનવા માંગુ છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આ ખેલાડીઓ સાથે રમીશ. હું ખૂબ જ ખુશ છું. ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને અમારા કેપ્ટન સૂર્યા ભાઈ (સૂર્યકુમાર યાદવ)ને ઘણો જ સપોર્ટ આપ્યો. મને લાગે છે કે આ કારણસર જ મારા પર એટલું દબાણ ન હતું.
મુંબઈ ઈન્ડિયન્સે વિગ્નેશને 30 લાખ રુપિયાની બેઝ પ્રાઈઝ પર પોતાની સાથે જોડ્યો છે. તેને હજુ સુધી કેરળની સીનિયર ટીમમાં એક પણ મેચ રમી નથી. તે રાજ્યની અંડર-14 અને અંડર-19 સ્તર પર જ રમ્યો છે. વિગ્નેશના પિતા એક ઓટો ડ્રાઈવર છે.
