Mumbai Indians IPL 2025: આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. તેમનો યુવા સ્પિનર વિગ્નેશ પુથુર ઈજાને કારણે બાકીની સિઝનમાંથી બહાર થઈ ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ મેનેજમેન્ટે વિગ્નેશના સ્થાને પંજાબના રઘુ શર્માને ટીમમાં તક આપી છે.
રઘુ શર્મા કોણ છે
31 વર્ષીય લેગ-સ્પિનર રઘુ શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પંજાબ અને પુડુચેરીનું પ્રતિનિધિત્વ કર્યું છે. રઘુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 મેચમાં 19.59 ની એવરેજથી 57 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 56 રન આપીને સાત વિકેટ રહ્યું છે. રઘુએ 9 લિસ્ટ A મેચોમાં 14 વિકેટ જ્યારે ત્રણ T20 મેચોમાં ત્રણ વિકેટ ઝડપી છે. મુંબઈ ઇન્ડિયન્સે રઘુને 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ટીમમાં સામેલ કર્યો છે.
ચેન્નાઈ સામે વિગ્નેશનું શાનદાર ડેબ્યૂ
વિગ્નેશ પુથુર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પહેલી જ મેચમાં ત્રણ વિકેટ લઈને પ્રભાવિત કર્યો હતો. વિગ્નેશે ચાલુ સિઝનમાં 5 મેચ રમી હતી, જેમાં કુલ 6 વિકેટ લીધી હતી. વિગ્નેશ પુથુર ભલે ચાલુ સિઝનમાંથી બહાર થઈ ગયો છે, પરંતુ તે ટીમ સાથે જ રહીને તેની રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરશે. મુંબઈ ઇન્ડિયન્સની મેડિકલ અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ ટીમ તેની રિકવરી પર નજર રાખશે.
જણાવી દઈએ કે, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેને છેલ્લી પાંચ મેચમાં પાંચ મેચ જીત મેળવી છે. મુંબઈ ઈન્ડિયન્સ તેની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમશે.
