Vaibhav Suryavanshi Team India Debut: IPL સિઝન 19 માં ગુજરાત ટાઈટન્સ સામે શાનદાર જીત મેળવી રોયલ ચેલેન્જર બેંગ્લોર સતત બે ટાઇટલ જીતનાર ત્રીજી ટીમ બની છે. જોકે, બીજી તરફ રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની ધમાકેદાર બેટિંગથી IPL 2026 ને યાદગાર બનાવી દીધી છે. વૈભવે સૂર્યવંશીએ અનેક રેકોર્ડ સર્જવા સાથે, ભારતીય ક્રિકેટના ભવિષ્યને લઈને એક નવી ચર્ચા પણ જગાવી દીધી છે.
ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી
વૈભવ સૂર્યવંશીએ IPL 2026 દરમિયાન કુલ 16 મેચ રમીને 776 રન બનાવ્યા અને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ સાથે જ વૈભવ સૂર્યવંશી IPL ઈતિહાસમાં ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ સિઝનમાં અનુભવી બોલરો સામે તેણે જે નીડરતાથી બેટિંગ કરી છે, તેનાથી પસંદગીકારો પણ ખૂબ જ પ્રભાવિત થયા છે.
BCCI સેક્રેટરીએ આપ્યો મોટો સંકેત
હાલ દરેક જગ્યાએ વન્ડર બોય વૈભવ સૂર્યવંશીની જ ચર્ચા થઈ રહી છે. સાથે જ તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ પણ તેજ બની છે. આ દરમિયાન BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાના એક નિવેદને ક્રિકેટ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ નિવેદન બાદ હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, વૈભવ સૂર્યવંશી બહુ જલ્દી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરવાની તક મળી શકે છે.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, તમામ પસંદગીકારો આખી IPL સિઝનમાં ખેલાડીઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. વૈભવ સૂર્યવંશીએ પોતાની જાતને અસાધારણ સાબિત કરી છે. તેમના આ નિવેદનને ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ માટેના એક મોટા સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
UK પ્રવાસ માટે થઈ શકે છે પસંદગી
BCCI સેક્રેટરીનું માનવું છે કે રાજસ્થાન રોયલ્સના આ યુવા ખેલાડીને સિનિયર ઇન્ડિયા કેપ મળવામાં હવે વધુ સમય બાકી નથી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "વૈભવ ભારતીય ક્રિકેટનો નવો વન્ડર કિડ છે, અને મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં તે દુનિયાભરમાં ધૂમ મચાવશે."
પસંદગીકારો મેચ જોવા માટે સ્ટેડિયમમાં પણ હાજર રહ્યા હતા, તેથી ભારતીય ટીમની આગામી UK ટુર માટે યોજાનારી પસંદગીની બેઠકોમાં વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પસંદગીકારો તેના હિતમાં ચોક્કસ નિર્ણય લેશે તેવો BCCI સેક્રેટરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
