RR vs GT, IPL 2026 Qualifier 2: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હાર્યા બાદ ભલે રાજસ્થાન રોયલ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ 15 વર્ષના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર પોતાની વિસ્ફોટક બેટિંગથી કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે.
શુક્રવારે રમાયેલી આ હાઇ-વોલ્ટેજ મેચમાં વૈભવ સૂર્યવંશી માત્ર 4 રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો. 96 રન પર આઉટ થયા બાદ ડગઆઉટમાં વૈભવ અત્યંત નિરાશ અને ભાવુક દેખાયો હતો. આ મુશ્કેલ ક્ષણમાં રાજસ્થાનનો કેપ્ટન રિયાન પરાગ તેની પાસે પહોંચ્યો હતો અને તેની સાથે લાંબી વાતચીત કરીને તેનો ઉત્સાહ વધાર્યો હતો. બંને વચ્ચેની આ ભાવુક ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઇટન્સે આ મેચ જીતીને 31 મેના રોજ યોજાનારી આઇપીએલ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, જ્યાં ગુજરાતની જીતનો હીરો સદી ફટકારનાર કેપ્ટન શુભમન ગિલ રહ્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર ગુજરાતની જીત જેટલી જ ચર્ચા વૈભવ અને રિયાન પરાગ વચ્ચેની વાતચીતની થઈ રહી છે.
VAIBHAV SURYAVANSHI CRYING AFTER MATCH LOSS 🤯
— Sam (@cricsam02) May 30, 2026
- Feel for Vaibhav, He did everything to win for his team but God have different plans 💔 pic.twitter.com/cpjiOM4gN8
'નર્વસ નાઇન્ટીઝ' નો શિકાર બન્યો વૈભવ
વૈભવ સૂર્યવંશી માટે આ સતત ત્રીજી એવી ઇનિંગ્સ હતી જ્યાં તે સદીની સાવ નજીક પહોંચીને આઉટ થઈ ગયો હતો. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં પણ તે માત્ર 29 બોલમાં 97 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પોતાની છેલ્લી ચાર ઇનિંગ્સમાં ત્રીજી વખત 90 થી 99 રનની વચ્ચે આઉટ થવાને કારણે આ યુવા બેટ્સમેન પોતાની નિરાશા છુપાવી શક્યો ન હતો. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં જોવા મળ્યું કે જ્યારે વૈભવ ડગઆઉટમાં માથું નીચું કરીને બેઠો હતો, ત્યારે કેપ્ટન રિયાન પરાગ તેની પીઠ થાબડીને તેને ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરી રહ્યો હતો અને વૈભવ પણ તેની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો.
શરૂઆતના સંઘર્ષ બાદ ગુજરાતના બોલરોને નિર્દયતાથી ધોયા
મુલ્લાનપુર ખાતે રમાયેલી આ મેચમાં વૈભવે 47 બોલમાં 96 રનની અદભુત ઇનિંગ રમી હતી. શરૂઆતમાં મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાની ધારદાર બોલિંગ સામે વૈભવ થોડો સંઘર્ષ કરતો દેખાયો હતો અને તેની આક્રમક શૈલીથી વિપરીત તેનો પહેલો સિક્સર 13મા બોલ પર આવ્યો હતો. બીજી તરફ રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી, જેમાં યશસ્વી જયસ્વાલ 1 રન અને ધ્રુવ જુરેલ 7 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
દબાણની આ સ્થિતિમાં વૈભવે સિરાજની એક જ ઓવરમાં 21 રન ફટકારીને રનગતિને વેગ આપ્યો હતો. તેણે 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી, જે તેના આઇપીએલ કરિયરની સૌથી ધીમી અડધી સદી હતી. પરંતુ તે પછી તેણે ગિયર બદલ્યા અને રવિન્દ્ર જાડેજા સામે બીજા છેડેથી આક્રમણ ચાલુ રાખીને આગામી 15 બોલમાં 46 રન ઝૂડી નાખ્યા હતા.
વૈભવે બનાવ્યા 2 ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ
વૈભવ આઇપીએલ ઇતિહાસમાં માત્ર 440 બોલનો સામનો કરીને 1,000 રન પૂરા કરનારો વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ તે T20 ક્રિકેટના ઇતિહાસમાં કોઈ એક જ સિઝનના પાવરપ્લે (પહેલી 6 ઓવર) માં 500 રન બનાવનારો દુનિયાનો સૌપ્રથમ બેટ્સમેન બન્યો છે.
કેએલ રાહુલ અને મેક્સવેલની ક્લબમાં સામેલ
ભલે વૈભવ સદી ચૂકી ગયો, પરંતુ 96 રન પર આઉટ થતાંની સાથે જ તે આઇપીએલના ઇતિહાસમાં 'નર્વસ નાઇન્ટીઝ' (90 થી 99 રન વચ્ચે) માં ત્રણ વખત આઉટ થનારા ખેલાડીઓની ખાસ યાદીમાં જોડાઈ ગયો છે. આ અનિચ્છનીય યાદીમાં અગાઉથી જ કેએલ રાહુલ, ડેવિડ વોર્નર, રુતુરાજ ગાયકવાડ અને ગ્લેન મેક્સવેલ જેવા દિગ્ગજ બેટ્સમેનો સામેલ છે.
