Vaibhav Sooryavanshi: IPL 2026 માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવનાર 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરવા તૈયાર છે. શ્રીલંકા, અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રમાનારી ત્રિકોણીય સિરીઝમાં ઈન્ડિયા A ટીમ પોતાની સફર શરૂ કરી રહી છે. ભારતીય ક્રિકેટ ફેન્સ અને પસંદગીકારોની નજર મુખ્યત્વે આ યુવા સ્ટાર અને ટીમના કેપ્ટન તિલક વર્મા પર ટકેલી છે. ઈન્ડિયા A ટીમ પોતાની પ્રથમ મેચમાં આજે 9 જૂન 2026ના રોજ યજમાન શ્રીલંકા-A સામે ટકરાશે.
ટી20 બાદ હવે 50 ઓવરના ફોર્મેટનો પડકાર
IPL 2026 માં શાનદાર પ્રદર્શનના દમ પર વૈભવ સૂર્યવંશીએ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ તેમજ એશિયન ગેમ્સ માટેની ભારતીય T20 ટીમમાં સ્થાન મેળવી લીધું છે. જોકે, આ પ્રવાસો પહેલા શ્રીલંકામાં રમાનારી આ ત્રિકોણીય શ્રેણી તેના માટે કારકિર્દીનો નવો વળાંક સાબિત થઈ શકે છે. T20 ફોર્મેટમાં મોટા શોટ્સ ફટકારવા માટે જાણીતા વૈભવ સામે હવે 50 ઓવરના ક્રિકેટમાં લાંબી ઇનિંગ્સ રમવાનો અને વિકેટ પર ટકી રહેવાનો મોટો પડકાર રહેશે.
Team India aur Vaibhav Sooryavnashi ka khauf dikhega kal se, sirf Sony Sports Network ke TV channels aur Sony LIV par. 🔥
— Sony Sports Network (@SonySportsNetwk) June 8, 2026
⏰ #TalentTVCup, starts tomorrow, 10 AM onwards
#SonySportsNetwork #SonyLIV #TeamIndia pic.twitter.com/msv4UJQOdT
શ્રીલંકાની પીચો પર વૈભવના રેકોર્ડબ્રેક ફોર્મની કસોટી
વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં જ સંપન્ન થયેલી IPL 2026 માં 776 રન બનાવીને અનેક મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. આ દરમિયાન તેણે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ જેવા વિશ્વ કક્ષાના બોલરો સામે નિર્ભયતાથી બેટિંગ કરી હતી.
પરંતુ, શ્રીલંકાની પરિસ્થિતિઓ ભારત કરતાં ઘણી અલગ છે, જ્યાં સ્પિન બોલરોનું વર્ચસ્વ જોવા મળે છે. આવી ધીમી પીચો પર રમતને આગળ ધપાવવા માટે ધૈર્ય અને ટેકનિકની જરૂર પડે છે. પસંદગીકારો આ શ્રેણીમાં વૈભવની ટેકનિકલ કુશળતા, માનસિક મજબૂતાઈ અને પરિસ્થિતિ મુજબ રમત બદલવાની ક્ષમતા પર બારીકાઈથી નજર રાખશે.
કેપ્ટન તિલક વર્મા અને રુતુરાજ ગાયકવાડ પર મોટી જવાબદારી
આ ત્રિકોણીય શ્રેણી માટે ઈન્ડિયા A ટીમની કમાન સ્ટાર બેટ્સમેન તિલક વર્માના હાથમાં સોંપવામાં આવી છે. ટીમમાં રુતુરાજ ગાયકવાડ સૌથી અનુભવી ખેલાડી તરીકે ઉપસ્થિત છે, જે મિડલ ઓર્ડરને મજબૂતાઈ આપશે.
મધ્યક્રમ અને ઓલરાઉન્ડર વિભાગમાં પ્રભસિમરન સિંહ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપ્રાજ નિગમ અને અનુકુલ રોય જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ સામેલ છે, જે ટીમને ઉત્કૃષ્ટ સંતુલન પૂરું પાડે છે. બોલિંગ આક્રમણની વાત કરીએ તો અંશુલ કંબોજ, યશ ઠાકુર અને અરશદ ખાન જેવા યુવા ફાસ્ટ બોલરો વિરોધી ટીમને વહેલી તકે પેવેલિયન ભેગી કરવા માટે તૈયાર છે.
મેચનો સમય અને વિગત
ઈન્ડિયા A અને શ્રીલંકા-A વચ્ચેની આ રોમાંચક મેચ 9 જૂન (મંગળવાર) ના રોજ દામ્બુલાના રંગીરી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:00 વાગ્યે શરૂ થશે.
બંને ટીમોની સંપૂર્ણ સ્ક્વોડ (Squads)
ઈન્ડિયા A સ્ક્વોડ: તિલક વર્મા (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, રુતુરાજ ગાયકવાડ, નિશાંત સિંધુ, અનુકુલ રોય, આયુષ બદોની, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ ચરક, અરશદ ખાન, વિપ્રજ નિગમ, કુમાર કુશાગ્ર, સૂર્યાંશ શેડગે અને અંશુલ કંબોજ.
શ્રીલંકા-A સ્ક્વોડ: સહન અરાચિગે (કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, નુવાનિડુ ફર્નાન્ડો, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, વાન્યુજા સહન, ચમિકા કરુણારત્ને, વિજયકાંત વ્યાસકાન્ત, મોહમ્મદ શિરાઝ, અહાન વિક્રમાસિંઘ, ગરનાન્ડો, રાવિનકાડુ, સંકેત, વિશેન હલમ્બગે, કુગાથસ મથુલન અને દુલાજ સમુદિતા.
