India vs West Indies 3rd T20 2026: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટી20 મેચ દરમિયાન એક અત્યંત અજીબોગરીબ અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ભારતીય ઈનિંગ્સ દરમિયાન ટીમના વાઈસ-કેપ્ટન તિલક વર્મા પોતાની ઘોર અજ્ઞાનતા અને લાપરવાહીના કારણે રન આઉટ થઈને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તિલકની આ મોટી ભૂલ અને વિકેટ ફેંકી દેવાની રીત જોઈને ડગઆઉટમાં બેઠેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અત્યંત નારાજ અને ગુસ્સામાં જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આખરે મેદાન પર શું બન્યું હતું?
ભારતીય ઈનિંગ્સની 17મી ઓવરમાં આ ઘટના બની હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સ્પિનર ગુડાકેશ મોતી ઓવર ફેંકી રહ્યો હતો અને સ્ટ્રાઈક પર અક્ષર પટેલ હતો. મોતીએ લેગ સાઈડમાં ફૂલટોસ બોલ ફેંક્યો, જેના પર અક્ષરે જોરદાર શોટ ફટકાર્યો. બંને બેટ્સમેનોએ તરત જ એક રન પૂરો કરી લીધો હતો.
બીજો રન લેતી વખતે અક્ષર પટેલને લાગ્યું કે બોલ બાઉન્ડ્રી લાઈન ઓળંગીને ચોગ્ગા માટે જતો રહ્યો છે, તેથી તે રન લેવાનું છોડીને પોતાની ક્રિઝ તરફ પાછો ફર્યો. આ દરમિયાન બંને બેટ્સમેનો બોલ ચોગ્ગો થઈ ગયો છે તેમ સમજીને પીચની વચ્ચે એકબીજા સાથે હાથ મિલાવવા લાગ્યા હતા.
વિન્ડીઝ ખેલાડીઓની સમયસૂચકતા અને રન આઉટનું ડ્રામા
પરંતુ વાસ્તવમાં બોલ ચોગ્ગામાં ગયો નહોતો અને ફિલ્ડરે સમયસર બોલને બાઉન્ડ્રી નજીક રોકી લીધો હતો. ફિલ્ડરે બોલ સીધો વિકેટકીપર શાઈ હોપ તરફ ફેંક્યો. હોપે તુરંત જ પોતાના છેડા પર અક્ષર પટેલને રન આઉટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અક્ષર સદનસીબે સમયસર પોતાની ક્રિઝમાં પહોંચી ગયો હતો.
હોપે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બોલ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલા ગુડાકેશ મોતી તરફ ફેંક્યો. આ દરમિયાન અસલી ખેલ તિલક વર્મા સાથે થયો. તિલક વર્મા બોલને ‘ડેડ’ સમજીને પીચ પર એકદમ બિનકાળજીથી આરામથી ચાલી રહ્યો હતો અને પોતાની ક્રિઝથી ઘણો બહાર હતો. મોતીએ તુરંત જ બેલ્સ ઉડાવી દીધી અને રન આઉટની અપીલ કરી. ટીવી રિપ્લેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે તિલક ક્રિઝની બહાર હતો અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો.
ગૌતમ ગંભીરનો ગુસ્સો અને ડગઆઉટનું વાતાવરણ
તિલક વર્માની આ પ્રકારની નાદાનિયત અને લાપરવાહી જોઈને ભારતીય કેમ્પ સ્તબ્ધ થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ડગઆઉટમાં બેસીને આ આખી ઘટના જોઈ રહ્યો હતો અને તિલકના આઉટ થતાં જ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ગંભીરનો નારાજગીભર્યો ચહેરો કેમેરામાં કેદ થઈ ગયો હતો. ફેન્સ અને ક્રિકેટ વિશ્લેષકો પણ તિલકની આ બિનજવાબદાર રમતની આકરી ટીકા કરી રહ્યા છે.
અભિષેક શર્માનું તોફાન, ભારતનો 223 રનનો વિશાળ સ્કોર
મેચની વાત કરીએ તો, વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ઓપનર અભિષેક શર્માએ વિન્ડીઝના બોલરોની ધુલાઈ કરતા તોફાની ઇનિંગ્સ રમી હતી. અભિષેકે માત્ર 30 બોલમાં 6 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 69 રન બનાવ્યા હતા.જોકે, અન્ય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શક્યો નહોતો. ઈશાન કિશન 18 બોલમાં 37 રન, તિલક વર્મા 16 બોલમાં 28 રન, નિતીશ રેડ્ડી 14 બોલમાં 21 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમ 20 ઓવરમાં 223 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટન ચેઝ, શમાર જોસેફ અને શમર સ્પ્રિંગરે 2-2 વિકેટ ઝડપી હતી.
